________________
પત્રક-૬૭૯
૩૦૭ Paragraphમાં પણ વારંવાર દોહરાવ્યો છે કે શુષ્કજ્ઞાનીની વાણીમાં અને જ્ઞાનીની વાણીમાં આશય એકસરખા હોતા નથી. આશય એટલે શું ? વિચારણીય પ્રશ્ન છે તો આ છે કે આશય એટલે શું ? બહુ મોઘમ શબ્દ એમણે લખ્યો છે. પણ સામાન્ય આપણે જે આશય વિચારીએ છીએ એના કરતા થોડોક ઊંડો વિષય લેવો જોઈએ. કોઈ માણસ પ્રશંસા કરે તોપણ એનો સારો જ આશય હોય એવું નથી હોતું. પ્રશંસા કરે માટે આશય પ્રશંસા કરવાનો હોય એવું તો બનતું નથી. માટે શબ્દ પ્રમાણે આશય હોય એમ માનવાનો કે વિચારવાનો પ્રશ્ન ખરેખર રહેતો નથી. અને એ તો વ્યવહારિક રીતે, Practical રીતે સમજી શકાય છે. જો માણસ કહેનારનો આશય ન પકડી શકે તો શબ્દોથી દોરવાઈ જાય તો અવશ્ય ભૂલ ખાઈ જવાનો છે. એની ભૂલ થવાની જ છે. એટલે આશય એક જુદી વસ્તુ છે. એને પણ આપણે આશય કહીએ છીએ.
અહીંયાં જરા ઊંડાણથી વિચાર કરીએ તો આશયને એમ લેવું જોઈએ કે કહેનારનું કેન્દ્રસ્થાન શું છે ? કેન્દ્રબિંદુ શું છે ? એને આશય સમજવો જોઈએ. દાખલા તરીકે કે જ્ઞાનીની વાણીનો આશય શું હોય ? કે જ્ઞાનીની વાણીનો આશય એ હોય કે એ વાણીમાંથી આત્મહિત થાય. આત્માર્થ સધાય એ જ્ઞાનીની વાણીનું કેન્દ્રબિંદુ હોય છે. ગમે ત્યાંથી લ્યો એ વાતને. ગમે તે Stage માંથી એ આત્માનું હિત થાય, આત્માર્થ સધાય એવા કોઈ આશયને કેન્દ્રમાં રાખીને, પોતાના લક્ષમાં એ વાતને કેન્દ્રમાં રાખીને જ્ઞાનીની વાણી છૂટે છે. કારણ શું? પોતે પણ આત્મહિત સાધતા સાધતા એ વાત કરે છે. આત્મહિત સાધવાનું જે પ્રયોજન, એ પ્રયોજનને સાધતા સાધતા એથી વિરુદ્ધ તો એ કહેવાના જ નથી. કેમકે સાધી રહ્યા છે અને કહી રહ્યા છે. માટે પોતાની સાધના વિરુદ્ધ તો કોઈ જ્ઞાની ઉપદેશ કરે નહિ.
જ્ઞાનીની વાણીમાં આ આશય હંમેશાં જળવાયેલો હોય છે, જ્યારે અજ્ઞાનીની વાણીમાં તે પ્રકારનો આશય જળવાતો હોતો નથી. કેમકે એ પોતે પણ આત્માનું હિત સાધતા નથી અને આત્મહિત કેમ સાધવું એ સાધનની અને સાધનાથી એ અજાણ્યા છે. ભલે સાધનાની વ્યાખ્યા આવડતી હોય કે સ્વરૂપનું અવલંબન લઈને સ્વરૂપલીનતા કરે ત્યારે જે આત્માના શ્રદ્ધા-જ્ઞાન-ચારિત્ર પ્રગટે તેને મોક્ષમાર્ગરૂપી મોક્ષનું સાધન કહેવામાં આવે છે. વ્યાખ્યા સાચી છે. છતાં પણ એના ઉપદેશમાં એ આશય જળવાતો નથી, એ આશય સચવાતો નથી. કેમ ? કે એની ભીંસ એના ઉપર નથી.