________________
૧૦૨
ઉપદેશપદ : ભાગ-૧
ઔત્પાત્તિક બુદ્ધિ ઉપર રોહકનું દૃષ્ટાંત
માલવદેશના આભૂષણરૂપ, અતિઘણાં મોટા ધનના ઢગલાવાળી, વિસ્તીર્ણ દેવભવનવાળી એવી ઉજ્જૈની નામે નગરી છે. તેમાં શત્રુપક્ષનો વિક્ષોભ કરનાર, હંમેશા ગુણવાન, અતિદૃઢ પ્રતિજ્ઞાવાળો, ન્યાયગુણથી યુક્ત એવો જિતશત્રુ નામે રાજા હતો. ધર્મ, અર્થ અને કામ પુરુષાર્થમાં યથાર્થ સુંદર આરાધન કરવામાં શ્રેષ્ઠ એવો તે ભુવનમાં આશ્ચર્ય કરનાર નિરવદ્ય એવા પોતાના રાજ્યને ભોગવે છે. કુતૂહલથી સંચલિત મનવાળા એવા તેણે વિદ્વન્દ્વનયોગ્ય નાટક-નૃત્યકથાનક-ગીતાદિ કાર્યોમાં શ્રેષ્ઠ કુશળતાને પ્રાપ્ત કરી. (૪)
હવે ઉજ્જૈનીની નજીકમાં શિલાથી યુક્ત શિલાગ્રામ નામનું ગુણનિષ્પન્ન ગામ છે અને તેમાં ભરત નામનો નટ રહે છે. તેણે નાટક વિદ્યામાં પ્રશંસા મેળવી છે અને તે ગામનો સ્વામી છે અને તેનો ગામની શોભારૂપ રોહક નામનો પુત્ર છે. હવે ક્યારેક કોઈક વખતે રોહકની માતા મરણ પામી ત્યારે ભરત ઘરકાર્ય ક૨વા માટે તેની બીજી માતાને લાવે છે. અર્થાત્ બીજી સ્ત્રીને પરણે છે. રોહક બાળક છે અને તેની સાવકી માતા હિલના કરવામાં પ્રવૃત્ત થાય છે, અર્થાત્ દુઃખ આપે છે. ઉત્પત્તિક બુદ્ધિવાળા રોહકે તેને કહ્યુંઃ હે માત ! જો તું મારી સાથે સારું વર્તન નહીં કરે તો ઠીક નહીં થાય, તથા હું એવું કરીશ જેથી તું મારા પગમાં પડશે: આ પ્રમાણે કાળ પસાર થાય છે ત્યારે કોઇક વખત ચંદ્રના પ્રકાશથી ઉજ્જ્વળ રાત્રિએ રોહક પિતાની સાથે એક શય્યામાં સૂતો. પછી મધ્યરાત્રીએ ઊઠીને પાસે રહી પોતાની છાયાને જોઇ પરપુરુષનો સંકલ્પ કરી મોટો અવાજ કરી પિતાને ઉઠાળ્યો અને ઃ હે તાત ! તમે જુઓ એકાએક ઊભો થયેલો કોઈ પરપુરુષ જાય છે. જેટલામાં ભરત પોતાની નિદ્રા ઊડાળીને આંખોથી જુએ છે તેટલામાં તેને જોતો નથી. અને પૂછ્યું: હે વત્સ ! તે પરપુરુષ ક્યાં છે ? તેણે કહ્યું કે આ બાજુથી જલદી જલદી જતો મેં જોયો. હે પિતા ! તમે ખોટું ન માનશો. સ્ત્રી નષ્ટશીલવાળી જાણીને તેના પ્રત્યે શિથિલ આદરવાળો થયો. ભરત તેના પ્રત્યે સદ્ભાવપૂર્વકની વાતચીતથી રહિત થયો. પશ્ચાત્તાપને પામેલી તે કહે છે– હે વત્સ! તું આવું ન કર. તે કહે છે કે તું મારી સાથે બરાબર નથી વર્તતી. તે કહે છે કે હવે હું સારી રીતે વર્તીશ. તેથી તું એવું ક૨ જેથી તારો પિતા મારી સાથે આદરવાળો થાય. રોહકે આ સ્વીકાર્યું, તે પણ સારી રીતે વર્તવા લાગી. પછી ક્યારેક તેવા પ્રકારની રાત્રિની અંદ૨ સૂઈને ઊઠેલો રોહક પિતાને કહે છે કે હે પિતા ! આ, આ, તે પુરુષ છે. પિતાએ પુછ્યું: કયાં છે ? પોતાની જ છાયા બતાવીને રોહક કહે છે કે હે પિતા ! આને જુઓ. ભરત વિલખો થઇ પૂછે છે કે પૂર્વે તેં કહેલ પરપુરુષ પણ શું આવા પ્રકારનો હતો ? હા, એમ રોહકે કહ્યું. તેણે કહ્યું: અહો ! બાળકોના વચનો કેવા હોય છે ? આ પ્રમાણે વિચારીને ભરત સ્ત્રી ઉપર ઘણો રાગી થયો પછી માતા ભોજનમાં વિષ આપી દેશે એવા ભયથી રોહક હંમેશા પણ પિતાની સાથે જમે છે. (૨૧)