________________
૪૦૮
ઉપદેશપદ : ભાગ-૧ સ્વપ્રમાં જે ભુંડ જોયો હતો તે આ આચાર્ય છે અને ભદ્રક હાથીઓ જોયા હતા તે આ સાધુઓ છે. આમાં તમારે કોઈ જાતની શંકા કરવી નહિ. પછી તેમણે સવારે રુદ્રદેવ આચાર્યના શિષ્યોને રાત્રે બનેલી હકીકત કહીને આવી ચેષ્ટાથી આ અભવ્ય છે અને તમારે ઘોર સંસારરૂપ વૃક્ષનું કારણ એવો તેનો ત્યાગ કરવો જોઇએ એમ યુક્તિથી ચેતવી દીધા. આથી તે સાધુઓએ પણ તેવા ઉપાયથી ધીમે ધીમે તેનો ત્યાગ કરી દીધો. સાધુઓ નિષ્કલંક ચારિત્ર પાળીને દેવલોકમાં ઉત્પન્ન થયા. તે બધાય ત્યાંથી ચ્યવને આ જ ભારતમાં વસંતપુરનગરમાં જિતશત્રુ રાજાના પુત્રપણે ઉત્પન્ન થયા. સમય જતાં તે બધા યુવાન બન્યા. તે બધા સુંદર રૂપવાળા અને કળાઓમાં કુશળ હોવાથી સર્વત્ર તેમની કીર્તિ ફેલાણી. આથી હસ્તિનાગ નગરના કનકધ્વજનામના રાજાએ પોતાની કન્યાના વરના નિર્ણય માટે તેના સ્વયંવર મંડપમાં આવવા તે રાજપુત્રોને જલદી આમંત્રણ આપ્યું. ત્યાં આવેલા તેમણે એક ઊંટને જોયો. તે ઊંટની પીઠ ઉપર ઘણો ભાર હતો. ગળામાં મોટું કુતુપ (ધી આદિ રાખવાનું સાધન) બાંધ્યું હતું. તે કરુણ અવાજ કરી રહ્યો હતો. તેના શરીરે ખસ થઈ હતી. શરીરનાં બધાં અંગો જીર્ણ થઈ ગયાં હતાં. તેને દુઃખમાંથી છોડાવનાર કોઈ ન હતું. આથી તે અતિશય દુઃખી હતો. આવા ઊંટને જોતાં બધા રાજકુમારોને તેના ઉપર ખૂબ દયા આવી અને એ શુભભાવના કારણે તેમને જાતિસ્મરણ જ્ઞાન થયું. આથી તેમણે દેવભવમાં થયેલા (અવધિ)જ્ઞાનથી (અમારા ગુરુ ઊંટ થયા છે એમ) જાણ્યું હોવાથી આ ઊંટ અમારો ગુરુ છે એમ સ્પષ્ટ તેને ઓળખી લીધો. આથી દયાળુ તેમણે “સંસારના દુષ્ટવર્તનને ધિક્કાર થાઓ! કે જેથી તેવું જ્ઞાન પામીને પણ આ ખરાબ ભાવના કારણે આવી અવસ્થાને પામ્યો અને સંસારમાં પરિભ્રમણ કરશે.” આમ વિચારીને તેના માલિકો પાસેથી તેને છોડાવ્યો. ત્યાર પછી તેમણે આવું સંસાર નિર્વેદનું કારણ પામીને તે જ વખતે વિષયસુખોનો ત્યાગ કરીને પ્રવજ્યા લીધી. ત્યારબાદ સદ્ગતિની પરંપરા પામી ટુંકા કાળમાં એ બધા મોક્ષ પામશે. ઊંટનો જીવ અભવ્ય હોવાથી સંસાર-અટવીમાં પરિભ્રમણ કરશે.
ગોવિંદ વાચકનું ઉદાહરણ ગોવિંદ વાચકના આ વૃત્તાંતને આચાર્યો આ પ્રમાણે જાણે છે
દુષ્કતોનું સ્થાન એવા કોઇક નગરમાં સર્વ વિદ્વાન લોકના મદને દૂર કરનાર, મહાવાદી અને દાનવોની જેમ નિરંકુશ ચેષ્ટાવાળો ગોવિંદ નામનો બૌદ્ધ ભિક્ષુ હતો. સિદ્ધાંત, શબ્દ, સાહિત્ય, છન્દ અને તર્ક શાસ્ત્રમાં નિપુણ એવા મુનિઓથી પરિવરેલા, ઘણા ભવ્યજીવો રૂપ કમળોના વિકાસ માટે સૂર્યસમાન અને સ્થિરયશ સમૂહવાળા શ્રીગુપ્ત નામના આચાર્ય વિહાર કરતાં કરતાં ક્યારેક તે નગરીમાં પધાર્યા અને સાધુલોકને ઉચિત એવા સ્થાનમાં રહ્યા. જેવી