________________
૨૮૬
ઉપદેશપદ : ભાગ-૧
કિાળવાદ - તેમાં કાળ જ એકાંતે જગતનું કારણ છે, એમ કાળવાદીઓ કહે છે. તે આ પ્રમાણે- ઠંડી, ગરમી, વર્ષાદ, વનસ્પતિ અને પુરુષ વગેરે સર્વ જગતની ઉત્પત્તિ-સ્થિતિ-વિનાશમાં તથા સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ, ગ્રહયુતિ, ગ્રહયુદ્ધ, સૂર્યોદય, સૂર્યાસ્ત, ગમન અને આગમન વગેરેમાં કાળ કારણ છે. કાળ વિના કારણ તરીકે અભિમત અન્ય (સ્વભાવ વગેરે) ભાવોની વિદ્યમાનતામાં પણ આ બધાનો અભાવ થાય, અર્થાત્ એ બધાં કારણો હાજર હોય તો પણ કાળ વિના કાર્ય ન કરી શકે. કહ્યું છે કે– (૧) “કાળ ઉત્પન્ન થયેલા પદાર્થોનો પાક કરે છે. પાક એટલે ઉત્પન્ન થયેલા પદાર્થમાં વિદ્યમાન પર્યાયોનું પોષણ. અહીં આશય એ છે કે ઉત્પન્ન થયેલી વસ્તુનું જે સંવર્ધન થાય છે તે કાળથી જ થાય છે. (૨) કાળ ઉત્પન્ન થયેલી વસ્તુઓનો સંહાર કરે છે. સંહાર એટલે વસ્તુમાં વિદ્યમાન પર્યાયોના વિરોધી પર્યાયોને ઉત્પન્ન કરવા. વિરોધી પર્યાયોની ઉત્પત્તિથી વસ્તુના પૂર્વ પર્યાયોની નિવૃત્તિ થાય છે. પૂર્વ પર્યાયોની નિવૃત્તિને જ વસ્તુનો સંહાર કહેવામાં આવે છે. (૩) અન્ય કારણો સુત હોય = વ્યાપાર રહિત હોય ત્યારે કાળ જ કાર્યોના સંબંધમાં જાગ્રત રહે છે, અર્થાત્ કાર્યને ઉત્પન્ન કરવા માટે વ્યાપાર સહિત રહે છે. આથી સૃષ્ટિ, સ્થિતિ અને પ્રલયના કારણભૂત કાળનું અતિક્રમણ દુષ્કર છે, અર્થાત્ કાળ સૃષ્ટિ આદિનું કારણ છે એ નિયમનો અપલાપ કરી શકાય તેમ નથી.”
આ બરોબર નથી. કારણ કે કાળ વિદ્યમાન હોવા છતાં ક્યારેક વર્ષદ વગેરે કાર્ય જોવામાં આવતું નથી.
પૂર્વપક્ષ- કાળ વિદ્યમાન હોવા છતાં વર્ષાદ આદિનો અભાવ કાળવિશેષથી જ કરાયેલો છે.
ઉત્તરપક્ષ- કાળ નિત્ય એક સ્વરૂપ હોવાથી કાળનો વિશેષ નથી. અથવા જો કાળનો વિશેષ હોય તો કાળના બે સ્વભાવ થયા. એક ઉત્પન્ન કરવાનો સ્વભાવ અને બીજો ઉત્પન્ન ન કરવાનો સ્વભાવ. આથી તેના નિત્યત્વનું ઉલ્લંઘન થયું. કેમકે વસ્તુના સ્વભાવભેદથી વસ્તુનો ભેદ સિદ્ધ થાય છે.
પૂર્વપક્ષ- વર્ષાદ આદિની વિશેષતા વાયુમંડલ આદિથી કરાયેલી છે. ઉત્તરપક્ષ તમારા મતે કાર્યનું વાયુમંડલ વગેરે પણ કારણ નથી. પૂવપક્ષ– વાયુમંડલ આદિનું કારણ કાળ જ છે.
ઉત્તરપક્ષ– ઇતરેતરાશ્રય દોષનો પ્રસંગ આવે. તે આ પ્રમાણે-કાલભેદ હોય તો વર્ષાદિના ભેદનું કારણ એવા ગ્રહમંડલાદિનો ભેદ થાય, અને તેના (ગ્રહમંડલાદિના) ભેદથી કાલભેદ થાય, એમ ઇતરેતરાશ્રય દોષ સ્પષ્ટ છે. ૧. અહીં “વાયુમંડલ' શબ્દના સ્થાને “ગ્રહમંડલ' શબ્દ હોવો જોઇએ.