________________
૪૪૮
રાજહૃદય ભાગ-૧૩ પદાર્થ કહેવાય છે તે ફક્ત ઓળખાવા માટે કહેવાય છે. પણ એવા બધા ભેદો નિરસ્ત જેમાં થયેલા છે એવી જે અભેદતા, એ અભેદતા અમારા અભેદ સ્વરૂપનું ખરેખરું નિશ્ચય સ્વરૂપ છે અને એ જ અમારી આરાધનાનો વિષય છે. તેથી અમારી આરાધનામાં એવા ભેદો વિષયગત થતા નથી, દેખાતા નથી, જોવાતા નથી, અનુભવાતા નથી. ફક્ત તમને અભેદતા નહિ સમજાતી હોવાથી અપેક્ષિત ભેદો મર્યાદિત ભેદોથી એ ઓળખાવવામાં આવે છે. એમાં આત્મપણું છે, લ્યો ! એ અભેદતા છે તે ખરેખર આત્મપણું છે. એનું નામ આત્મપણું છે.
આત્મપણું, પરિતોષપણું, મુક્તપણું.' જીવનમુક્તતા. જીવે છે પણ બંધાતા નથી. મુક્ત થઈને જીવે છે. આના વગર ન ચાલે. એ તો મુમુક્ષુની દશામાં છૂટી જાય છે. મારે આના વગર ન ચાલે, મારે આટલું તો ઓછામાં ઓછું હોવું જ જોઈએ, હોય તો જ ચાલે. એ તો મુમુક્ષુની દશામાં છૂટી ગયું છે. એ પત્ર પણ સોભાગભાઈ’નો છે અને જ્ઞાનદશાની ચર્ચા કરતી વખતે એ વાત એમણે લખી છે.
ત્યાં પછી આગળ વાત કરી છે કે અમને જે આ ઉદયના કાર્યો કરવા છે એ બોજો લાગે છે. જેમ રૂના પોલ ઉપર કોઈ વજનદાર ચીજ મૂકે એવું જ્ઞાન તો હળવું છે. જ્ઞાનમાં કષાયનો ભાર નથી. અકષાયસ્વભાવી હોવાથી હળવું છે. એના ઉપર રાગનો બોજો, ઉપાધિનો બોજો પડે છે. જ્ઞાનને દબાવું પડે છે. પરાધિનપણે પણ એ પરિસ્થિતિ સહન કરવી પડે છે. એ વાત એમણે વારંવાર પોતાની દશા કહેતા ઉચ્ચારી છે કે આ ઉપાધિ અમારાથી સહન થઈ શકતી નથી.
બીજું, એમની વાણીમાં સ્વરૂપની મુખ્યતા વર્તતી હોવાને લીધે. સ્વરૂપની મુખ્યતા વર્તતી હોવાને લીધે એની મુખ્યતાવાળી જ વાણી આવે છે અને બાકી બધું ગૌણ રહી જાય છે. મુખ્ય-ગૌણ જેને કહેવામાં આવે છે. પછી ભલે કોઈવાર વ્યવહારનયનો વિષય ચાલતો હોય તો ભાષામાં અને ઉપયોગમાં એમ લાગે કે અત્યારે વ્યવહારને મુખ્ય કરે છે. એવો કોઈ પર્યાયની સ્વતંત્રતાનો વિષય ચાલતો હોય તો એમ પણ કહે કે અત્યારે પર્યાયને જાણે મુખ્ય કરતા હોય. (પ્રવચનસાર’) ૧૭૨ ગાથામાં (અલિંગગ્રહણનો) ૨૦મો બોલ આવે છે ને ? દ્રવ્યસામાન્યને નહિ આલિંગિત શુદ્ધ પર્યાય તે આત્મા છે. શુદ્ધપર્યાય તો દ્રવ્યસામાન્યને અવલંબીને પ્રગટે છે. કોઈ એક પણ શુદ્ધપર્યાય દ્રવ્યસામાન્યના અવલંબન વગર તો પ્રગટતી નથી. તો કહે છે, અવલંબન લે છે તોપણ આલિંગન નથી. કેમકે અલિંગગ્રહણ શબ્દ વાપર્યો છે ને ? સ્પર્શતી નથી, એને અડતી નથી. એમાં ભળતી નથી.