________________
ર
છતાં મરણ વખતે આગલા ભવમાં વીતરાગ-વચન આરાધ્યું હતું તેના પ્રભાવે વૃત્તિ જાગી કે કોઇનું શરણ લઇને લડવા જવું.
અવધિજ્ઞાનથી તપાસતાં ભગવંત મહાવીર છદ્મસ્થ અવસ્થાએ એક રાત્રિની મહાપ્રતિમા યોગ ધારી પુઢવીશિલા ઉપર ઊભેલા, શરણ યોગ્ય જણાયા. તેમનું શરણ દૃઢ ધારી, વિક્રિયાવડે શક્રેન્દ્રની સભા સુધી પહોંચી ખળભળાટ મચાવ્યો; પણ અવધિજ્ઞાનથી તેનું સ્વરૂપ જાણી લઇ, તેને શિક્ષા કરવા શક્રેન્દ્ર વજ્ર ફેંક્યું. પરંતુ કોઇનું શરણ લઇને આટલા સુધી તે આવી શક્યો લાગે છે એમ વિચારતાં, મહાપુરુષની આશાતના રખે થઇ જાય એવા ડરથી, તે પોતે શસ્ત્ર પાછળ દોડયા અને શ્રી ભગવંત મહાવીરની સમીપ પહોંચતા જ વજ્રને પકડી લીધું.
આમ જેને પુણ્યયોગથી પ્રબળ સામગ્રી મળી છે તે, કોઇની, ખાસ કરીને મહાત્માની આશાતનામાં ન વપરાય તેની કાળજી વિચારવાન જીવો રાખે છે.
નિર્બળ જીવો સબળનું શરણું ગ્રહણ કરે તો તેને બળવાન પણ કંઇ કરી શકતા નથી. ‘કોના બળે બોલું છું ?’ તો કે ‘મારા ધણીના બળે.' એમ સબળ ધણી ધારે તે અબળા હોય તોપણ તે બળવંત છે.
જ્યાં ક્રોધાદિ દોષો છે, ત્યાં સ્વર્ગ સમાન સુખ પણ ભોગવી શકાતાં નથી, પણ બળતરાનાં કારણ બને છે. છતાં જો સાચું શરણ પ્રાપ્ત થાય તો તે ક્રોધાદિનાં તોફાનનું ફળ નિષ્ફળ બનવાનો પ્રસંગ બને છે.
‘‘માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય;
જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય.’’
સર્વ સુખનું મૂળ, સમાધિમરણનું કારણ અને મોક્ષનું કારણ સાચા શરણને મરણ સુધી ટકાવી રાખવું એ જ છે.
‘‘હું પામર શું કરી શકું ? એવો નથી વિવેક;
ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક.''
એ પૌરાણિક કથાઓ આપણા જીવનને સ્પર્શ કરનારી, સત્પુરુષના યોગે જ બને છે. એ માત્ર કથાઓ નથી રહેતી, પણ તે દ્વારા આપણું જીવન તેમાં ઉકેલાતું સમજાય છે અને જે મહાપુરુષનું અવલંબન લીધું છે, તે પરમકૃપાળુ ભગવંતની પરમ કૃપા પ્રગટ સમજાય છેજી. (બો-૩, પૃ.૫૧૨, આંક ૫૫૪)
અનિત્ય ભાવના વિષે સાંભળ્યું છે, તેની વાતો પણ કરી હશે; પણ આવા (મૃત્યુના) પ્રસંગ પામીને, જો જીવ તે ભાવના ભાવવાની શરૂઆત કરી, સંસાર-શરીર-ભોગ ઉપરનો વિશ્વાસ અસ્થિર, ઠગનાર જાણી, વૃત્તિ પરમપુરુષના આશ્રયમાં દૃઢ થતી જાય અને સદ્ગુરુના શરણને ક્ષણે-ક્ષણે ઇચ્છે, તેની આશા એ જ આ જીવને આ ભવ-પરભવમાં સુખપ્રદ છે, મોક્ષનું પરમ કારણ છે એવા નિશ્ચય ઉપર આવે, તેમ હવે તો ખરા દિલથી કર્તવ્ય છેજી.
લીધો કે લેશે એમ થઇ રહ્યું છે, કાળની પણ ખબર નથી. આવી અવસ્થામાં ધર્મ-પુરુષાર્થમાં પ્રમાદ ઘટતો નથી છતાં થયા કરે છે તેનો ખેદ રહ્યા કરે એટલી જાગૃતિ તો અવશ્ય રાખવી જરૂરની સમજાય છેજી.