________________
૫૯
આપણે તો આપણાં બાંધેલાં, બને તેટલી સમતા રાખી, ખમી ખૂંદતાં શીખવું છે. અત્યારે ધીરજથી કર્મ વેદવાની ટેવ પાડીશું તો તે મરણ વખતે, ગમે તેવી મૂંઝવણમાં પણ કામ લાગશે. માટે નહીં ગભરાતાં, ધીરજ રાખીને, હિંમત હાર્યા વિના સમજૂતીથી કામ લેતાં શીખવું. ઉતાવળ કર્યો કંઇ વળે તેવું નથી. આપણું ધાર્યું કંઇ બનતું નથી; પણ સમજણ, સત્પુરુષને આધારે, સવળી રહે તો કર્મ ઓછાં બંધાય અને ઘણાં આકરાં કર્મ થોડી મુદ્દતમાં પતી જાય તેવું છે.
માટે કઠણ હૈયું કરી, જાણે કંઇ બન્યું જ નથી એમ સમજી, સ્મરણમાં ચિત્ત વારંવાર લાવવાની ટેવ પાડશો તો મનની શાંતિથી શરીર પણ બગડતું અટકશે, જરૂર જેટલી ઊંઘ પણ આવશે.
હાયવોય કર્યે આપણે દુઃખી થઇએ, બીજાને દુઃખી કરીએ અને નવાં કર્મ બંધાય. માટે ધીરજ, સમતા, સહનશીલતા અને પરમકૃપાળુદેવ ઉપર આસ્થા રાખી, જેમ બની આવે તેમ ભક્તિભાવ કરતાં રહેશો. થોડું લખ્યું - ઘણું ગણી, પત્ર બહુ વાર વાંચશોજી.
(બો-૩, પૃ.૭૪૦, આંક ૯૦૯)
પરમકૃપાળુદેવના પત્રોનો અભ્યાસ કરી, તે મહાપુરુષની દશા ઊંડા ઊતરી વિચારી, આ આશ્રયે આ ભવસમુદ્ર તરી જવો છે, એમ દૃઢ કરી, સત્પુરુષાર્થ સતત કર્તવ્ય છેજી. પ્રમાદ અને આળસ વૈરી છે, તેનો જય કર્તવ્ય છેજી. (બો-૩, પૃ.૭૯૫, આંક ૧૦૨૧)
તરવાને માટે તો જેને તરતાં આવડતું હોય અને તારી શકે, તેવાનું શરણ જોઇએ.
સત્પુરુષ મળે પણ તે પોતે માનતો હોય કે હું જાણું છું, સમજું છું. એમ માન-અહંભાવ આડાં આવે છે. તેથી શરણે જવા માટે પહેલી શરત કરી કે હું કંઇ જ જાણતો નથી, એમ થવું જોઇએ. જ્ઞાની કહે તે સાચું. (બો-૧, પૃ.૩૧, આંક ૩૯)
D મારું-તારું છૂટે અને હું તો એક જ્ઞાનીને શરણે છું, એવું મનમાં થાય ત્યારે કામ થાય. બીજું કંઇ ન થતું હોય તો ‘જ્ઞાનીનું કહેલું સાચું છે, એ કહે તે સાચું.' એમ માને તોપણ કામ થઇ જાય. જેમ એંજિનની સાથે ડબાનો આંકડો ભેરવ્યો તો સાથે ચાલ્યો જાય, તેમ છે. (બો-૧, પૃ.૭૫)
D પરમકૃપાળુદેવે શ્રી સોભાગભાઇને ફરી-ફરી પત્રો દ્વારા ચેતાવ્યા છે કે વ્યવહાર સંબંધી ચિંતા રાખીએ કે ન રાખીએ, તે બંને સરખું છે; કારણ કે બનનાર તે ફરનાર નથી અને ફરનાર તે બનનાર નથી; તો ઉપાધિ આડે આત્મહિતની વિસ્મૃતિ શા માટે કરવી ? માત્ર જે થાય તે જોયા કરવું, એવી સુગમ શિખામણ આપી છે. તે આપણને પણ અમૃત જેવી છે; પણ મરચાંના કીડાને સાકરમાં મૂકે તોપણ તરફડે છે; તેમ આપણને વ્યવહારની મીઠાશ તાળવે ચોંટી છે, તેથી પરમાર્થ-સાધક શિખામણ અંગીકાર કરતાં પગ ધ્રુજે છે.
જ્યાં આપણું કંઇ ચાલે તેમ નથી, તેની ફિકર-ચિંતા કરીએ તો આર્તધ્યાન સિવાય બીજું શું ફળ મળે ? અને તેવા પ્રસંગે જો આયુષ્ય બંધાઇ જાય તો તિર્યંચગતિના ત્રાસ સહન કરતાં પણ પાર આવે તેમ નથી, એમ વિચારી સદ્ગુરુનો આશ્રય તેવા પ્રસંગમાં બહુ ઉપકારી છેજી.
જેમ કોઇ બાળકને સતાવે ત્યારે તે તેની માની સોડમાં સંતાઇ જાય છે, તેમ આવા વિકટ પ્રસંગમાં જેમ પુણ્યપાપને આધારે બનવા યોગ્ય હોય તે બનો પણ મારું ધન તો આ મનુષ્યભવ છે, તે વ્યર્થ ચિંતામાં