________________
૪૯
પત્રાંક-૬૮૭ સામાન્ય સામાન્ય રહે છે, પર્યાય વિશેષ વિશેષ રહે છે. પોતાના સ્વરૂપનો ત્યાગ કોઈ કરતા નથી. એવી શુદ્ધ પર્યાયને આત્મા કહ્યો છે. પર્યાય તે આત્મા છે એમ
ત્યાં કહ્યું છે. ત્યાં પર્યાયનું નિરપેક્ષપણું સ્થાપવું હોય અથવા જે વેદન સામાન્યમાં નથી પણ વિશેષમાં વેદન છે અને વેદન અપેક્ષાએ એની મુખ્યતા છે, અવલંબન અપેક્ષાએ, લક્ષની અપેક્ષાએ ભલે ત્રિકાળી ધ્રુવની મુખ્યતા હોય તોપણ વેદન અપેક્ષાએ વર્તમાન વેદનની મુખ્યતા છે એ વાત ત્યાં સ્થાપતા હોય તોપણ મુખ્યગૌણપણું છે એ મુખ્ય-ગૌણપણું ક્યારે પણ ફરતું નથી. તોપણ સ્વરૂપની મુખ્યતામાં રહીને જ એ વાત કરે છે. એ કેવી રીતે કરતા હશે?
જેમ કોઈ માણસનો નોકર લક્ષાધિપતિ હોય કે કરોડપતિ હોય તો શેઠની સંપત્તિ અબજોપતિની છે એ બતાવવા માટે નોકરથી વાત કરવી પડે. જુઓ તો ખરા ! જેને ત્યાં કરોડપતિ માણસ નોકર તરીકે રહેતા હોય એ માણસની શ્રીમંતાઈ કેટલી હશે !
એમ જેના એક ક્ષણના સ્વસંવેદનથી ભવની અનંતતાનો ભૂક્કો નીકળી જાય. તોપના ગોળાની જેમ કુરચા-ફુરચા ઉડાવી દે. એક ક્ષણ જ, હોં ! પહેલી ક્ષણ ખતમ કરે. પછી બીજી ક્ષણ નહિ. પહેલી જ ક્ષણે અનંત ભવ છૂટી જાય. એ અંદર ત્રિકાળી ભગવાનનું સામર્થ્ય કેટલું એની અંદર ! એવી પર્યાય પણ એને અવલંબે છે, એવી પર્યાય એની સન્મુખ રહે છે, એની સેવા કરે છે. તોપણ વસ્તુનું સ્વરૂપ સ્વતંત્ર છે, એ પર્યાય પણ સ્વતંત્ર થઈને વર્તે છે. એ સ્વતંત્રતા કહેવા માટે એના છ કારકો કહે. બધી વાત આવે તોપણ મુખ્ય-ગૌણપણું છે એ જે છે તે જ રહે છે. એ બદલી જાય છે એવું બનતું નથી. ત્યાં પર્યાયની દૃષ્ટિ કે લક્ષ થઈ જાય અને દ્રવ્યની દૃષ્ટિ કે લક્ષ છૂટી જાય એવું બનતું નથી, એવા પ્રતિપાદન કાળે પણ. એ પણ જોવાનું લક્ષણ છે. એ લક્ષણે પણ મુખ્ય-ગૌણતા સમજાય છે કે એમની મુખ્યતા ક્યાં રહેલી છે.
મુમુક્ષુ – પર્યાયનું ગમે તેટલું જોરથી પ્રતિપાદન કરતા હોય છતાં પણ એમની મુખ્યતા જ્યાં છે ત્યાંથી ખસે નહિ.
પૂજ્ય ભાઈશ્રી – હા. એ ખસે નહિ. ખસે જ નહિ. કેમકે એટલું વજન પડી ગયું છે. એ તો “સોગાનીજી' કહે છે ને કે ત્રાજવાના એક પલ્લામાં મારો આત્મા મૂકો અને બીજા પલડામાં આખું જગત મૂકો તો મારું પલડું બેસી જાય છે અને જગત આખું ઉલ્લી જાય છે).