________________
અને લાલ ફૂલ તો નિમિત્ત છે. પણ સ્ફટિકમાં પોતાની લાયકાતની ત્યાં કાળી, લાલ ઝાંય છે. સમજાણું કાંઈ? આહાહા...આ લાકડા પાસે અહીં લાલ ફૂલ મૂકશો તો એમાં ઝાંય નહિ દેખાય. કારણ કે એની તે રૂપે પરિણમવાની યોગ્યતા નથી. અને કાળા અને લાલ ફુલના સંગે સ્ફટિકની પર્યાયમાં લાલ અને કાળું થવું એ તત્ સમયની પોતાની યોગ્યતાથી પોતામાં થાય છે. દ્રવ્ય સ્વભાવથી જોઈએ તો સ્ફટિક સદાય નિર્મળ જ છે તે પોતાના નિર્મળ સ્વભાવને છોડતો નથી. પણ પર્યાયમાંએ પ્રમાણેની જો પરિણમવાની સ્વતંત્ર યોગ્યતા હોય (પોતાના પકારથી) તો લાલ-કાળા ફલ પર નિમિત્તનો આરોપ આવે છે. આ તો દૃષ્ટાંત થયો. હવે સિધ્ધાંત જોઈએ.
જ્યારે જીવમાં રાગ-દ્વેષ (વિકાર રૂપે) પરિણમવાની સ્વતંત્ર યોગ્યતા હોય તો તે વખતે કર્મના ઉદયના ઉપર નિમિત્તનો આરોપ આવે છે. કર્મનું એમાં કાંઈ યોગદાન નથી-છતાં તેની તે વખતે સ્વતંત્ર હાજરી હોવાથી તેના ઉપર નિમિત્તનો આરોપ આવે છે. જો નિમિત્તથી ઉપાદાનમાં કાંઈ થાય તો નિમિત્ત અને ઉપાદાન બંનેની સ્વતંત્રતા રહેતી નથી. એક દ્રવ્યનો બીજા દ્રવ્યના પરિણમનમાં કોઈ હસ્તક્ષેપ નથી એ સિધ્ધાંતનો વિરોધ થાય. બંને દ્રવ્યના દ્રવ્ય-ગુણ-પર્યાયની સ્વતંત્રતા રહેતી નથી. સંપૂર્ણ વિશ્વ વ્યવસ્થા ખોરવાઈ જાય જો આવી રીતે હસ્તક્ષેપ થાય તો. અંધાધુંધી થઈ જાય. ઉપાદાન અને નિમિત્તની બંનેની આવી સ્વતંત્રતાને જો માનવામાં ન આવે તો મિથ્યાત્વ છે. અને નિમિત્તની હાજરીનો જો સ્વીકાર કરવામાં ન આવે તો પણ મિથ્યાત્વ છે. પર્યાયમાં દરેક કાર્ય પોતાની સ્વતંત્ર યોગ્યતાથી જ થાય છે, ત્યારે નિમિત્તની હાજરી હોય છે પણ નિમિત્ત કાંઈ કરતું નથી. એવી જ રીતે જ્યારે જીવની પર્યાયમાં સ્વતંત્ર રાગ-દ્વેષ થવાની જો યોગ્યતા હોય ત્યારે એને અનુકુળ નિમિત્ત ત્યાં હોય જ છે, પણ નિમિત્ત કાંઈ કરતું નથી. જો નિમિત્તની હાજરીનો સ્વીકાર ન કરવામાં આવે તો આ કાર્ય સ્વભાવથી થયું એમ થશે. હવે ધ્રુવ સ્વભાવમાં એવો કોઈ ગુણ નથી કે જે વિકાર કરાવે. માટે આ વાત ધીરજથી સમજવા જેવી છે. એક જીવ નિગોદથી નીકળીને મોક્ષમાર્ગમાં આવ્યો તે પોતાના ચારિત્રાગુણની ઉપાદાન શક્તિથી જ આવ્યો છે તથા એ જ રીતે પોતાના ભાવકલંકની પ્રચુરતાના કારણે નિગોદમાં રહ્યો છે. બંને દશામાં પોતાનું જ સ્વતંત્ર ઉપાદાન છે, તેમાં નિમિત્ત-કર્મ વગેરે-અકિંચિત્કર છે. ગુરુદેવશ્રીના વચનામૃત બોલ નં ૧૫૪) ઘણા એમ માને છે કે આત્મા તો બુદ્ધિપૂર્વક પુરુષાર્થ કરે પણ કર્મ નાશ થાય કે ન પણ થાય, પરંતુ એમ નથી. આત્મા પુરુષાર્થ કરે અને કર્મનો નાશ ન થાય એમ બને જ નહિ, અને આત્માએ પુરુષાર્થ કર્યો છે માટે પુરુષાર્થથી કર્મનો નાશ થયો છે-એમ પણ નથી.