________________
૧૩. અહાહા...! શુદ્ધ ચૈતન્યમૂર્તિ ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ પરમભાવસ્વરૂપ છે. ૧૪. તે વર્તમાન નિર્મળ નિર્વિકાર વીતરાગી જ્ઞાનપર્યાયથી જણાવા યોગ્ય છે. ૧૫. અહાહા...! આવો આત્મા જેને દ્રષ્ટિમાં આવ્યો, અનુભવમાં આવ્યો તે, કહે છે,
વ્યવહારનો રાગનો કર્તા નથી, ભોક્તાય નથી. ૧૬. આવું વસ્તુનું સ્વરૂપ છે. રાગની વૃત્તિ ઉઠે તેનો કર્તા-ભોક્તા તો નથી પણ બંધ
મોક્ષનાં કારણ અને પરિણામથી આત્મા શૂન્ય છે. અહાહા...! સમ્યગ્દર્શનનું ધ્યેય જે ત્રિકાળી શુદ્ધ આત્મા તે સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામથી રહિત છે. ભગવાન આત્મા ત્રિકાળી એકરૂપ ધ્રુવ વસ્તુ છે. અને બંધ-મોક્ષ આદિ એક સમયની પર્યાયઅવસ્થા છે. ભાઈ ! આવો માર્ગ છે, સર્વજ્ઞથી સિદ્ધ થયેલો હો!
પ્રશ્ન – આત્માનું સ્વરૂપ બોલવામાં જેટલું સહજ દેખાય છે એટલું સહજ અમને પ્રાપ્ત થાય ખરૂં ?
સમાધાન – સ્વભાવ સહજ છે, પણ અનાદિનો વિભાવમાં પડેલો છે એટલે સહજ દેખાતું નથી. તેના જ્ઞાન, આનંદ, અસ્તિત્વ, વસ્તુત્વ આદિ બધા ગુણો અનાદિ-અનંત સહજ છે. તેમ જ વસ્તુ પોતે પણ સહજ છે, કોઈએ બનાવી નથી. જે સ્વભાવ હોય તે સહજ હોય, તથા પોતાના સ્વભાવમાં જવું તે પણ સહજ છે; પણ પરપદાર્થને પોતાના કરવા તે અશક્ય છે. જડ અને ચેતન પોતાનું કાર્ય જુદું-જુદું કર્યા કરે છે. જડ પોતાનું થતું નથી. કયાંથી થાય? કેમકે જડ અને ચૈતન્ય બંને જુદાં છે ને જુદાં હોય તે એક કયાંથી થાય? આમ જડ પોતાનું થતું નથી. પણ ચૈતન્યને–પોતાને ગ્રહણ કરીને પોતારૂપ થવું તે સહજ છે. પોતાના સ્વભાવરૂપે પરિણમવું તે સહજ છે. જેમ પાણી શીતળ છે તેને શીતળતારૂપે પરિણમવું તે સહજ છે. પાણી અગ્નિના નિમિત્તે ગરમ થયું, પણ તેને શીતળ થવું સહજ છે, કારણ કે તે પાણીનો સ્વભાવ હોવાથી અગ્નિથી છૂટું પડે એટલે શીતળ થઈ જ જાય છે. પણ પાણીને એમ ને એમ ગરમ રાખ્યા કરવું તે અશક્ય છે. તેમ અનંતકાળ ગયો તો પણ જીવ શરીરરૂપે થયો નથી, તે રૂપે થવું અશકય છે કારણ કે પરપદાર્થ છે તેની સાથે રહે તો પણ જડરૂપે થાય નહિ. આત્મા પોતા તરફ વળે, જ્ઞાયકને ગ્રહણ કરે તો થોડા જ કાળમાં સ્વાનુભૂતિ અને કેવળજ્ઞાન પ્રગટ થાય છે, કારણ કે તે પોતાનો સ્વભાવ છે. તેને માટે અનંતકાળ જોઈતો નથી. પરપદાર્થને પોતાના કરવામાં અનંતકાળ ગયો, તો પણ પોતાના થયા નહિ. જ્યારે પોતાને ગ્રહણ કરવામાં અનંતકાળ જોઈતો જ નથી, અસંખ્ય સમયમાં જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. માટે પોતાને ગ્રહણ કરવો–પોતાની પ્રાપ્તિ કરવી તે સહજ છે.