________________
(૫૮)
માર્ગે ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે.” (૮૧૯) એમ પરમકૃપાળુદેવે કહ્યું છે, તે વારંવાર સ્મૃતિમાં રાખી, મુશ્કેલીઓ નડે તેની સામે થઈ તેનો નાશ કરવાનો છે. કોઈ વખતે કર્મનો ઉદય તીવ્ર હોય ત્યારે આત્માનું વીર્ય ચાલતું નથી અને જાણે હવે મારાથી કંઈ નહીં બને એમ લાગે છે, પણ જેના વચનબળે જીવ નિર્વાણમાર્ગને પામે છે, એવા ભડવીર શ્રીમદ્ સદ્ગુરુ રાજચંદ્રનાં વચનમાં વૃત્તિ રાખી તેવો કાળ સ્મરણભક્તિમાં વિશેષપણે ગાળવો અને અધમ મનોવૃત્તિનો પશ્ચાત્તાપ કરી, ક્ષમાપનાના પાઠને વારંવાર વિચારી ““તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ !'' એમાં વૃત્તિ લીન કરવી ઘટે છેજી. જગત જખ મારે છે. એઠવાડા જેવા વિષયમાંથી મન ઉઠાડી લઈ પરમકૃપાળુદેવને શરણે રાખવું. અનંતકાળથી રખડાવનાર શત્રુને શરણે સુખ શોધવા કયો મૂર્ખ જાય? યાચક થવું હોય તો ત્રણ લોકના નાથ શ્રી સદ્ગુરુએ જે બોધ કર્યો છે, તેના યાચક બનવું; પણ ઇન્દ્રિયોથી સુખ મળે છે અને તેથી મનની
તૃપ્તિ થશે, એમ સ્વપ્ન પણ ન સમજવું. (બો-૩, પૃ.૭૩૫, આંક ૯૦૧) D પૂ.....બહેનની તબિયત લથડી ગઈ જાણી. એવે અવસરે હિમત રાખી, મંત્રનું સ્મરણ કરવાનું તથા
પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રનું શરણ ગ્રહી, નિર્ભય રહેવાનું મહાપુરુષોએ કહ્યું છેજી. પરમકૃપાળુદેવ લખે છે : “સર્વ પ્રકારે જ્ઞાનના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણાને, નિઃખેદપણાને ભજવાની શિક્ષા શ્રી તીર્થકર જેવાએ કહી છે, અને અમે પણ એ જ કહીએ છીએ. કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી.” (૪૬૦) એ શિખામણ લક્ષમાં રાખી ભક્તિભાવમાં ચિત્ત રાખવું. સ્મરણ મરણપર્યંત કર્યા કરવું ઘટે છે). તે જ સમાધિમરણનું કારણ છે. આ સંસારમાં ક્યાંય વૃત્તિ રાખવા જેવું નથી, કારણ કે સર્વ, સર્વના કર્મને આધારે, આ જગતમાં સુખદુઃખ ભોગવે છે. મોહને લઈને માનીએ છીએ કે આપણે છીએ ત્યાં સુધી આમને સુખ છે પછી દુ:ખી થશે. કોઈ પણ વિકલ્પ મનમાં નહીં રાખતાં જ્ઞાનીએ જાણ્યો છે તેવો મારો આત્મા છે; મને અત્યારે ખબર નથી પણ જ્ઞાનીએ મારા આત્માના કલ્યાણ માટે મને મંત્ર વગેરે આજ્ઞા કરી છે તે જ મારે અંત સુધી આરાધવી છે. બીજું બધું જ જંજાળ છે. તે આજ્ઞામાં મારી વૃત્તિ રહો, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મા, સુખનું ધામ એવા પરમકૃપાળુદેવનું મને શરણું છે, તેથી મારે કંઈ ફિકર કરવા જેવું નથી.
આત્માનો ઉદ્ધાર થાય તેવું મને શરણું મળ્યું છે. (બી-૩, પૃ.૭૩૭, આંક ૯૦૪) 'આપનો ક્ષમાપનાનો પત્ર, વિગતવાર લખેલો, વાંચ્યો. ખેદ કર્તવ્ય નથી. જેવાં કર્મ પૂર્વે, જેની સાથે,
જે જે પ્રકારે બાંધ્યાં છે, તે છોડવા માટે આ મનુષ્યભવ મળ્યો છે. પરમકૃપાળુદેવનું શરણું તથા તે પ્રત્યક્ષ પુરુષની આજ્ઞા કોઈ સંતકૃપાથી મળી છે તે આપણાં અહોભાગ્ય છે. તેવો જોગ ન મળ્યો હોત અને આવાં કર્મ કે તેથી આકરાં ઉદયમાં આવ્યાં હોત તો અણસમજણમાં જીવે કેટલાં બધાં નવાં કર્મ, વૈર-વિરોધ વધારે તેવાં બાંધી દીધાં હોત, પણ આ તો જ્ઞાની પુરુષના ઉપકારને લીધે મન પાછું પડે છે અને આ નથી ગમતાં તેવાં કર્મ ફરી ન બંધાય, તેવી ભાવના રહે છે તે પણ મહાપુરુષોની કૃપાદૃષ્ટિનું ફળ છે; નહીં તો લોકો આપઘાત કરી કેવા-કેવા કર્મ ઉપાર્જન કરી અધોગતિમાં જાય છે, તે જોઈ ત્રાસ થાય તેવું છે.