________________
૨૫૬
ઉપદેશપદ : ભાગ-૧
એટલામાં ધન નામના શ્રેષ્ઠીએ સ્વામીને કહ્યું કે તમે જગતના રૂપને જીતી લીધું છે. અને આ મારી પુત્રી સર્વ સ્ત્રીઓના શ્રેષ્ઠ સૌભાગ્યના ગર્વને નક્કીથી હણનારી છે. તેથી તમે તેનું પાણિગ્રહણ કરો, કેમકે મહામતિઓ ઉચિત કાર્યને કરનારા હોય છે. પછી તેણે (વજે) વિષ જેવા વિષયોને કહેવાની શરૂઆત કરી. જેમકે- વિષયો વિષની જેમ વિષમ છે. વિષયો ગલમાં રહેલા માંસની જેમ મરણ કરાવનારા છે. સેવાતા વિષયો સ્મશાનની જેમ ઘણા છળ કરનારા છે. વિષયો તીક્ષ્ણ ધારવાળી તલવારથી બનેલા પાંજરાના ઘરની જેમ સવગને છેદનાર છે. વિષયો મુખમાં મીઠા અને પરિણામે કિંપાક ફળના વિપાક સમાન છે. વિષયો ક્ષણદષ્ટ, ક્ષણનષ્ટ અને દુર્જન લોકના મનના મીલન સમાન છે. વધારે શું કહેવું? વિષયો સર્વ અનર્થોના મૂળ છે. આ (તારી પુત્રી) ને જો મારું પ્રયોજન હોય તો એ દીક્ષા લે. તેણીએ અતિશય ઋદ્ધિપૂર્વક દીક્ષા લીધી. (૩૦૨)
પદાનુસારી ભગવાન વજસ્વામીએ મહાપરિજ્ઞા અધ્યયનમાંથી પૂર્વાચાર્યો વડે ભુલાયેલી ગગનગામિની વિદ્યાને ઉદ્ધરી. તેના પ્રભાવથી અને ભકદેવો પાસેથી પ્રાપ્ત થયેલ વિદ્યાના પ્રભાવથી તે મહાભાગ્યશાળી ઈચ્છા મુજબ સંચાર કરનારા થયા. હવે કોઈક વખત ભગવાન વજસ્વામી પૂર્વના દેશમાંથી વિહાર કરતા ઉત્તરાપથમાં ગયા અને ત્યાં દુષ્કાળ પડ્યો તેથી માર્ગો અવરજવર વિનાના થયા ત્યાંથી અન્યત્ર જવું મુશ્કેલ હતું. કંઠમાં પ્રાણો આવેલા છે જેને એવો સંઘ વજસ્વામીને કહે છે કે તમે તીર્થાધિપ હોતે છતે શ્રેષ્ઠ ગુણોના સંઘાતથી રચાયેલો સંઘ આર્તધ્યાનને પામી મરણ પામે તે યુક્ત નથી. તે વખતે પટવિદ્યાથી સંઘ જેટલામાં ચાલ્યો તેટલામાં ઘરેથી ગાયો ચારવા માટે અરણ્યમાં ગયેલો શય્યાતર આવે છે અને જુએ છે કે સંઘ આકાશ માર્ગે ગયો. સિંહ લવિત્રથી પોતાની ચોટલી કાપીને કહે છે કે હે ભગવન્! હું પણ તમારો ખરો સાધર્મિક થયો છું. શાંતચિત્તથી શ્રુતનું અનુસ્મરણ કરતા સર્વ જીવો સંબંધી અપાર હાર્દિક કરુણાના ભંડાર એવા વજસ્વામીએ તેને પણ સાથે લીધો. સાધર્મિક વાત્સલ્યમાં અને સ્વાધ્યાયમાં ઉદ્યત, ચરણકરણમાં રત અને તીર્થની પ્રભાવનામાં રત એવા વજસ્વામી દક્ષિણાપથમાં પુરી નામના નગરમાં પહોંચ્યા. ત્યાં સુકાળ છે અને ઘણ-કણથી સમૃદ્ધ ઘણાં શ્રાવકોમાં છે. બૌદ્ધ શ્રાવકો અને અમારામાં (જૈન શ્રાવકોમાં) પોત પોતાના ચૈત્યોમાં પુષ્પો ચડાવવાની સ્પર્ધા વધે છે. સર્વત્ર બૌદ્ધ ભિક્ષુઓના શ્રાવકો જૈન શ્રાવકોથી પરાભવ પમાડાય છે. રાજા બૌદ્ધ ભક્ત છે.
હવે કોઈક વખત સંવત્સરી પર્વ આવે છે ત્યારે બોદ્ધ શ્રાવકોએ રાજા મારફત સકલ નગરમાં ચૈત્ય ભુવનને યોગ્ય ફૂલો ખરીદવા જૈનશ્રાવકોને નિષેધ કરાવ્યો અર્થાત્ રાજાએ જૈન શ્રાવકોને ફુલો ન વેંચવા એવી આજ્ઞા ફૂલ વેંચનારાઓને કરી. સર્વ પણ શ્રાવક વર્ગ અત્યંત વ્યાકુલિત થયો. તે વખતે બાલથી માંડી વૃદ્ધ સુધીનો સંઘ વજસ્વામી પાસે આવ્યો. હે સ્વામિન્ ! ૧. સિંહવિત્ત - એક પ્રકારનું કાપવાનું સાધન.