________________
પત્રાંક-૬૪૮
પત્રાંક-૬૪૮
૮૫
મુંબઈ, આસો, ૧૯૫૧
ဆိ
દૃશ્યને અદૃશ્ય કર્યું, અને અદૃશ્યને દશ્ય કર્યું એવું જ્ઞાનીપુરુષોનું આશ્ચર્યકારક અનંત ઐશ્વર્ય વીર્ય વાણીથી કહી શકાતું યોગ્ય નથી.
તા. ૧૮-૩-૧૯૯૧, પત્રાંક – ૬૪૮ થી ૬૫૦ પ્રવચન નં. ૨૯૩
પત્ર કોના ઉપરનો છે એ જણાતું નથી. ૬૪૮. કોના ઉ૫૨ છે એ ... સત્પુરુષોનો મહિમા કર્યો છે. દૃશ્યને અદૃશ્ય કર્યું, અને અદૃશ્યને દશ્ય કર્યું એવું જ્ઞાનીપુરુષોનું આશ્ચર્યકારક અનંત ઐશ્વર્ય વીર્ય વાણીથી કહી શકાવું યોગ્ય નથી.’ પુરુષાર્થનો વિષય લીધો છે. જ્ઞાનીપુરુષોનો પુરુષાર્થ છે એ આશ્ચર્યકારક પુરુષાર્થ છે. કેવો આશ્ચર્યકારક છે ? કે દૃશ્યને જેણે અદશ્ય કર્યું છે, અદૃશ્યને જેણે દશ્ય કર્યું છે. દૃશ્ય એટલે દેખાવા યોગ્ય. ઇન્દ્રિયજ્ઞાન દ્વારા જે જે પદાર્થો જ્ઞાનગોચર થાય છે તે બધા પદાર્થોને દૃશ્યપદાર્થો-દેખાવા યોગ્ય પદાર્થો કહેવામાં આવે છે. એ પદાર્થો દેખાતા હોવા છતાં ન દેખાય એવા કર્યાં. પદાર્થ તો પદાર્થપણે રહ્યા. પણ પોતાના જ્ઞાનમાં ફેરફાર કર્યો. લક્ષ ઉઠાવી લીધું.
જેના ઉ૫૨ લક્ષ ન હોય તેનું જ્ઞાન નથી થતું. જેમકે સાંભળવામાં લક્ષ હોય તો અવાજ સંભળાય છે. નહિતર અવાજ થતો હોય તોપણ લક્ષ ન હોય તો સંભળાતું નથી. એમ દેખવામાં પણ લક્ષ હોય તો દેખાય છે. આંખ ખુલ્લી હોય છતાં પણ જો લક્ષ ન હોય તો નથી દેખાતું. જેણે લક્ષ ફેરવી નાખ્યું, કેવી રીતે અદૃશ્ય કર્યું ? કે પદાર્થ તો દેખાય એવા છે, જ્ઞાન પણ તેને દેખે એવું છે, તોપણ જેણે લક્ષ બદલી નાખ્યું, લક્ષ ઉઠાવી લીધું અને દેખાવા છતાં નહિ દેખાવા જેવું કર્યું. એવો પુરુષાર્થ કર્યો. લક્ષને બદલવાનો પુરુષાર્થ કર્યો. આ અપૂર્વ પુરુષાર્થ છે, આ આશ્ચર્યકારી પુરુષાર્થ છે.