________________
ઉપદેશપદ : ભાગ-૧
૧૨૬
તેઓની થાળીઓ લઇને કૂતરાઓની સન્મુખ મૂકી અને તેઓ થાળીઓને ચાટવા લાગ્યા. ધીર ચિત્તવાળા શ્રેણિકે પોતાની થાળીમાં ખીર ખાધી. રાજાએ આ વ્યતિકરને જોયો અને શ્રેણિક ઉપર ખુશ થયો. ખરેખર આ કુમાર સુનિપુણ બુદ્ધિવાળો છે, જે આવા સંકટમાં પણ પોતાના કાર્યને ન ચુક્યો અને કૂતરાઓને પણ સંતોષ્યા. (૧૦) આ પ્રમાણે બીજા રાજાઓ આને ક્ષોભ પમાડશે તો પણ દાનના પ્રદાનથી આ રાજ્યનો ત્યાગ નહીં કરે. પરંતુ હમણા આ ગૌરવને યોગ્ય નથી કારણ કે ઈષ્યાળુ બનેલા આ કુમારો તેને મારી નાખશે. આ પ્રમાણે વિચારીને શ્રેણિકને તિરસ્કાર ભરી દૃષ્ટિથી જોયો. તેથી મારે અહીં રહેવું ઉચિત નથી એમ વિચારીને કુમાર દેશાંતર તરફ ચાલ્યો. બેના નદીના કાંઠે વસેલું હોવાથી શ્રેષ્ઠ નગરજનોથી યુક્ત એવા બેનાતટ નામના નગરમાં પહોંચ્યો. પોતાના પરિમિત ચાકરોની સાથે પ્રસંગથી નગરની અંદર ગયો અને નગરમાં પ્રવેશ્યા પછી એક ક્ષીણવૈભવી શ્રેષ્ઠીની દુકાને પહોંચ્યો. શેઠે બેસવા આસન આપ્યું. દુકાનમાં આસન ઉપર બેઠો. રાત્રિએ શેઠે સ્વપ્નમાં જોયું હતું કે મારે ઘરે રત્નાકર આવ્યો. સ્વપ્ન મનોહર હતું. ખરેખર આ તેનું ફળ છે એમ જાણી શ્રેષ્ઠી મનમાં સંતુષ્ટ થયો. તે દિવસે તેના પુણ્યથી નગરને સંક્ષોભ કરે તેવો અર્થાત્ જેમાં ભારે ભીડ જામે તેવા મહોત્સવ પ્રવર્તો. પછી ઘણા લોકો કુંકુમ-ચંદન-ધૂપાદિ ખરીદવા માટે તેની દુકાને આવ્યા. શેઠ અશઠ નીતિથી ઘણું ધન કમાયો. પછી ભોજનવેળાએ ઘરે જવાની ઇચ્છાવાળા શેઠે પુછ્યું: તું આજે અહીં કોનો પરોણો થઇશ? શ્રેણિકે કહ્યું: હું હમણાં તમારો પરોણો થઇશ. શેઠ ઘરે લઇ ગયા અને સર્વત્ર ઉચિત સત્કાર કર્યો. પછી તેના વચનકૌશલ્ય, સુભગત્વ, વિનય અને સૌજન્ય ગુણોથી આકર્ષાયેલા મનવાળા શ્રેષ્ઠીએ પોતાની નંદા પુત્રી આપી. લોકને પ્રમોદ ઉત્પન્ન કરે તેવા મોટા મહોત્સવથી તે બેના લગ્ન કર્યા. તત્કાળ ઉચિત સિદ્ધ થયું છે સર્વ કાર્ય જેનું, જમાઇ ઉપર અતિ વાત્સલ્યના કારણે શ્વસુર જનવડે અપાયું છે સન્માન જેને અત્યંત અનુરાગી એવો શ્રેણિક સ્વપ્નમાં પણ વિપ્રિયને નહીં ચિંતવતી એથી જ વિનયમાં તત્પર, મૃદુ-મધુરભાષી એવી નંદાની સાથે બાકીની બધી ચિંતાઓ છોડીને ભોગ ભોગવવા લાગ્યો. (૨૪)
હવે કોઇ વખત સુખેથી સૂતેલી નંદા સ્વપ્નમાં હરહાસ ઘાસના' ફુલ જેવા સફેદ, ચાર દાંતવાળા, ઊંચી કરેલી સૂંઢવાળા એવા એક મદનિયાને (હાથીના બચ્ચાને) પોતાના મુખમાં પ્રવેશ કરતો જોઇ જાગી. તત્ક્ષણ જ પતિને નિવેદન કર્યું અને તેણે કહ્યુંઃ હે યિતે ! ઉચિત સમયે તને પૂર્ણલક્ષણવાળો પુત્ર થશે. સ્વપુણ્યનો શેષ બાકી છે એવો એક દેવ દેવલોકમાંથી ચ્યવીને સુપ્રશસ્ત દિવસે શુભલગ્નમાં તેનાં ગર્ભમાં અવતર્યો. અતિપ્રૌઢ પુણ્યના ઉદયથી પ્રાપ્ત કરાય તેવો ગર્ભ રહ્યો. આ પ્રમાણે જેટલામાં કાળ પસાર થાય છે તેટલામાં અશક્ત થયેલા પ્રસેનજિતે ૧. હરહાસ નામના ઘાસના ફૂલો અત્યંત સફેદ હોય છે.