________________
૨૯૨
રાજહૃદય ભાગ-૧૩ જ્ઞાનમાંથી કાંઈ જતું નથી. પ્રત્યક્ષ છે, પોતાને એ પ્રત્યક્ષ છે. એવી સમદશાથી વર્તે છે. તેને અત્યંત ભક્તિથી ધન્ય કહીએ છીએ;...” એની ભક્તિ પોતે કરે છે. જ્ઞાની થઈને પોતે એમની ભક્તિ કરે છે.
તેને અત્યંત ભક્તિથી ધન્ય કહીએ છીએ; અને સર્વ મુમુક્ષુ જીવને એ જ દશા ઉપાસવા યોગ્ય છે, એમ નિશ્ચય દેખીને પરિણતિ કરવી ઘટે છે. સોભાગભાઈને પત્ર લખ્યો છે ને ! કયાંય હરખ-શોકમાં મુમુક્ષુએ પણ આવવા જેવું નથી. જ્ઞાની પુરુષની આવી દશા જોઈને, જ્ઞાની પુરુષનું આવું સ્વરૂપ જોઈને મુમુક્ષજીવે પણ એ જ દશાની ઉપાસના કરવી યોગ્ય છે. જ્યારે હરખ-શોકના પરિણામ થાય ત્યારે તો તપાસવું. તારા આત્મામાં શું આવ્યું અને શું ગયું ? જે સંયોગો વધ્યા કે ઘટ્યા એવા અને એથી અનંતગુણા ઘણા આવ્યા ને ઘણા ગયા. હવે તું રોવે છો એ નકામો રોવે છો. મોટા મોટા પથરા વાગ્યા ત્યારે રોયો નહિ અને હવે એક કાંકરો વાગે ત્યારે રોવા માંડ્યો ? એમ કહે છે. ઘા તો આથી મોટા પડ્યા છે. આવા સંયોગો અનંત વાર વધ્યા, અનંત વાર ઘટ્યા. આથી વધારે પ્રમાણમાં બધું થઈ ગયું. હવે થોડાક માટે ક્યાં તું આત્માને રોકી રાખે છો ? એમ કહે છે. જ્ઞાની પુરુષની દશા જોઈને મુમુક્ષુ જીવે એ જ ઉપાસવા યોગ્ય છે કે ક્યાંય પણ હરખ-શોકમાં પડવા જેવું નથી. ભલે ગમે તે પરિસ્થિતિ સંયોગોના ફેરફારની થયા કરે, મારે હરખ-શોકમાં પડવા જેવું નથી. એમ નિશ્ચય દેખીને પરિણતિ કરવી ઘટે છે. એ જ વિનંતિ.”
“સોભાગભાઈને કહે છે, તમને પણ હું એ જ વિનંતિ કરું છું કે પરિણામમાં સમભાવે રહેવાનો પુરુષાર્થ કરો. જેટલો બને એટલો પૂરી શક્તિથી સમભાવે રહેવાનો, વિષમભાવ નહિ થવાનો પુરુષાર્થ કરો. એ જ આત્માને લાભકારી અને ઉપકારી છે. નહિતર તો આગળ દુર્ગતિ ઊભી જ છે. બેમાંથી એક તો ઉદય આવવાનો જ છે. કાં પુણ્યનો, કાં પાપનો. પુણ્યમાં હરખાઈ જઈશ, પાપમાં ખેદાઈ જઈશ. બેય પ્રકારના રસ તારા પરિણામને અધોગતિમાં લઈ જશે. પાછું બેયનું ફળ એક જ છે. પુણ્યના પરિણામમાં હરખાય એ અધોગતિમાં જાય, પાપના ફળમાં ખેદાય એ પણ અધોગતિમાં જ જાય. જીવ પ્રાયઃ અધોગતિમાં ચાલ્યો જાય છે. બે હજાર સાગરથી વધારે ત્રસપર્યાય નથી એનું કારણ એ જ છે કે, બેમાંથી એક ઉદય આવે છે અને જીવ હરખ-શોકમાં ડૂબે છે. એટલે સરવાળે અધોગતિમાં ચાલ્યો જાય છે. એ ચક્કરમાંથી, હરખ-શોકના ચક્કરમાંથી છૂટી જ શકતો નથી.