________________
(C)
પરને જાણતો નથી- એ શબ્દ આગમદ્દષ્ટિએ અપ્રમાણિક હોય તેવું લાગે. તેથી પરસંબંધી પોતાના જ્ઞાનાકારને જ્ઞાન જાણે છે, તેમ કહેવાથી તે પ્રમાણિક શબ્દપ્રયોગ લાગે. અરે ભાઈ ! વિજ્ઞાન કહે છે કે આંખ વડે જે પદાર્થ દેખવામાં આવે છે તેને આંખ સીધેસીધી દેખતી જ નથી, તે પદાર્થનું પ્રતિબિંબ આંખના પડદા ઉપર પડે છે અને તેને આંખ જાણે છે. તેમ પરને જાણવા કાળે જ્ઞાન પોતાના જ્ઞેયાકારરૂપ પ્રતિબિંબને જાણે છે, અને તે વખતે તેમાં નિમિત્તે તરીકે તેવું જ પરદ્રવ્ય ઉપસ્થિત હોય છે. તો તો કોઈ સમયે એવું બને કે જ્ઞાન પોતાના જ્ઞેયાકારને જે રૂપે જાણે તેવું પરજ્ઞેય નિમિત્ત તરીકે ન પણ હોય !
અરે ભાઈ ! અરીસાની સ્વચ્છતામાં આકાર બને મોરનો ને સામે નિમિત્ત તરીકે હોય ઢેલ એવું બને ખરું! જડ-અરીસાની સ્વચ્છતાનો જો આવો ચમત્કાર હોય તો જ્ઞાન-અરીસાના અદ્ભુત ચમત્કારની શું વાત !
કેવળી લોકાલોકપ્રકાશક છે કે નહીં !- ‘છે’-એ વ્યવહારકથન છે. વાસ્તવિકતા તો એ છે કે કેવળજ્ઞાનની દિવ્ય-શક્તિના કારણે તેમાં છદ્રવ્યસ્વરૂપ લોકસંબંધી જ્ઞાનના અદ્ભુત તરંગો-જ્ઞાનાકારો બન્યા જ કરે છે ને તેને જ્ઞાન જાણે છે અને તે તે સમયે નિયમથી તેમા નિમિત્તરૂપે છદ્રવ્યસ્વરૂપ એવો જ લોક હોય જેવો કેવળજ્ઞાનના જ્ઞાનાકારમાં કેવળીને જણાયો હોય !
અરે ! કેવળીએ પોતાના જેવા જેવા જ્ઞાનાકારોને જાણ્યા હોય તેવું જ કથન તેમની દિવ્યધ્વનિમાં આવે ! કેવળી જાણે કાંઈક ને કથનમાં આવે કાંઈક અન્યથાએવું ત્રણકાળમાં ન બને. તેમ કેવળી જેવા પોતાના જ્ઞાનાકારોને જાણે સામે નિમિત્ત તરીકે છદ્રવ્યસ્વરૂપ તેવું જ લોકાલોક હોય, અન્યથા ન હોય; છતાં કેવળીના જ્ઞાનમાં જણાતા જ્ઞાનાકારો લોકાલોકના કારણે નથી. જો લોકાલોકને કારણે એ જ્ઞાનાકારો થતા હોય તો અનંતકાળ પછીના ભવિષ્યના ચિતરામણને વર્તમાનમાં પ્રત્યક્ષવત્ જાણે શી રીતે ? જે, ભવિષ્યમાં થનાર છે તેને વર્તમાનમાં જાણે એનો અર્થ જ એ થયો કે પોતાના જ્ઞાનાકારોને જ કેવળી જાણે છે, પરને નહિ; કેમકે વર્તમાનમાં તે પરજ્ઞેય તો છે પણ' નહીં !
મારિચના ભવમાં મહાવીરને જાણે તે જ્ઞાન કોને જાણે છે ! પોતાના દિવ્ય જ્ઞાનાકારને જાણે છે કે જેની હજુ હયાતી જ નથી એવા મહાવીરને જાણે છે ! પણ જો આમ જ હોય તો પ્રમેયત્વગુણનું શું ? પૂજય ગુરુદેવશ્રીએ કળશટીકાના 271માં કળશના પ્રવચનમાં કહ્યું કે પ્રમેયત્વ... એ બધું વ્યવહારની વાતો છે તાત્પર્ય એ કે પ્રમેય પોતે,પ્રમાણ પણ પોતે અર્થાત જ્ઞાન-જ્ઞેય-જ્ઞાતા બધું પોતે જ છે એ નિશ્ચય છે. ખરેખર તો બે દ્રવ્યો વચ્ચે અત્યંત અભાવ હોવાથી જ્ઞાન પોતાનામાં રહીને નિશ્ચિતક્રમમાં સમયે સમયે ઉપજતા જ્ઞાનાકારોને જાણતું પ્રવર્તે છે- એવો નિર્ણય થતાં જાણનારો જણાઈ રહ્યો છે એવું જ્ઞાન ઉદિત થઈ જાય છે.
ગુરુદેવનો અંતેવાસી શિષ્ય
-
ગુરુપ્રસાદ ૮ ઓક્ટોબર ૨૦૦૭