________________
ઉપદેશપદ : ભાગ-૧
૧૦૩ હવે રોહક ક્યારેક પિતાની સાથે ઉજજૈની નગરીમાં ગયો અને ત્રણ માર્ગ, ચાર માર્ગ વગેરે ચોકવાળી તે નગરીને જોઇ. દિવસના અંતે પોતાના ગામ તરફ પાછા ફર્યા. પિતા શિપ્રા નદીના રેતીના કાંઠે પુત્રને મૂકીને ભુલાઈ ગયેલી વસ્તુને લેવા માટે ફરી નગરીમાં ગયો. પછી અતિ નિપુણ બુદ્ધિમાન રોહકે તે રેતીના કાંઠા ઉપર ત્રણ-ચાર રસ્તાના ચોકથી યુક્ત મહેલો સહિત નગરી આલેખી. હવે જિતશત્રુ રાજા નગરીની બહાર ગયો હતો તે પાછો ફર્યો. ધૂળના ભયથી અશ્વ ઉપર આરૂઢ થયેલો તે એકલો તે પ્રદેશ પાસે આવ્યો. એટલામાં ઝડપથી આવે છે તેટલામાં રોહકે કહ્યું: તમે અહીંથી ન જાઓ. શું આગળ ઊંચો રાજમહેલ નથી જોતા ? રાજમહેલ અહીં
ક્યાંથી એમ રાજાએ જેટલામાં કહ્યું તેટલામાં ઘણા સારા ગુણવાળો શકુન થયો. પછી રાજા વિચારમાં ગરકાવ થયો. પછી રોહકે રાજકુલ સહિત વિસ્તારથી નગરીનું વર્ણન કર્યું. રાજાએ કહ્યું કે તારો નિવાસ ક્યાં છે? અર્થાત્ તું ક્યાં રહે છે ? ભરતનો પુત્ર એવો હું આ જ શિલાગ્રામમાં વસું છું. પ્રયોજનથી પિતાની સાથે અહીં આવ્યો છું, હમણાં પાછાં શિલાગ્રામ જાઉં છું. રાજાને એક ન્યૂન પાંચશો મંત્રીઓ છે, અર્થાત્ ચારશો નવ્વાણું મંત્રીઓ છે. તેઓમાં જે શિરોમણિ બની શકે તેવા એક મંત્રીની શોધમાં છે. (૩૦)
પછી ક્ષણમાત્રથી કાર્ય પતાવીને ભરત આવી ગયો. તેની સાથે રોહક પોતાના ગામમાં ગયો. રાજાએ રોહકની બુદ્ધિની પરીક્ષા લેવાનું શરૂ કર્યું. પછી તેનો ગામ આદેશ કરાયો કે ગામની બહાર જે વિશાલ શિલા છે તેનાથી સુશોભિત પ્રચંડ થાંભલાના સમૂહવાળો મંડપ બનાવો. ગામલોક વ્યાકૂળ થયો. સંતાપ પામેલી માતા મને ઝેરવાળું ભોજન ન આપે તેથી ભોજનવેળા થઈ છતાં પિતા વિના રોહક ભોજન કરતો નથી. હવે પ્રસન્ન મુખવાળો તે મોડા આવેલા પિતાને કહે છે મને ઘણીવારથી ભુખ-તરસ લાગી છે. હે પુત્ર ! તું સુખી છે, રાજાએ અતિદારૂણ આજ્ઞા મોકલી છે તેથી તેનાથી (આજ્ઞાથી) વ્યાકુલ થયેલા માણસોને આટલું મોડું થયું. આજ્ઞા સાંભળ્યા પછી તેના ભેદને (રહસ્યને) જાણનાર રોહકે કહ્યું: પહેલા ઈચ્છાપૂર્વક ભોજન કરો પછી તેનો ઉકેલ કરી આપીશ. ભોજન કર્યા પછી રોહકે ગામને કહ્યું: ટેકારૂપે થાંભલા રાખીને શિલાની નીચેનો બાકીનો ભાગ ખોદો. એ પ્રમાણે કરાયે છતે તેઓનો મંડપ તત્પણ તૈયાર થયો. રાજાને ખબર આપી. આવું કોના વડે કરાયું ? એમ રાજાએ પુછ્યું. ભરતના પુત્ર રોહકના બુદ્ધિપ્રભાવથી ખોદવાથી થાંભલાના ટેકાથી મંડપ તૈયાર થયો. બાજુમાં રહેલા બીજાને પૂછીને રાજાએ વાતની ખાતરી કરી. આ પ્રમાણે રોહકની ઉત્પત્તિની બુદ્ધિ કહી. એ પ્રમાણે મેંઢક વગેરે બીજા પણ ઉદાહરણોની કથા પૂર્ણ થાય ત્યાં સુધી ઉત્પત્તિની બુદ્ધિની યોજના કરવી.