________________
૭૦
રાજહૃદય ભાગ-૧૩
નિરૂપણ છે. મુમુક્ષુજીવને સદ્વિચારણા કયાંથી શરૂ થાય છે, ત્યાંથી આ પત્રનો પ્રારંભ કર્યો છે.
સર્વ જીવને અપ્રિય છતાં જે દુઃખનો અનુભવ કરવો પડે છે, તે દુઃખ સકારણ હોવું જોઈએ, એ ભૂમિથી મુખ્ય કરીને વિચારવાનની વિચારશ્રેણી ઉદય પામે છે....' કયાંથી સદ્વિચાર ઉદય પામે છે ? કે દુઃખ તો કોઈ જીવને પ્રિય નથી. કોઈ જીવ દુઃખને ઇચ્છે નહિ. બધા જ જીવોને દુઃખ અપ્રિય છે. કોઈને દુઃખ જોઈતું નથી. છતાં દુઃખનો અનુભવ બધાને ક૨વો જ પડે છે. કોઈને જોઈતું નથી છતાં બધાને થાય છે. એટલે આ તો બધા જ જીવોની સમસ્યા થઈ કે આ જગતમાં દુઃખ શા માટે છે ? દુ:ખ કેમ આવી પડે છે ? જોઈતું નથી છતાં કેમ થાય છે ? આ જે અનુભવ અનિચ્છાએ પણ કરવો પડે છે. તો એ દુઃખરૂપી જે ફળ આવ્યું, કાર્ય થયું એનું કોઈ કારણ હોવું જોઈએ. જે જીવોની વિચારસરણીમાં ન્યાયપૂર્વક વિચાર ચાલે છે, આ ન્યાયનો વિષય છે, કે જ્યારે દુઃખરૂપી ફળ મળે છે તો એનું કારણ પણ કાંઈકને કાંઈક તો હોવું જ જોઈએ કે જેના કારણે દુઃખની ઉત્પત્તિ થાય છે.
સર્વ જીવને અપ્રિય છતાં જે દુઃખનો અનુભવ કરવો પડે છે,...' કરવો નથી પણ કરવો પડે છે. તે દુઃખ સકારણ હોવું જોઈએ...' તે દુઃખનું કાંઈકને કાંઈક કારણ હોવું જોઈએ. કારણ વગર કાર્ય થાય એ ન્યાયની વિચારધારામાં નથી. કાંઈપણ એનું કારણ હોય એમાંથી જ એને અનુસરતું કાર્ય થાય. કારણ વગર કાર્યની ઉત્પત્તિ થતી નથી. ત્યાંથી માંડીને કોઈપણ વિચારવાન જીવની વિચારશ્રેણી ઉદય પામે છે. પછી એ વિચાર લંબાય છે કે કોઈને કોઈ પ્રકારનું દુઃખ છે. કોઈને કોઈ પ્રકારનું દુઃખ છે, કોઈને કોઈ પ્રકારનું દુઃખ છે. પાછું બધાને એક પ્રકારનું દુઃખ નથી. એક માણસને તંદુરસ્તી સારી છે તો એ તંદુરસ્તીમાં ખાવા જોઈએ એટલું અન્ન મળતું નથી, રોટલો મળતો નથી. ભૂખ લાગે એટલું ભોજન મળતું નથી. એવી આર્થિક ત્રુટી છે. કોઈ જીવને પૈસા એટલા બધા વધારે પડતા આવી જાય છે કે કયાં રાખવા એની ચિંતા છે. એને એ પૈસાનો ઉપભોગ કરવો હોય તો એ ખાઈ શકતો નથી. બદામના રોટલા ખાઈ શકે એવા પૈસા છે પણ ઘઉંની રોટલી પચાવી શકે એવી પરિસ્થિતિ નથી. બદામ તો પચાવે ક્યાંથી ? (એમ) કોઈને કાંઈ દુઃખ છે, કોઈને કાંઈ દુઃખ છે. ચિત્ર-વિચિત્ર એવી જે દુઃખની પરિસ્થિતિ છે એ એમ સૂચવે છે કે એની પાછળ કાંઈને કાંઈ, કોઈને કોઈ કારણ રહેલું છે. આમ જે ન્યાયપૂર્વક વિચારે છે એની વિચારણા લંબાય છે, એની વિચારશ્રેણી, શ્રેણી એટલે વિચાર,