________________
ઉપદેશપદ : ભાગ-૧ થશે. તેથી એકેક ઘરે દરરોજ એકવાર ભોજન અને એક દીનાર દક્ષિણા માગ, આટલું પણ પૂરતું છે. આ પ્રમાણે તેના વડે શિખાવાયેલો તે બ્રાહ્મણ રાજાની પાસે તેટલું જ માગે છે. રાજા પૂછે છે કે તેં આટલું અતિતુચ્છ કેમ માગ્યું ? હું ખુશ થયા પછી તારે સફેદ ચામરો વીંઝતા ભભકાવાળું રાજ્ય માગવું જોઈતું હતું ને ? બ્રાહ્મણ કહે છે કે બ્રાહ્મણકુળમાં ઉત્પન્ન થયેલા એવા અમારે રાજ્યનું શું કામ છે ? પછી રાજાએ સૌ પ્રથમ પોતાના ઘરે દીનાર સહિત ભોજન આપ્યું. પછી ક્રમથી અંતઃપુર વગેરે લોકોએ આપ્યું. બત્રીસ હજાર રાજાઓના ઘણા હજારો કુટુંબો તે નગરમાં વસે છે, તેના ઘરે વારો પૂરો નથી કરી શકતો તો પછી જેમાં ઇન્ક્રોડ ગામો છે અને એકેક ગામમાં હજારો ઘરો છે એવા સંપૂર્ણ ભરતક્ષેત્રમાં તે વરાકડો કયારે વારો પૂરો કરી શકશે ? તે વખતે મનુષ્યોનું આયુષ્ય એક હજાર વર્ષનું ગણાય છે. આટલો કાળ જીવનારો એક નગરને પણ કેવી રીતે પૂરો કરે ? આ પ્રમાણે ફરીથી ચક્રવર્તીના ઘરે ભોજન કરવાનો વારો દુર્લભ છે તેમ સંસાર-અટવીમાં જીવોને ફરી મનુષ્યભવ દુર્લભ છે તેમ જાણો. (૫૦૫)
મનુષ્યભવની સાથે આ ચક્રવર્તીના દૃષ્ટાંતનું જેટલા અંશે સરખાપણું દેખાય છે તેને અહીં પૂર્વાચાર્યો બતાવે છે. તે આ પ્રમાણે છે
જેમ સધાયું છે સકલ ભરત ક્ષેત્ર જેના વડે એવો બ્રહ્મદત્ત ચક્રવર્તી થયો તેમ સર્વ જીવલોકમાં સારી રીતે ઉલ્લસિત થયું છે ધર્મચક્રવર્તિત્વનું સામ્રાજ્ય જેમનું એવા તીર્થકર થાય છે. જેવી રીતે આ બ્રાહ્મણે મહા અટવીમાં ઘણું ભ્રમણ કર્યું તેમ આ જીવ પૂર્વે મનુષ્ય, નરકાદિ પર્યાયવાળા અપાર સંસારમાં અનેકવાર ભમ્યો છે. જેવી રીતે ચક્રવર્તીનું દર્શન કરાવનાર દ્વારપાળ છે તેમ આ મનુષ્યભવ મિથ્યાત્વ મોહાદિ ઘાતિકર્મને તોડી આત્મસ્વરૂપનું ભાન કરાવનાર છે. જેવી રીતે આ બ્રાહ્મણ અન્ય સ્ત્રીમાં આસક્ત બને એમ નહીં ઇચ્છતી બ્રાહ્મણને ભોજનમાત્રમાં સંતુષ્ટ કર્યો તેમ જેને એકાંતિક અને આત્યંતિક એવા મુક્તિવધૂના સુખ પ્રતિ ઉત્સાહ પ્રગટ્યો છે તથા રાજ્ય સમાન સંયમલાભ પણ જેને ઉપસ્થિત થયો છે એવા આ જીવને કર્મપ્રકૃતિરૂપ સ્ત્રી ભોજનમાત્રના સુખ સંપન્ન વૈષયિક સુખમાં આસકત કરે છે. અને તે બ્રાહ્મણને ચક્રવર્તીના ઘર વગેરે સર્વ ભરત ક્ષેત્રના ઘરોમાં ભોજનનો વારો આવી ગયા પછી ફરી ચક્રવર્તીના ઘરે ભોજનનો વારો આવવો અસંભવ છે તેમ જે જીવે સમ્યગ્ધર્મની આરાધના ન કરી હોય તેને સમ્યગ્દર્શનાદિ મુક્તિના બીજના લાભના ફળ સ્વરૂપ મનુષ્ય જન્મની પ્રાપ્તિનો અસંભવ છે.
૧. સંસારનું સુખ અનેકાંતિક અને અનાત્યંતિક હોય છે. અનેકાંતિક એટલે કોઇકને મળે અને કોઇકને ન મળે
તે અનેકાંતિક સુખ છે અનાત્યંતિક એટલે કોઈ જીવને સંસારનું સુખ મળ્યા પછી આગળ જતા નાશ પામી જાય છે તેથી અનાત્યંતિક છે. જ્યારે મુક્તિ વધૂનું સુખ એકાંતિક છે એટલે મોક્ષમાં ગયા હોય તે બધાને મળે અને આત્યંતિક છે એટલે મોક્ષનું સુખ કોઇપણ નિમિત્તથી હણાતું નથી, શાશ્વતકાળ રહે છે.