________________
ઉપદેશપદ : ભાગ-૧
(આ ગાથાથી ટીકાકાર પ્રસ્તુતમાં એમ કહેવા માગે છે કે ચોથું ગુણસ્થાન વગેરે ગુણસ્થાનને પામવાની સંપૂર્ણ લાયકાતવાળા પણ જીવો જિનપ્રણીત ઉપદેશપદો વિના ચોથું વગેરે ગુણસ્થાનને પામી શકતા નથી. તથા ચોથું વગેરે ગુણસ્થાનક પ્રાપ્ત થયા પછી પણ જિનપ્રણીત ઉપદેશપદો વિના સ્થિર રહી શકતા નથી. આથી ગુણસ્થાનકની પ્રાપ્તિ માટે અને તેમાં સ્થિરતા માટે જિનપ્રણીત ઉપદેશ પદો બહુ જ જરૂરી છે.)
આ પ્રમાણે નિર્ણય કરીને જેમની બુદ્ધિ પરહિત કરવામાં ગાઢ બંધાયેલી છે તેવા, જેમનું નામ પ્રાત:કાળે સ્મરણ કરવા લાયક છે તેવા અને ઉપદેશપદ નામના પ્રકરણને કરવાની (=રચવાની) ઇચ્છાવાળા શ્રી હરિભદ્રસૂરિ મહારાજા પ્રારંભમાં જ મંગલ, અભિધેય અને પ્રયોજનને જણાવનારી આ બે ગાથાને કહે છે
ગાથાર્થ– મહાભાગ, ત્રિલોકનાથ, જિન, લોકાલોકચંદ્ર, સિદ્ધ અને સિદ્ધોપદેશાર્થ એવા મહાવીરને નમીને તેમના ઉપદેશથી સૂક્ષ્મ અને ભાવાર્થસારયુક્ત એવા અતિ અલ્પ ઉપદેશપદોને મંદમતિ જીવોના વિશેષ બોધ માટે કહીશ.
ટીકાર્થ– મહાભાગ-મહા એટલે પ્રશંસનીય. ભાગ એટલે અચિંત્યશક્તિ. મહાભાગ એટલે પ્રશંસનીય અચિંત્યશક્તિવાળા. શ્રી વીરમાં પ્રશંસનીય અચિંત્યશક્તિ હતી. તે આ પ્રમાણે
(૧) શ્રી મહાવીર પરમાત્માના જન્માભિષેક વખતે ઇદ્રને આટલા બાળ વીર આટલા બધા જળભારને શી રીતે સહન કરશે ? એવી શંકા થઈ. ઇંદ્રના આ સંશયરૂપ ખીલાને ઉખેડવા માટે શ્રી વીરે ડાબા પગના અંગુઠાના અગ્રભાગથી મેરુપર્વતને સ્પર્શ કર્યો. તેથી ફેલાયેલા પર્વતસમૂહની સાથે પૃથ્વીને કંપાવી દીધી.
(૨) સૌધર્મ ઈદ્ર મહાવીરના પરાક્રમની પ્રશંસા કરી. આ પ્રશંસાને સહન ન કરનાર એક દેવ જ્યાં શ્રીવીર રાજકુમારો સાથે રમી રહ્યાં હતાં ત્યાં રાજકુમારનું રૂપ ધારણ કરીને તેમની સાથે રમવા લાગ્યો. તે રમતમાં એવી શરત કરી હતી કે જે કોઈ જિતે તે હારનારના ખભા પર ચઢે. દેવ જાણી જોઈને હારી ગયો. આથી તેણે શ્રીવીરને પોતાના ખભા ઉપર ચઢાવ્યા. ભગવાનને ખભા ઉપર બેસાડ્યા પછી તુરત તે દેવ આકાશતળને ઓળંગી જાય તેટલી કાયાને વધારવાનું શરૂ કર્યું. આથી શ્રીવીરે તેની પીઠમાં વજ જેવી મુઠ્ઠીનો કઠોર ઘા કરીને તેને ભૂમિની જેમ કુબડો કરી દીધો. (ભૂમિ ઊંચી નીચી હોય છે. એક સરખી નથી હોતી. આથી અહીં ભૂમિની જેમ' એમ કહ્યું છે.)
(૩) શ્રીવીરે સંપૂર્ણ ત્રણ લોકની સહાયથી નિરપેક્ષ બનીને દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી તરત જ દેવ-મનુષ્ય વગેરેના ઉપસર્ગોનો જે સંબંધ થયો, અર્થાત્ જે ઉપસર્ગો આવ્યા, તેને શ્રીવીરે સહન કરવાનું સ્વીકાર્યું.' ૧. દીક્ષા લીધા પછી તરત જ ગોવાળિયાએ કરેલા ઉપસર્ગને દૂર કરીને ઈંદ્ર શ્રીવીરને વિનંતિ કરી કે,
હે પ્રભુ ! આપને બાર વર્ષો સુધી ઉપસર્ગોની પરંપરા થવાની છે. તેને અટકાવવા માટે હું આપની પાસે રહેવા માગું છું. શ્રીવીરે કહ્યું: હે ઈન્દ્ર ! અરિહંતો ક્યારેય પરની સહાયની અપેક્ષા રાખતા નથી.