________________
૨૦૬
ઉપદેશપદ : ભાગ-૧ વિખૂટો પડ્યો. કલરાવથી પૂરાયો છે દિશાનો અંત જેના વડે એવો ઉદયન જેટલામાં ગાવા લાગ્યો તેટલામાં લેપમયની જેમ હાથી અત્યંત સ્થિર થયો જેટલામાં ઉદયન તેની પાસે ગયો તેટલામાં પૂર્વે અંદર છૂપાયેલા મનુષ્યો વડે પકડાયો અને ઉજ્જૈની લઈ જવાયો. (૭૨)
પ્રદ્યોતે તેને કહ્યું: મારે એક પુત્રી છે, તે કાણી છે. તું તેને ગીત શિખવાડ. તું તેને જોઈશ નહીં નહીંતર લજ્જાને પામીશ. પુત્રીને પણ કહ્યું કે આ અધ્યાપક છે. તે કોઢ રોગથી ખવાય ગયેલા શરીરવાળો છે. હે પુત્રી ! કૃતજ્ઞ થઈને તેના વિષે આદરવાળી ન થજે. તે પડદાની અંદર રહીને તેને શીખવે છે. ગાયકના સંગીતથી જેમ વનના હરણિયા અત્યંત આકર્ષાય છે તેમ તેના શબ્દોથી તે આકર્ષાય છે. પરંતુ આ કોઢિયો છે એટલે અમંગલ થશે માટે જોતી નથી. અત્યંત કૌતુકને પામેલી મારે આને કેવી રીતે જોવો એમ મૂઢ થયેલી જ્યારે સ્વર સંગ્રહને સારી રીતે ગ્રહણ કરતી નથી ત્યારે ઉદયને ગુસ્સાથી કહ્યું: હે કાણી ! તું ગરબડ ગોટા કેમ વાળે છે ? તે પણ ગુસ્સાથી કહે છે કે તે કોઢિયા ! તું પોતે કેવો છે એમ નથી જાણતો ? ખરેખર જેવી રીતે હું કોઢિયો છું તેવી રીતે આ કાણી છે, અર્થાત્ જેમ હું કોઢિયો નથી તેમ આ કાણી નથી. એ પ્રમાણે પરિભાવના કરીને પડદાને ફાડીને જેટલામાં જુએ છે તેટલામાં નિષ્કલંક ચંદ્ર જેવી સર્વાગથી સુંદર તેને જુએ છે. કામદેવ જેવા મનોહર રૂપવાળો તે પણ તેના વડે રાગથી જોવાયો. અરસપરસ ગાઢાસક્ત તે બેનું મિલન નિરંકુશ થયું. પરંતુ તે હકીકત ધાત્રી કંચનમાલા દાસી જ જાણે છે પણ બીજો કોઈ નહીં. (૮૧). - હવે કોઈક વખત અનલગિરિ હાથી અતિગાઢ મદે ભરાયો ત્યારે આલાન સ્તંભમાંથી ભાગ્યો. રાજાએ અભયને પુછ્યું. અહીં શું કરવું ? અભય કહે છે- ગાયક ઉદયન રાજા આનો ઉપાય છે. રાજાએ ઉદયનને હાથી વશ કરવા કહ્યું. ઉદયન કહે છે કે કન્યાની (વાસવદત્તાની) સાથે હું ભદ્રાવતી હાથણી ઉપર બેસીને ગીત ગાઇશ. વચ્ચે પડદો રાખીને તેમ કરાયું અને આ અનલગિરિ વશ કરાયો. અભયે બીજું વરદાન મેળવ્યું અને તેની પાસે જ થાપણ મુક્યું. (૮૪).
ઉદયને હાથણી ઉપર ચાર મૂત્ર ધટિકાઓ બાંધી રાખી હતી પછી વાસવદત્તા સાથે પોતાના નગર તરફ જવા પલાયન થયો. પીછો પકડવા જેટલામાં અનલગિરિ હાથી સજ્જ કરાયો તેટલામાં હાથણી પચ્ચીશ યોજન ચાલી ગઈ. સજ્જ થયેલ અનલગિરિ પાછળ પડ્યો. જેટલામાં નજીકમાં પહોંચ્યો એટલે મૂત્રની એક ઘટિકા નીચે પાડી. અનલગિરિ હાથણીના મૂત્રને સુંઘવા લાગ્યો તેટલામાં હાથણી બીજા પચ્ચીશ યોજન નીકળી ગઈ. આ જ પ્રમાણે ત્રણ ઘટિકા ફેંકી ત્યાં સુધીમાં તે કૌશાંબી નગરીમાં પહોંચી ગયો અને તે વાસવદત્તા તેની અગ્રમહિષી થઈ અને પિતાએ તેને જીવિતદાન પણ આપ્યું. (૮૯)