________________
ઉપદેશપદ : ભાગ-૧
૧૮૭ ગાથાર્થ– ગણિકા અને રથિક એક ઉદાહરણ, સુકોશા શ્રાવિકા, સ્થૂલભદ્રના ગુણો, રથિકનું આંબાની લૂંબનું ગ્રહણ, સરસવ પર નૃત્ય, દુષ્કરતા. (૧૧૭)
આ ભરતક્ષેત્રમાં નવમા નંદના સમયે કલ્પકના વંશમાં સેંકડોપુત્રોના ગુણો એકમાં હોવાના કારણે સુપ્રસિદ્ધ બનેલા શકપાલ મંત્રી હતા. તેની ઉત્તમપત્નીને વિશે શ્રુતમાં શ્રેષ્ઠ એવા બે પુત્રો થયા. પ્રથમ શ્રી સ્થૂલભદ્ર અને બીજો શ્રીયક. જક્ષા, જલદિના, ભૂતા તથા ભૂતદિના અને સેણા, વેણા અને રેણા એમ સાત પુત્રીઓ થઈ. તેઓ ક્રમથી એક-બે-ત્રણાદિ વારથી સાંભળેલું યાદ રાખવા સમર્થ હતી. શકપાલ એકાંતથી જ જિનવચનમાં રક્ત ચિત્તવાળો હતો. ત્યાં સર્વ બ્રાહ્મણકુળમાં કેતુ સમાન વરરુચિ નામનો બ્રાહ્મણ હતો. તે હંમેશા નંદને એકસો આઠ શ્લોકો સંભળાવે છે ત્યારે રાજા શકહાલના મુખને જુએ છે. આ મિથ્યાત્વી છે એમ જાણતો શકડાલ જેટલામાં પ્રશંસા નથી કરતો તેટલામાં રાજા તેના ઉપર પ્રસન્ન થતો નથી. પછી વરરુચિ શકપાલની પત્નીની ઘણી સેવા કરવા લાગ્યો. તેની વાત સ્વીકારીને તેણીએ સ્વામી શકપાલને કહ્યું કે તમે વરરુચિના કાવ્યોની કેમ પ્રશંસા કરતા નથી ? શકડાલ પણ કહે છે કે આ મિથ્યાત્વી છે માટે. સ્ત્રીના અતિ આગ્રહને વશ થયેલો મંત્રી તે કાર્ય કરવા કબૂલ થયો. અર્થાત્ સભામાં વરરુચિના કાવ્યની પ્રશંસા કરવા સંમત થયો. (૯)
અન્ય દિવસે વરરુચિએ રાજા પાસે પોતાનું નવું કાવ્ય ગાયું. પાસે રહેલા અમાત્યે કહ્યું: અહો ! તે સારું ગાયું. રાજાએ તેને એકસો આઠ સુવર્ણ અપાવ્યા. તેની આટલી વૃત્તિ દરરોજની જ થઈ. અર્થક્ષયને જોઇને અમાત્યે કહ્યું: હે દેવ ! આને આટલું ધન કેમ આપો છો ? રાજાએ કહ્યું તે તેની પ્રશંસા કરી છે માટે. અમાત્યે કહ્યું કે પૂર્વનું કાવ્ય ભુલ્યા વિના બોલે છે માટે મેં આની પ્રશંસા કરી હતી. પછી રાજાએ પુછ્યું કે આમ કેમ ? આ જે શ્લોક બોલે છે તેને મારી પુત્રીઓ પણ બોલે છે. ઉચિત સમયે તે રાજા પાસે સંભળાવવા માટે આવ્યો. પડદાની અંદર મંત્રીની સાત પુત્રીઓ રાખવામાં આવી. પહેલી વખત બોલાતા શ્લોકને જક્ષાએ યાદ રાખી લીધું. પછી તે રાજાની પાસે પૂર્ણપણે બોલે છતે બીજીએ બે વાર સાંભળવાથી યાદ રાખી લીધું. તે બોલે છતે ત્રીજીએ ત્રણ વાર સાંભળવાથી યાદ રાખી લીધું અને બોલી ગઈ. એમ એકેક વારાની વૃદ્ધિથી બાકીની બધી પુત્રીઓને એ શ્લોક ઉપસ્થિત થયો અને રાજાની સમક્ષ બોલી બતાવ્યો. પછી ગુસ્સે થયેલા રાજાએ વરરુચિને દરવાજા પર પણ આવવાની ના પાડી. પછી તે ગંગા નદીમાં યંત્રના પ્રયોગથી સોના મહોરો મૂકીને સ્તુતિ બોલીને લે છે અને કહે છે કે સ્તુતિથી ખુશ થયેલી ગંગાદેવી મને દીનાર આપે છે. કાળાંતરે રાજાએ વરસચિની પ્રસિદ્ધિને સાંભળીને અમાત્યને વાત કરી. તેણે કહ્યું કે જો મારી સમક્ષ આ ગંગાદેવી આપે તો ખરો કહેવાય. તેથી હે દેવ ! આપણે સવારે ગંગાનદી ઉપર જઈશું. રાજાએ વાત સ્વીકારી. (૨૦)