________________
બોલ-૯ કર્મની હયાતી છતાં, વિકારની હયાતી છતાં, અાજ્ઞતાની હયાતી છતાં જેનો દ્રષ્ટિમાં નિષેધ થઈ ગયો, છતાને અછતા કર્યા અને ભગવાન પુર્ણાનંદ પર્યાયમાં અછતો, અપ્રગટ, છતાં શ્રદ્ધા-જ્ઞાનમાં તેને છતો કર્યો, એનું નામ જ અમલ છે. (સમ્યગ્દર્શન છે).------૨૭૮
આમા તો સમ્યગ્દર્શનની સંપૂર્ણ વિધિ બતાવી છે (પ્રેકટીકલ પ્રયોગ પધ્ધતિ) વર્તમાનમાં શું શું છે ? કર્મની હયાતી એટલે બંધન પણ છે અને ઉદય પણ છે. ચારિત્રગુણમાં શુભાશુભ (વિકારી) ભાવની હયાતી છે ગતિશ્રુત જ્ઞાનની પર્યાયમાં જ્ઞાન નો ઉઘાડ અલ્પ છે અને ઉપયોગતો બહાર જ ભટકે છે. આ બધું હોવા છતાં દ્રવ્ય સ્વભાવ તો પરિપૂર્ણ છે છતાં અત્યાર સુધી એને ગૌણ કર્યો છે અને સંયોગને મુખ્ય કર્યો છે. આ મારું સ્વરૂપ નથી. વર્તમાન જ્ઞાનની પર્યાય ક્યારેય જડરૂપ થી નથી. હું જ્ઞાનનંદ સ્વરૂપ છું. જે સંયોગો છતા છે તેને અછતા કરવા એટલે જ્ઞાનમાં જાણવા અને શ્રદ્ધામાં નિષેધ કરવો. અને પૂર્ણાનંદનો નાથ ભગવાન પર્યાયમાં અછતો છે જે ઢંકાઈ ગયો છે તેને છતો કરવો એટલે જ્ઞાન અને શ્રદ્ધામાં પ્રગટ કરવો. એનો નિર્ણય અને એકાગ્રતા કરવી એનું નામ જ અમલ છે. અનુભવ થાય એ સમ્યગ્દર્શન છે. આજ મિથ્યાત્વ દુર કરી સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવાની પ્રેક્ટીકલ (પ્રયોગ પધ્ધતિ) છે. જીવે આ કાર્ય એક ક્ષણ પણ નથી કર્યું તે કરવાનો ઉપદેશ છે. બોલ-૧૦ જ્ઞાનની વર્તમાન પર્યાય અંદરમાં વળે એનું નામ જાણપણું છે ધારણા થઈગઈ ઈ જાણપણું નથી. આત્મા અનુભવમાં લેવો એનું નામ ખરું જાણપણું છે -------૩૩૦
વર્તમાન જ્ઞાનની પર્યાય અંદરમાં વળે એટલે કે સ્વસનમુખ થાય અને એ પર્યાય ભેદજ્ઞાન કરીને તત્વનો નિર્ણય કરે એનું નામ જ સમ્યજ્ઞાન છે. બાકી ધારણા થઈ ગઈ એ જાણપણું નથી. બહારનું જણપણ એ બધું અજ્ઞાન છે. આત્માનો અનુભવ થાય એનું નામ જ સાચું જ્ઞાન છે. જ્ઞાનનું સાચું કાર્ય શું છે? (૧) જણવું (૨) પોતાને (૩) યર્થાથ (૪) શ્રદ્ધાનપૂર્વક (૫) વીતરાગતા પૂર્વક (૬) અતિન્દ્રિય સુખના સ્વસંવેદન સાથે. આનું જ નામ આત્મજ્ઞાન છે એ ખરું જાણપણું છે. એનું પ્રમાણ અરિહંત અને સિદ્ધ ભગવાન છે. બોલ - ૧૧ એક બે ઘડી શરીરાદિ મૂર્તિક દ્રવ્યનો પડોશી થઈને જ્ઞાયક ભાવનો અનુભવ કર. જેમ રાગ ને પુણ્યને અનુભવ કરે છે એ તો અચેતન નો અનુભવ છે. ચેતનનો અનુભવ નથી.માટે એકવાર મરીને પણ, શરીરાદિ પડોશી થઈને, ઘડી બે ઘડી પણ જ્ઞાયક ભાવનું લક્ષ કરીશ તો તુરંત આત્મા ને રાગની ભિન્નતા થઈ જશે અને જેવું તારું આત્મસ્વરૂપ છે તેવો અનુભવ થશે –-- ૩૬૪.
