________________
૯૮
ઉપદેશપદ : ભાગ-૧
સમ્યગ્દશનાદિ ફળવાળી હોય તે પારિણામિકી બુદ્ધિ કહેવાય છે. (૪૮)
હવે પારિણામિકી બુદ્ધિના સ્વરૂપને કહે છે–
અનુમાન', હેતુ અને દૃષ્ટાંતથી પદાર્થને સાધનારી, વયથી પુષ્ટ થયેલ પરિણામવાળી, પુણ્ય અને મોક્ષને આપનારી બુદ્ધિ પારિણામિકી કહેવાય છે. (૪૮)
૧. અનુમાન– એક જ્ઞાન ઉપરથી થતુ બીજું જ્ઞાન, ન્યાયનું એક પ્રમાણ, અમુક હકીકત ઉપરથી અમુક બાબત આમ જ હશે એમ કરાતો નિશ્ચય, અનુમિતિનું સાધન. અનુમાનના ત્રણ પ્રકાર છે. (૧) પૂર્વવત્ કે કેવાલાન્વયિ જેમાં કારણ વડે કાર્યનું જ્ઞાન થાય. જેમ કે વાદળું દેખીને વૃષ્ટિ થશે એવું અનુમાન. (૨) શેષવત્ કે વ્યતિરેકી જેમાં કાર્યને પ્રત્યક્ષ દેખીને કારણનું અનુમાન કરવામાં આવે. જેમકે નદીમાં પૂર દેખીને ઉપરવાસમાં વરસાદ વરસ્યો હશે એવું અનુમાન. (૩) સામાન્યતોદૃષ્ટ કે અન્વયવ્યતિરેકી જેમાં હંમેશા બનતા સામાન્ય વ્યાપારને દેખીને વિશેષ વ્યાપારનું અનુમાન કરવામાં આવે. જેમકે કોઇ વસ્તુને બીજી જગ્યાએ જોઇ તેને ત્યાં લાવવામાં આવેલી હશે એવું અનુમાન.
વળી અનુમાન બે પ્રકારનું છે, સ્વાર્થ અને પરાર્થ. પોતાના માટે જ કરેલું અનુમાન તે સ્વાર્થ અનુમાન અને પોતે અનુમાન કર્યા પછી બીજાને સમજાવવા અમુક રીતે વાક્યો રચી અનુમાન કરી બતાવીએ તે પરાર્થ અનુમાન. પરાર્થ અનુમાનનું સામાન્ય દૃષ્ટાંત પ્રમાણશાસ્ત્રીઓ આ પ્રમાણે આપે છે. આ પર્વત અગ્નિવાળો છે કારણ કે તે ધૂમાડાવાળો છે. (પ્રતિજ્ઞા) અહીં પક્ષ પર્વત છે. સાધ્ય અગ્નિ છે અને હેતુ (કારણ) ધૂમ છે. વ્યાપ્તિ– જે જે ધૂમાડાવાળું હોય છે તે તે અગ્નિવાળું હોય છે. જેમકે રસોડું. અહીં રસોડું દૃષ્ટાંત છે. આ પર્વત અગ્નિથી ફેલાયેલ ધૂમાડાવાળો છે (ઉપનય) તેથી આ પર્વત અગ્નિવાળો છે. (નિગમન)
અહીં પર્વતપર અગ્નિ ન જોયો હોવા છતાં ધૂમના જ્ઞાનથી અગ્નિના જ્ઞાનનું અનુમાન થાય છે.
હેતુ– સાધ્ય વિશે જ્ઞાન ઉત્પન્ન કરનાર વચન. જેમકે પર્વત અગ્નિવાળો છે એ પ્રતિજ્ઞા વાકયના જ્ઞાનથી હેતુ (કારણ કે લિંગ) જાણવાથી આકાંક્ષા થઇ એ આકાંક્ષાની નિવૃત્તિ કરનાર જ્ઞાનને ઉત્પન્ન કરનાર ધૂમાડાવાળો છે તેથી' આવું પાંચમી વિભક્તિવાળું વાક્ય છે. અને તે બે પ્રકારનો છે. (૧) ઉત્પાદક હેતુ- જેમકે માટીથી ઘડો થાય છે, એમાં માટી ઘડાનો ઉત્પાદક હેતુ છે. (૨) શાપક હેતુ- જેમકે પર્વત અગ્નિવાળો છે ધૂમાડાથી, એમાં ધૂમાડો અગ્નિને જણાવનારો હોવાથી જ્ઞાપક હેતુ છે.
દૃષ્ટાંત– વાદી અને પ્રતિવાદી બંનેના સાધ્ય અને સાધન ઉભય પ્રકારક નિશ્ચય હોય તે નિશ્ચયનો વિષય પદાર્થ. જેમકે વાદી અને પ્રતિવાદી બંનેને મહાનસ અગ્નિવાળું અને ધૂમવાળું છે. એથી વિહ્નરૂપ સાધ્ય પ્રકારક અને ધૂમ રૂપ સાધન પ્રકા૨કનો નિશ્ચય હોય છે તથા હૃદ વિષે વહ્નિરૂપ સાધ્યાભાવ પ્રકારક તથા ધૂમરૂપ સાધનાભાવ પ્રકારક નિશ્ચય હોય છે. તેમાં પ્રથમ નિશ્ચયનો વિષય મહાનસ છે તથા બીજા નિશ્ચયનો વિષય હૃદ માટે તે પ્રસિદ્ધ અનુમાનમાં મહાનસ અને હૃદ દૃષ્ટાંત કહેવાય છે. તે દૃષ્ટાંત સાધર્મ દૃષ્ટાંત અને વૈધર્મ દૃષ્ટાંત કહેવાય છે અથવા અન્વય દૃષ્ટાંત, વ્યતિરેકી દૃષ્ટાંત કહેવાય છે.