________________
ઉપદેશપદ : ભાગ-૧
૩૦૭ આ પ્રમાણે પ્રસંગથી બુદ્ધિગુણોને અને તેનાં દૃષ્ટાંતોને કહીને હવે બુદ્ધિનુગો માત્નોયડુ (ગા. ૧૬૭) ઇત્યાદિ ગાથામાં કહેલ અર્થને વિશેષથી વિચારવાની ઇચ્છાવાળા ગ્રંથકાર વિરુદ્ધ પક્ષને જાણ્યા પછી અન્વયે સહેલાઈથી જાણી શકાય, આથી અન્વયના વિરુદ્ધ પક્ષને આશ્રયીને કહે છે–
ગાથાર્થ– અહિંસા ધર્મસ્થાન છે. તેથી અહિંસા સાર છે. તેથી અહીં કોઈક અહિંસા સિવાય બધું છોડીને અહિંસામાં જ લૌકિકનીતિથી ઉદ્યમ કરે છે.
ટીકાર્થ– અહિંસાઃ સર્વજીવોની દયા.
ધર્મસ્થાન– દુર્ગતિ તરફ પ્રવૃત્ત થયેલા જીવસમૂહને રોકવામાં તત્પર એવો જીવપરિણામ વિશેષ ધર્મ છે. ધર્મનું સ્થાન તે ધર્મસ્થાન, અર્થાત્ ધર્મસ્થાન એટલે ધર્મવિશેષ. અહિંસા ધર્મવિશેષ છે, એટલે કે ધર્મના અનેક પ્રકારો છે તેમાં અહિંસા વિશેષ (સર્વથી ચઢિયાતો) ધર્મ છે. એ ધર્મ જીવનો પરિણામવિશેષ રૂપ છે, અને જીવોને દુર્ગતિથી બચાવે છે.
તેથી અહિંસા સાર છે– અહિંસા વિશેષ ધર્મ હોવાથી સર્વ ધર્મસ્થાનોમાં આ અહિંસા રૂપ ધર્મ સાર છે-પારમાર્થિક ધર્મ છે.
અહીં– ગીતાર્થ જૈન સાધુ સિવાય અન્ય ધાર્મિક લોકમાં.
કોઈક– અચિત્ત પુષ્પ, ફળ અને શેવાળ આદિનું ભોજન કરનાર અને નિર્જન જંગલમાં રહેનાર બાલતપસ્વી અથવા અગીતાર્થ લોકોત્તર સાધુ.
બધું છોડીને– અહિંસાના જ સ્વરૂપનું વિશિષ્ટ જ્ઞાન, અહિંસાનો સ્વીકાર અને અહિંસાનું પાલન એ ત્રણના ઉપાયભૂત એવા ગુરુકુલવાસ, ગુરુનો વિનય અને શાસ્ત્રાભ્યાસ વગેરે અન્ય ધર્મસ્થાનને છોડીને.
લોકનીતિથી– “ધર્મના સારને સાંભળો, સાંભળીને અવશ્ય તેનું અવધારણ કરો. પોતાને જે પ્રતિકૂળ હોય તેને બીજાઓ પ્રત્યે ન આચરો એ ધર્મનો સાર છે.” (ચાણક્યનીતિ ૧/૭) આવા પ્રકારના લૌકિક શાસ્ત્રના અનુસારે.
ઉદ્યમ કરે છે– પ્રકૃષ્ટ ઉત્સાહને અવલંબે છે, અર્થાત્ અહિંસાના પાલનમાં અતિશય ઉત્સાહ રાખે છે. ૧. કારણના અભાવમાં કાર્યનો અભાવ એ વિરુદ્ધ પણ છે. જેમકે જ્યાં અગ્નિ ન હોય ત્યાં ધૂમાડો ન જ હોય.
આને વ્યતિરેક પણ કહેવામાં આવે છે. ૨. અન્વય એટલે જ્યાં કાર્ય હોય ત્યાં કારણ હોય એમ સાહચર્યનો સંબંધ. જેમકે જ્યાં ધૂમાડો હોય ત્યાં અગ્નિ હોય જ.