________________
૨૧૪
ઉપદેશપદ : ભાગ-૧
પુષ્પચૂલાની કથા શ્રી પુષ્પદત્ત નામના નગરમાં પ્રચંડ શત્રુપક્ષને દળી નાખવામાં સમર્થ એવો પુષ્પકેતુ નામે મહારાજા હતો. તેને પુષ્પવતી રાણી હતી. તેને એક પુષ્પચૂલ પુત્ર અને પુષ્પચૂલા પુત્રી યુગલ પણે જન્મ્યા. તે બંને પરસ્પર ગાઢ પ્રેમવાળા જોઇને રાજાએ તેઓનો વિયોગ ન થાઓ એમ વિચારી પરસ્પર જ લગ્ન કર્યા તે પ્રસંગથી જ પુષ્પવતી નિર્વેદ પામી દીક્ષા લઈ દેવલોકમાં ગઈ.
હવે તે દેવતા સુખે સુતેલી પુષ્પચૂલાને બોધ પમાડવા માટે ભયંકર દુઃખથી સંતપ્ત એવા નરક અને નારકને પણ બતાવે છે. હવે તે ભીષણ રૂપ જોઈને જલદી જાગેલી પૂષ્પચૂલા રાજાને નરકનો વૃત્તાંત કહે છે. પુષ્પચૂલ રાજા પણ દેવીના ખાત્રી માટે સર્વ પાખંડીઓને પૂછે છે કે અરે ! નરકો કેવા પ્રકારના છે ? તથા તેઓને કેવું દુઃખ છે? તે તમે કહો. પોતપોતાના મતના અનુરૂપથી તેઓએ નરકના વૃત્તાંતને જણાવ્યો. પરંતુ દેવીએ તેને ન સ્વીકાર્યો. પછી રાજાએ ત્યાં રહેલા સ્થવિર, બહુશ્રુત, અર્ણિકાપુત્ર આચાર્યને બોલાવીને પુછ્યું અને તેમણે યથાસ્થિત નરકનું સ્વરૂપ બતાવ્યું. પછી ભક્તિથી નિર્ભર પુષ્પચૂલા દેવીએ કહ્યું: હે ભગવન્! તમે પણ સ્વપ્નમાં આ જોયું છે? ગુરુએ કહ્યું- હે ભદ્રે ! જિનેશ્વરના શાસ્ત્ર રૂપી દીવાના સામર્થ્યથી તેવી કોઈ વસ્તુ નથી જે ન જણાય તો પછી નરકવૃત્તાંત કેટલા માત્ર છે?
બીજે વખતે રાત્રિના અંતે માતાએ સ્વપ્નમાં વિસ્મય કરનારી વિભૂતિથી શોભતો દેવોનો સમૂહવાળો સ્વર્ગ બતાવ્યો. પૂર્વની જેમ જ ફરી પણ રાજાએ સૂરિને પુછ્યું ત્યારે સૂરિએ પણ તેના સ્વરૂપને જણાવ્યું. હર્ષિત થયેલી દેવી પગમાં પડીને ભક્તિથી પૂછવા લાગી કે નરકનું દુઃખ કેવી રીતે મળે ? અથવા સુર-સુખ સંપત્તિ કેવી રીતે મળે? ગુરુએ કહ્યું કે હે ભદ્રે ! વિષય પ્રસક્તિ પ્રમુખ પાપોથી નરક દુઃખ મળે અને તેના ત્યાગથી સ્વર્ગસુખ મળે. તે વખતે પ્રતિબોધ પામેલી તે વિષ જેવા વિષયવ્યાસંગ (આસક્તિ)ને છોડીને પ્રવ્રજ્યા લેવા માટે રાજાની રજા માંગે છે. વિરહથી પીડાયેલા રાજાએ દીક્ષા પછી તમારે અન્યત્ર ક્યાંય પણ વિહાર ન કરવો એ શરતે કોઈક રીતે અનુજ્ઞા આપી. દીક્ષા લઈને વિચિત્ર તપકર્મથી નિર્મથિત કરાયા છે પાપો જેના વડે એવી તે સાધ્વી દુષ્કાળમાં દૂરદેશમાં મોકલેલ છે પોતાનો સર્વ શિષ્ય પરિવાર જેમણે, જંઘાબળથી ક્ષીણ, એકલા રહેલા સૂરિને રાજભવનમાંથી અશન-પાન લાવીને અર્પણ કરે છે. આ પ્રમાણે કાળ પસાર થયે છતે અત્યંત શુદ્ધ પરિણામી પુષ્પચૂલા સાધ્વીએ ઘોતિકર્મોને હણીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. અમુણિત કેવલી પૂર્વે સ્વીકારેલા વિનયને છોડતા નથી, અર્થાત્ પોતાને કેવળજ્ઞાન થયું છે એમ બીજાને ખબર ન પડે ત્યાં સુધી કેવળીઓ પૂર્વની જેમજ સાધુસામાચારીનું પાલન કરે છે. આ પ્રમાણે તે પૂર્વના ક્રમથી ગુરુને અશનાદિ લાવી આપે છે. ૧. અમુણિત કેવળી– આમને કેવળજ્ઞાન થયું છે એવી વાત લોકને ખબર નથી પડી તેવા કેવળી.