________________
ઉપદેશપદ : ભાગ-૧
ઉકેલ બતાવું. અમાત્યની અનુજ્ઞા થવાથી તેણે બંને પણ સ્ત્રીઓને કહ્યું કે તમો અહીં ધન અને પુત્રને રાખો, તેઓએ તેમ કરે છતે કરવત લઇ આવ્યા અને ધનના બે ભાગ કર્યા. પુત્રના બે ભાગ કરવા માટે નાભિ ઉપર કરવત મુકવામાં આવી. કારણ કે બીજી કોઇ રીતે આ વિવાદ મટે તેમ ન હતો. પુત્રની સાચી માતા નિષ્કુત્રિમ સ્નેહથી ઓળંગાઇ ગયેલી, અર્થાત્ સ્નેહથી ભાવવિભોર બનેલી કહે છે કે પુત્ર અને ધન વિમાતાને આપો પરંતુ કોઈપણ રીતે પુત્રનું મરણ ન થાઓ. અમાત્યપુત્રે જાણ્યું કે પુત્ર અને ધન આનું છે પણ પેલીનું નથી. પેલીને કાઢી મૂકી અને ધન અને પુત્ર સાચી માતાને આપ્યા. આ બાજુ અમાત્ય અમાત્યપુત્રને પોતાના ઘરે લઇ ગયો અને તેણે કૃતજ્ઞપણાથી તેને એકહજાર સોનામહોર આપ્યા.
૧૪૪
ચોથા દિવસે રાજપુત્ર નગરની અંદર નીકળ્યો અને જો રાજ્ય સંપત્તિ મેળવવાનું મારું પુણ્ય હોય તો તે સારી રીતે ઉદય પામો. હવે તેના પુણ્યોદયથી તત્ક્ષણે તે નગરનો રાજા કારણ વિના જ મરણને શરણ થયો. અને તે અપુત્રીયો હતો તેથી રાજ્યને યોગ્ય પુરુષની તપાસ શરૂ થઇ. નૈમિત્તિકના કહેવાથી રાજપુત્ર તેના રાજ્ય ઉપર સ્થાપન કરાયો. પછી ચારેય મિત્રો ભેગા થયા અને હર્ષ પામેલા પરસ્પર કહે છે કે અમારું સામર્થ્ય કેટલું માત્ર છે ? પછી કહે છે કે પુરુષની હોશિયારી પાંચના મૂલ્યવાળી છે. સૌંદર્ય સોના મૂલ્યવાળું છે. બુદ્ધિ હજારના મૂલ્યવાળી છે અને પુણ્ય લાખના મૂલ્યવાળું છે. સાર્થવાહ પુત્ર હોશિયારીથી અને શ્રેષ્ઠીપુત્ર રૂપથી અમાત્યપુત્ર બુદ્ધિથી અને રાજપુત્ર પુણ્યથી જીવે છે. અમાત્ય પુત્રની જે બુદ્ધિ છે તે અહીં પ્રસ્તુત છે તે ઔત્પત્તિક જાણવી. બાકી સર્વ પ્રસંગથી કહ્યું છે.
ગાથાનો અક્ષરાર્થ— પુત્ર એ પ્રમાણે દ્વાર પરામર્શ છે. અહીં કોઇક પ્રચુર દ્રવ્યની સહાય છે જેને એવો વણિક બે પત્નીઓ સાથે બીજા દેશમાં ગયો. ત્યાં એક પત્નીને પુત્ર જન્મ્યો. આ પ્રમાણે તે બાળકની બેમાંથી એક સગી માતા થઇ અને બીજી શોક્ય માતા થઇ. દુર્ભાગ્યના યોગથી પુત્ર નાનો હોવા છતાં તે વણિક મરણ પામ્યો. પુત્ર જાણતો નથી કે મારી માતા કોણ છે અને સાવકી માતા કોણ છે ? પછી નિબિડ માયાની સહાય છે જેને એવી શોક્ય કહે છે કે પતિ સંબંધી આ ધન મારું આભાવ્ય (માલિકીનું) છે, કારણ કે મને પુત્ર થયો છે, અને તે બંનેનો વિવાદ (ઝઘડો) થયો. આ વિવાદ ઘણા કાળ સુધી મટતો નથી ત્યારે પૂર્વે કહેવાયેલ કથાનકમાં બતાવાયેલ નિપુણમતિ મંત્રીએ : આ પુત્રના કરવતથી બે ભાગ કરી અડધો-અડધ પુત્ર અને ધન બંનેને વહેંચી દઇશ અને કરવત લઇ આવ્યો. જેટલામાં પુત્રના પેટ પર કરવત મૂકી તેટલામાં જે સાચી માતા હતી તે સ્નેહથી કરુણ હૃદયવાળી થઈ બોલે છે– હે અમાત્ય ! તારે આમ ન કરવું. મારો પુત્ર અને ધન બંને આ ભલે લઇ જાય પણ હું તો જીવતા એવા પુત્રના મુખરૂપી કમળના દર્શનથી કૃતાર્થ થઇશ. પછી મંત્રીપુત્રે જાણ્યું કે આ આની સાચી માતા છે. પુત્ર સહિત ધન તેને અર્પણ કર્યું અને પેલીને દેશપાર કરી. (૯૫)