________________
પત્રક-૬૭૮
૨૯૧
પત્રાંક-૬૭૮
મુંબઈ, ચૈત્ર સુદ ૨, સોમ, ૧૯૫૨
જેમાં ક્ષણવારમાં હર્ષ અને ક્ષણવારમાં શોક થઈ આવે એવા આ વ્યવહારમાં જે જ્ઞાની પુરુષો સમદશાથી વર્તે છે, તેને અત્યંત ભક્તિથી ધન્ય કહીએ છીએ; અને સર્વ મુમુક્ષુ જીવને એ જ દશા ઉપાસવા યોગ્ય છે, એમ નિશ્ચય દેખીને પરિણતિ કરવી ઘટે છે. એ જ વિનંતિ. શ્રી ડુંગર આદિ મુમુક્ષુને નમસ્કાર
૬૭૮ મો એક Post card, નાનો પત્ર “સૌભાગ્યભાઈ' ઉપરનો છે.
જેમાં ક્ષણવારમાં હર્ષ અને ક્ષણવારમાં શોક થઈ આવે એવા આ વ્યવહારમાં...' આ જગતનો વ્યવહાર એવો છે. એક સમાચાર આવે કે, ભાઈ ! તમને આમાં મોટું નુકસાન થાય છે. ત્યાં એકદમ Depression માં આવી જાય. વળી અડધી કલાક, કલાક એકદમ પરિણામ ખરાબ થઈ ગયા હોય એમાં કહે ભાઈ ! એ તમારી વાત નહોતી, હોં! એ તો બીજા તમારા નામેરી છે. પણ એ બીજાની જ વાત હતી. તમને કાંઈ લાગતું વળગતું નથી એમાં. હેં ! એમ હતું ? સારું થયું ભાઈસાહેબ તમે કીધું. મને તો Tension આવી ગયું હતું. એક ક્ષણમાં વળી પાછો હરખમાં આવી જાય. આ જગતનો વ્યવહાર કેવો છે! જીવને ઉદયમાં જે પોતાપણું છે એ પોતાપણું જ એનો આત્મા થઈ પડ્યો છે. એટલે હરખનો અને શોકનો ધક્કો પણ લાગે છે. બે પ્રકારે ધક્કો અવળો-સવળો એવો જીવને લાગે છે. અને પોતાપણું હોય ત્યાં સુધી તો લાગ્યા વિના રહે નહિ.
જેમાં ક્ષણવારમાં હર્ષ અને ક્ષણવારમાં શોક થઈ આવે એવા આ વ્યવહારમાં જે જ્ઞાની પુરુષો સમદશાથી વર્તે છે... એ જ્ઞાનીઓ પાછા એવા જ વ્યવહારમાં ઊભા છે. ક્યાં ? બીજે નથી ઊભા. આ જગતના જીવો જે વ્યવહારમાં ઊભા છે, હરખ-શોકમાં પરિણમી રહ્યા છે એ જ વ્યવહારમાં ઊભા રહીને જે સમદશાથી વર્તે છે. જેને કાંઈ લેવા કે દેવા. શું માને છે ? કે મારે કાંઈ અડતું-આભડતું નથી. જે થાય છે એ મારા આત્માથી બહાર થાય છે. મારા જ્ઞાનમાં કાંઈ આવતું નથી, મારા