________________
કેવળજ્ઞાન થયા પહેલાં પણ પોતામાં જે ધ્રુવ કારણરૂપ સ્વભાવ છે તેની પ્રતીત કરવી તે સમ્યગ્દર્શન છે; ને પછી તે કારણનો મહિમા કરીને તેમાં એકાગ્રતાનું જોર દેતાં કેવળજ્ઞાન ખીલી જાય છે.
આત્માના સ્વભાવને ઓળખે તો જ તેનો ખરો મહિમા આવે. ઓળખાણ વગર આત્માનું બહુ માહાભ્ય પ્રથમ તો શું આવે?? આત્મા શું? તેના ગુણ શું? તેનો સ્વભાવ શું? એની જેમ-જેમ ઓળખાણ થાય, તેમ-તેમ તેનો મહિમા આવે.
જેમ ભરવાડના હાથમાં સવાલાખની કિંમતનો ચકચકતો હીરો આવે પણ ઓળખાણ વગર તો તેને તેનો શું મહિમા આવે? તે તો તેને સારો–મજાનો કાચનો કટકો માનીને બકરીની ડોકે બાંધી દે. પણ જ્યાં ઝવેરી બતાવે કે અરે! આ તો ઊંચી જાતનો સવાલાખનો હીરો છે! તો એની કિંમત જાણતાં તેને તેનો મહિમા આવે છે. તેમ અહીં ભરવાડ એટલે અજ્ઞાની-મિથ્યાદેષ્ટિજીવ, તેની પાસે મહાકિંમતી ચૈતન્ય-રત્ન છે, પણ ઓળખાણ વગરે તેનો યથાર્થ મહિમા આવતો નથી એટલે તે તો બકરીની ડોકની માફક શુભાશુભરાગમાં જ ચૈતન્ય-રત્નને બાંધે છે. પણ, ભેદજ્ઞાની-ઝવેરી તેને સમજાવે છે કે અરે મૂઢ! ભરવાડ જેવા! આ તારું ચૈતન્ય-રત્ન શુભાશુભરાગ જેટલું નથી. તારું ચૈતન્ય-રત્ન તો જ્ઞાન, આનંદ, પ્રભુતા વગેરે અનંત ઋદ્ધિથી ભરેલું છે, ઉપશાંત-રસનાં મોજા તેમાં ઊછળે છે, ચૈતન્યની પ્રભા તેમાં ચમકે છે, તેમાંથી અતીન્દ્રિય-પ્રકાશના કિરણો છૂટે છે! આવું જ્યાં ભાન થયું ત્યાં તેનો અપાર મહિમા આવ્યો કે અહો! આવું મારું ચૈતન્ય-રત્ન!! આવો મહિમા આવતાં તે પોતાના ચૈતન્ય-રત્નને રાગ સાથે બાંધતો નથી એટલે કે રાગમાં એકાગ્રતા કરતો નથી પણ પોતે પોતાના સ્વભાવમાં જ એકાગ્ર થાય છે. આ રીતે આત્માનું સ્વરૂપ જાણે તો તેનો ખરો મહિમા આવે ને તેમાં એકાગ્ર થઈને મુક્તિ પામે.
આત્મા વર્તમાન પણ પરિપૂર્ણ સ્વભાવથી ભરેલો છે તેનો મહિમા આવ્યા વગર કોઈ જીવને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર કે મોક્ષરૂપી કાર્ય પ્રગટે નહિ.
માટે, અહીં સંતો આત્માનું સ્વરૂપ ઓળખાવે છે કે હે ભાઈ! તારા આત્માનો સ્વભાવ કોઈ સમયે અધૂરો નથી, વર્તમાન પણ પરિપૂર્ણ સ્વભાવ છે, માટે તેનો જ મહિમા લાવીને તેમાં અંતર્મુખ થા! તેના ઉપર જોર આપ એટલે કે તેની જ પ્રધાનતા કર, તેને જ મુખ્ય કર, તેનું જ અવલંબન કર, તેનો જ આદર કર, તેનો જ આશ્રય કર, તેમાં જ ઉત્સાહ કર, એમાં જ તત્પર થા, તેની જ આરાધના કર, તેનું જ ધ્યાન કર! તારો આ સ્વભાવ સર્વશક્તિમાન પ્રભુ છે, તેને કોઈ દબાવનાર નથી, તેમાં કોઈ નડતર નથી,
૧૦].
આત્મધર્મ
[ ઓકટોબર, ૨૦૦૭