એક બે ઘડી શરીરાદિ- જે રૂપી જડ દ્રવ્યોનો પાડોશી થઈજા એટલે શ્રદ્ધાંમાંથી એનો નિષેધ કરી દે અને ત્રિકાળી દ્રવ્યને (જ્ઞાચકને) તારો દ્વષ્ટિનો વિષય બનાવ. જે રાગ અને પુણ્ય પાપ- (શુભાશુભભાવ) નો અનુભવ કરે છે એ તો જડ છે, અચેતન છે. એમાં ચેતનનો અનુભવ નથી. આતો તારા માટે મરેલા છે. બે ઘડી ફક્ત એનો પાડોશી થઈ જા. અને તારા જ્ઞાયક ભાવનો લક્ષ (નિર્ણય) કરીશ તો તુરંત આત્મા (જ્ઞાન) અને રાગની ભિન્નતા થઈ જશે. વિકલ્પ તૂટી જશે અને નિવિકલ્પ અનુભૂતિ થઈ જશે. જેવો તારો આત્મસ્વરૂપ છે તે અનુભવમાં આવશે. તને આત્માનુભૂતિ થશે. જડ અને રાગથી ભિન્ન થઈ (ભેદજ્ઞાન કરી) અને હું જ્ઞાનનંદ સ્વરૂપ ભગવાન આત્મા છું. એવો તત્વનો નિર્ણય જો ધારાવાહી બે ઘડી કરવામાં આવે તો એ જ્ઞાનની પર્યાય નિર્મળ થઈ આત્માની અનુભૂતિ કરશે. બોલ-૧૨ શ્રોતા- આત્મા પામવા માટે આખો દિવસ શું કરવું?
પૂજ્ય ગુરુદેવશ્રી :- આખોદિવસ, શાસ્ત્રનો અભ્યાસ કરવો, વિચાર મનમ કરીને તત્વનો નિર્ણય કરવો, અને શરીરાદિથી ને રાગથી ભેદજ્ઞાન કરવાનો અભ્યાસ કરવો, રાગાદિથી ભિન્નતાનો અભ્યાસ કરતાં-કરતાં-આત્માનો અનુભવ થાય છે-----૩૮૦
આત્મા પામવા માટે એટલે કે આત્માની અનુભૂતિ કરવા માટે પહેલા તો (૧) શાસ્ત્રનો અભ્યાસ કરવો. (૨) પ્રયોજન ભૂત તત્વોનો અભ્યાસ કરવો અને જીવ તત્વને બધાથી ભિન્ન કરવો. હું જ્ઞાન આનંદસ્વરૂપ ભગવાન આત્મા છું અને શરીરાદિથી ને રાગથી ભેદજ્ઞાન (હું બધાથી ભિન્ન છું) કરવાનો અભ્યાસ કરવો. રાગાદિથી ભિન્નતાનો અભ્યાસ કરતાંકરતાં એકાગ્રતા કરતાં આત્માનો અનુભવ થાય છે. ઊંડા સંસ્કાર પડતા જાય છે. વારંવાર ભેદજ્ઞાન અને તત્વોનો નિર્ણય આજ પ્રયોત્મક પદ્ધતિથી આત્માની અનુભૂતિ થાય. તેના સિવાય સુખી થવાનો બીજો કાંઈ ઉપાય નથી. આજ દિવસ સુધી જે આત્માઓ સર્વજ્ઞ થયા છે તે બધા જ વિધિથી થયા છે. (૧) ભેદજ્ઞાન (૨) તત્વનો નિર્ણય. એટલે કે સંપૂર્ણ નિવૃતિ લઈ એ આત્માથી જીવ આ એકજ પુરુષાર્થ કરવા જેવો છે. આ ભવમાં જો આકુળતા દુર કરવી હોય તો આ એકજ કાર્ય, આવા અનુકુલ સંયોગમાં કરવા જેવો છે. અને ત્યારે સાથે સાથે પ્રતીતિ માટે વીતરાગી દેવગુરૂ શાસ્ત્ર, દર્શન, પૂજા, ભક્તિ, દયા, દાન યાત્રા જેવા શુભભાવ હોય પણ એનો શ્રદ્ધામાં નિષેધ થવો જોઈએ. એ કરવા જેવો નથી. એક આત્માનો અનુભવ કરવા જેવો જ છે. અને એની સંપૂર્ણ વિધિ આજ જ છે. (૧) પાત્રતા (૨) અભ્યાસ એટલે સત્સંગ સ્વાધ્યાય (૩) ભેદજ્ઞાન (૪) તત્વનો નિર્ણય અને (૫) અનુભૂતિ.