________________
ઉપદેશપદ : ભાગ-૧
૨૩ આ પ્રમાણે બુદ્ધિનું વર્ણન કરનારા ગ્રન્થના શ્રવણથી જેણે બુદ્ધિને પ્રાપ્ત કરી છે એવો પુરુષ જે કરે તેને કહે છે
ગાથાર્થ– બુદ્ધિયુક્ત જીવ વિશેષતાઓથી પરિશુદ્ધ ધર્મસ્થાનને, પોતાની પણ યોગ્યતાને અને અનુબંધને પણ ઘણા આદરથી વિચારે છે.
ટીકાર્થ– બુદ્ધિયુક્ત- પૂર્વે જણાવેલી ઔત્પાતિકી આદિ બુદ્ધિથી યુક્ત.
વિશેષતાઓથી પરિશુદ્ધ= ઉત્સર્ગ-અપવાદ રૂપ તત્ત્વના સ્થાનની સત્તાને પામેલા દ્રવ્યક્ષેત્ર-કાલ-ભાવ રૂપ વિશેષતાઓથી નિર્દોષ.
અહીં ભાવાર્થ આ પ્રમાણે છે- હમણાં દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ આ ધર્મસ્થાનના બાધક છે કે સાધક છે ? હમણાં ઉત્સર્ગમાર્ગ આ ધર્મસ્થાનનો બાધક છે કે સાધક છે ? અપવાદમાર્ગ આ ધર્મસ્થાનનો બાધક છે કે સાધક છે ? ઉત્સર્ગ માર્ગે ચાલી શકાય તેવા દ્રવ્યાદિ છે કે અપવાદમાર્ગે ચાલી શકાય તેવા દ્રવ્યાદિ છે? ઈત્યાદિ રીતે નિર્દોષ ધર્મસ્થાનને વિચારે. કારણ કે વિદ્વાનો આ પ્રમાણે કહે છે– “દેશ, કાળ અને રોગને આશ્રયીને તે અવસ્થા(=પરિસ્થિતિ) ઉત્પન્ન થાય છે કે જેમાં અકર્તવ્ય પણ કરવા યોગ્ય થાય, અને કરવા યોગ્ય કાર્યનો ત્યાગ કરે.”
ધર્મસ્થાન– સર્વપુરુષાર્થોમાં પ્રથમ સ્થાને મૂકેલા, એથી જ સર્વસિદ્ધિઓનું અવંધ્ય કારણ એવા શ્રુત-ચારિત્રની આરાધના રૂપ ધર્મનું સ્થાન, અર્થાત્ ધર્મસ્થાન એટલે શ્રુત-ચારિત્રની આરાધના રૂપ ધર્મ વિશેષ.
પોતાની પણ યોગ્યતાને= કેવળ ધર્મસ્થાનને જ વિચારે એમ નહિ, કિંતુ પોતાની પણ યોગ્યતાને વિચારે. જેમકેહું કયા ધર્મસ્થાનને યોગ્ય છું? આ વિષે કહ્યું છે કે– “કાળ કયો છે? મિત્રો કયા છે ? દેશ કયો છે ? વ્યય(ખર્ચ) કેટલો છે? લાભ કેટલો છે? હું કોણ છું? મારી શક્તિ કેટલી છે ? એ પ્રમાણે વારંવાર વિચારવું જોઇએ” કારણ કે અનુચિત આરંભ નિષ્ફલ થવાના કારણે ચિત્તમાં વિષાદ આદિ અનેક અનર્થસમૂહને આપવામાં સમર્થ છે.
અનુબંધને પણ= તત્કાલ પૂરતું કાર્ય સિદ્ધ થવાં છતાં ઉત્તરોત્તર ફલ રૂપ અનુબંધને પણ વિચારે. કારણકે –“ગુણયુક્ત કે ગુણરહિત કાર્યસમૂહને કરતા એવા પંડિતે પ્રયત્ન પૂર્વક કાર્યના પરિણામનું અવધારણ કરવું જોઈએ. અન્યથા અતિ ઉતાવળથી કરેલાં કાર્યોનું શલ્યસમાન ફળ કાર્યની સિદ્ધિ થાય ત્યાં સુધી હૃદયને બાળે છે.” (ભર્તુહરિ નીતિશતક-૯૬) (૧૬૭)
बुज्झति य जहाविसयं, सम्मं सव्वंति एत्थुदाहरणं । वेदज्झयणपरिच्छाबडुगदुगं छागघातम्मि ॥१६८॥