________________
ઉપદેશપદ : ભાગ-૧
૫૪
પુત્રોને નિઃશંક કેમ મારે છે ? પુત્રરત્નોની પ્રાપ્તિ જેમ તેમ થતી નથી, શું આ પણ તું નથી જાણતો? જો પુત્રોને થોડું પણ મારતા અનુકંપા નથી રાખતો તો તારી અત્યંત મૂઢ અને નિષ્ફલ ભણાવવાની પદ્ધતિથી સર્યું. આ પ્રમાણે કઠોર વચનથી ઠપકો અપાયેલ ગુરુએ ઉપેક્ષા કરી. તેથી રાજપુત્રો અત્યંત મૂર્ખ રહ્યા. રાજા પણ આ વ્યતિકરને નહીં જાણતો મનમાં વિચારે છે કે મારા આ પુત્રો અત્યંત કળાકુશળ છે. પરંતુ અહીં સાથે ભણતા બાળકોથી થતાં વિઘ્નોને અવગણીને પણ તે સુરેન્દ્રદત્ત કલાકલાપને ભણ્યો. (૨૧)
હવે મથુરા નગરીમાં પર્વતક નામનો રાજા પોતાની પુત્રીને પૂછે છે– હે પુત્રી ! તને જે વર ગમે તેની સાથે પરણાવું. તેણે કહ્યું: હે તાત ! ઇન્દ્રદત્તના પુત્રો કળાકુશળ, શૂરવીર, ધીર અને સુરૂપ છે એમ સંભળાય છે. જો તમારી અનુજ્ઞા હોય તો હું સ્વયં ત્યાં જઇ રાધાદિવેધની વિધિથી તેઓમાનાં એકની પરીક્ષા કરીને ત્યાં પરણું. રાજાએ તેની વાત સ્વીકારી તે વખતે પ્રચુર રાજઋદ્ધિથી યુક્ત તે ઇન્દ્રપુર નગરમાં જવા પ્રવૃત્ત થઇ. તેને આવતી સાંભળીને ખુશ થયેલા ઇન્દ્રરાજાએ, વિચિત્ર પ્રકારની ધ્વજાઓથી ફરકતી પોતાની નગરી કરાવી. હવે તે આવી ત્યારે તેને રહેવા સુંદર આવાસ આપ્યો, ભોજનદાન વગેરે પૂર્વક મોટો ઉચિત સત્કાર કર્યો. તેણીએ રાજાને જણાવ્યું કે તમારો જે પુત્ર રાધાવેધ કરશે તે મને પરણશે. આથી જ હું અહીં આવી છું. રાજાએ કહ્યું: હે સુતનુ ! આટલાથી તું ખેદ ન પામ કારણ કે મારા સર્વેપણ પુત્રો એકેક પ્રધાન ગુણવાળા છે. પછી ઉચિત પ્રદેશમાં એક ડાબી અને બીજી જમણી ફરતી છે ચક્રની શ્રેણી જેમાં, સુશોભિત જડાવાઇ છે પુતળીઓ જેમાં એવો એક મોટો સ્તંભ સ્થાપિત કરાવ્યો. અખાડો રચવામાં આવ્યો, મંચો અને ચંદરવા બંધાયા. હર્ષથી પુલકિત અંગવાળો રાજા તેની ઉપર બેઠો. નગરલોક ઉપસ્થિત થયો. રાજાએ પોતાના પુત્રોને બોલાવ્યા. તે પણ રાજપુત્રી વરમાળા લઇને આવી. (૩૨)
હવે સર્વથી મોટા પુત્રને રાજાએ આ પ્રમાણે કહ્યું: હે વત્સ ! રાધાવેધ કરી મારા મનવાંછિતને સફળ ક૨. ઉત્તમકુળોમાં પોતાના કુળની ઉન્નતિને કર. અનવદ્ય રાજ્યને મેળવ. જય પતાકાને મેળવ, શત્રુઓને વિપ્રિય કર. એ પ્રમાણે કુશળતાથી જલદી રાધાવેધ જ કરીને રાજ્યલક્ષ્મીની જેમ નિવૃત્તિ રાજપુત્રી પરણ અને આ પ્રમાણે સાંભળીને તે રાજપુત્ર સંક્ષોભ પામ્યો, નિર્નષ્ટ શોભાવાળો થયો, અર્થાત્ નિસ્તેજ થયો. પસીનો છૂટ્યો, અતિશૂન્યચિત્તવાળો થયો, મોઢું અને આંખ દીન બન્યા, વસ્ત્રો ઢીલા થયા, શરીર ખિન્ન થયું. શોભા નમી (ઝાંખી પડી), લજ્જિત થયો, અભિમાન ઘવાયું, નીચે જોવાનું થયું, પોરસ છૂટ્યું, થાંભલાની જેમ સ્થિર થયો, યંત્રની જેમ જકડાયો. ફરીથી રાજાએ કહ્યું: હે પુત્ર ! કલામાં જે પાવરધા નથી તે સંક્ષોભ કરે છે (પામે છે). નિર્મળ કળાના ભંડાર એવા તમારા જેવાને તે ક્ષોભ ક્યાંથી હોય ? આ પ્રમાણે પ્રેરણા કરાયેલા, કાર્યના અજાણ, ધિઠ્ઠાઇનું અવલંબન કરીને તેણે કોઇક રીતે ધ્રુજતા હાથે ધનુષ્યને લીધું, સર્વ શરીરના બળથી ધનુષ્યનું કોઇપણ રીતે આરોપણ