________________
ઉપદેશપદ : ભાગ-૧
૩૨૭
પ્રાપ્તિ ત્યારે જ થાય કે જો જીવપરિણામ કોઈના દબાણથી કે દાક્ષિણ્યતા આદિથી નહિ કિંતુ જીવને પોતાને જ તેવો રસ હોય, તેના કારણે થયો હોય, માટે અહીં “સ્વરસથી(–સ્વતઃ ઈચ્છાથી) પ્રવર્તતો” એમ કહ્યું.
અહીં તાત્પર્ય એ છે કે- જીવના પોતાના જ રસથી જીવમાં એવો એક શુભ પરિણામ પ્રગટે છે કે જેના કારણે જીવ આધ્યાત્મિકમાર્ગમાં સીધો આગળ વધે છે અને એથી તેને વિશિષ્ટગુણોની પ્રાપ્તિ થાય છે.)
આવા માર્ગને અનુસરવાના સ્વભાવવાળો જીવ માર્ગાનુસારી કહેવાય. માર્ગાનુસારી જીવનો ભાવ તે માર્ગાનુસારિભાવ.
પ્રશ્ન-માષતુષ વગેરે મુનિઓમાં માર્ગાનુસાર ભાવ હોવા છતાં જડતા હોવાના કારણે તેમના પરિણામની શુદ્ધિ કેવી રીતે થાય ?
ઉત્તર–તેમનામાં શુભ ઓઘસંજ્ઞાનનો યોગ હતો, તેના કારણે તેમના પરિણામની શુદ્ધિ હતી.
શુભ ઓઘ સંજ્ઞાન-શુભ એટલે અવિપરીત. ઓઘ એટલે સામાન્ય. સામાન્ય એટલે અનેક રહસ્યોનો નિર્ણય કરવા માટે અસમર્થ. સંજ્ઞાન એટલે વસ્તુના પરમાર્થનો બોધ. આનો અર્થ એ થયો કે માષતુષ વગેરે મુનિઓને અનેક રહસ્યોનો નિર્ણય કરવા માટે અસમર્થ અને અવિપરીત એવો વસ્તુના પરમાર્થનો બોધ હતો, અર્થાત્ વસ્તુના પરમાર્થનો અવિપરીત અલ્પ બોધ હતો. તે મુનિઓ બહારથી ઘણું શ્રુત ભણતા ન હોવા છતાં તેમનામાં અતિતીક્ષ્ણ અને સૂક્ષ્મ બુદ્ધિ હોવાના કારણે બહુ ભણનારા અને સ્કૂલ બુદ્ધિવાળા પુરુષો જે રહસ્યને ન જાણી શકે તે રહસ્યને જાણી લે છે. કહ્યું છે કે “તીક્ષ્ણ બુદ્ધિવાળા જીવો બાણની જેમ અતિશય અલ્પ સ્પર્શે છે, પણ અંદર પ્રવેશ કરે છે. સ્કૂલ બુદ્ધિવાળો જીવ પથ્થરની જેમ ઘણું સ્પર્શ કરતો હોવા છતાં બહાર જ રહે છે.”
શુભ જ પરિણામ- શુભ એટલે પરિશુદ્ધ. પરિશુદ્ધ પરિણામ એટલે જેમાંથી વિપરીત બોધ અને દુઃખ દૂર થયા છે એવો પરિણામ. (જેને પરિશુદ્ધ પરિણામ હોય તેને વિપરીત બોધ ન હોય અને દુઃખ પણ ન હોય. કદાચ બહારનું દુઃખ આવે તો પણ અંતરમાં તો આનંદ જ હોય.)
માષતુષમુનિની કથા માષતુષમુનિની કથા સંપ્રદાયાનુસાર આ પ્રમાણે છે– એક આચાર્ય હતા. તે આચાર્ય ગુણરૂપરત્નોના મહાનિધાન હતા. શ્રુતરૂપ મધુરરસના અર્થી શિષ્યરૂપી ભમરાઓ તેમના ચરણકમળની સેવા કરી રહ્યા હતા. સૂત્ર-અર્થરૂપી પાણી આપવામાં મહામેઘ સમાન હતા.