________________
૨૬૪
રાજહૃદય ભાગ-૧૩ મુમુક્ષુ - સત્સમાગમ વખતે યોગ્યતા પ્રગટ થઈ જાય છે.
પૂજ્ય ભાઈશ્રી:- હા. સત્સમાગમ છે એ મુમુક્ષને ઉત્કૃષ્ટ સાધન છે. એના જેવું બીજું કોઈ સાધન છે નહિ. જ્ઞાની તો એમ કહે છે કે એના જેવું કોઈ બીજું સાધન અમે જોયું નથી. ઘણા સાધનોનો વિચાર કર્યો છે, ઘણા સાધનોનો પ્રયોગ કર્યો છે, અનુભવ કર્યો છે પણ સત્સમાગમ જેવું, સત્સંગ જેવું મુમુક્ષતા વર્ધમાન થવા અર્થે કોઈ સાધન અમે જોયું કે અનુભવ્યું નથી. આ એમનો એક નીચોડ છે, અનુભવનો નીચોડ છે.
મુમુક્ષુ :- સત્સમાગમમાં બે પ્રકારના લઈ શકાય ? જ્ઞાની ધર્માત્માનો સમાગમ અને સમવિચારવાળાનો સમાગમ ?
પૂજ્ય ભાઈશ્રી :- હા. એટલે બંને સત્સમાગમ કહેવાય છે. પણ એક પરમસત્સંગ કહેવાય છે, એક સામાન્ય સત્સંગ કહેવાય છે. જ્ઞાની પુરુષનો સંગ થાય તો એ તો પરમસત્સંગ છે. અને સમવિચારવાળાના, યોગ્યતાવાળા જીવોના મુમુક્ષુઓનો સંગ થાય તો એને સામાન્ય રીતે સત્સમાગમ કહેવાય છે. જો માત્ર આત્મકલ્યાણના વિષયને વિચારતા હોય તો. બાકી ભેગા થઈને વળી બીજી વાત ચાલતી હોય તો એ વાતનો કાંઈ અર્થ નથી. એક પોતાના આત્મકલ્યાણનો વિષય ચાલવો જોઈએ.
જો તે યોગ પ્રાપ્ત ન હોય તો...” એવા સત્સમાગમાદિનો યોગ પ્રાપ્ત ન હોય તો. જેમ અંધકારમાં પડેલો પદાર્થ અને અંધકાર એ બેય એકાકાર ભાસે છે...” બે ચીજ પડી છે એવું દેખાતું નથી. અંધારામાં એકલું અંધારું જ દેખાય છે. ભેદ ભાસતો નથી. બીજી ચીજ જુદી પડી છે એનો ભેદ ભાસતો નથી, તેમ તથારૂપ યોગ વિના જ્ઞાની કે વીતરાગ અને અન્ય સંસારી જીવોનું એક આકારપણું ભાસે છે;” બીજા કોઈ મનુષ્યોનો દેહ એવો દેખાય છે. આ જ્ઞાની કે વીતરાગનું શરીર પણ મનુષ્ય જેવું જ દેખાય છે. બીજા મનુષ્ય અને આ મનુષ્યમાં આમ તો કાંઈ ફેર લાગતો નથી. સૂવે ત્યારે માણસ શાંત હોય, પ્રવૃત્તિ કરતો હોય ત્યારે પ્રવૃત્તિવાળો દેખાય. તો એવું તો એમને ચક્ષુ ઇન્દ્રિયોથી જોવે છે. બીજાની શાંતતા અને અશાંતતા બેય જોવે છે. એને ભાવની ઓળખાણ પડતી નથી.
હવે એમણે ભક્તિ કરી છે કે, જે દેહધારી સર્વ અજ્ઞાન અને સર્વ કષાયરહિત થયા છે, તે દેહધારી...” જુઓ ! દેહધારીથી વાત લે છે. જે દેહધારી સર્વ અજ્ઞાન અને સર્વ કષાયરહિત થયા છે, તે દેહધારી મહાત્માને ત્રિકાળ