________________
૨૭૮
રાજહૃદય ભાગ-૧૩ હેતુરૂપ થવાનું કારણ બનતું હોય.” અથવા તથારૂપ કારણ વિના તેમ વર્તી મુખ્યમાર્ગને વિરોધરૂપ કે સંશયના હેતુરૂપ થવાનું કારણ બનતું હોય. તથારૂપ કારણ વિના એટલે શું ? આ વાત એમણે મોઘમ રાખી છે. “તથારૂપ કારણ વિના....” એટલે શું ? કે એ જીવને અત્યારે એમ કહ્યા વગર ચાલે એમ નથી. એને અત્યારે કહેવું જ જોઈએ. એને એ વાતનો ખ્યાલ આપવો જ જરૂરી છે. એવા કોઈ મહત્વના કારણ વિના જો એ રીતે પોતે ઉપદેશ કરે છે તો મુખ્યમાર્ગને વિરોધરૂપ પેલાને લાગે છે. કે આ તો વીતરાગનો માર્ગ છે. પોતે તો રાગી થઈને વીતરાગનો ઉપદેશ આપે છે. એમને તો બધું જોઈએ છે, બધી અનુકૂળતાઓ જોઈએ છે, કુટુંબ-પરિવાર જોઈએ છે, વેપાર-ધંધા જોઈએ છે, પૈસા જોઈએ છે. બધું જોઈએ છે. તો મુખ્યમાર્ગને એ વિરોધરૂપ છે. કેમકે ઉપદેશ તો મોટાભાગે મુનિઓ અને આચાર્યોએ કર્યો છે. અને એથી ઉત્કૃષ્ટપણે તીર્થંકરદેવાદિ કેવળદશામાં બિરાજમાન થઈને ઉપદેશ કર્યો છે. અને એ ઉપદેશની અંદર એમણે સર્વસંગપરિત્યાગ કર્યો હોવાથી ઉપદેશ કરનારને પ્રતિબંધરૂપ કે વિરોધરૂપ કોઈ બાહ્ય દેખાવ થતો નથી. ઉપદેશકની વિરોધાભાસી પરિસ્થિતિ નથી આવતી. ઉપદેશકની પરિસ્થિતિ વિરોધાભાસી હોય અને સામાને સંશયનું કારણ થાય અથવા એને એમ થાય કે આ તો માર્ગથી વિરુદ્ધ વાત કરે છે, વિરુદ્ધ વર્તીને વાત કરે છે. માર્ગ કાંઈક છે અને પોતે વર્તે છે કાંઈક એવા હેતુનું કારણ બનતું હોય તોપણ જ્ઞાની પુરુષો સંક્ષેપણે ઉપદેશમાં પ્રવર્તે અથવા મૌન પણ રહે. એ બહુ થોડી વાત કરે, ઓછી વાત કરે, ન પણ કરે. એમ પણ બનવા યોગ્ય છે.
મુમુક્ષુ – મૌન પણ રહે.
પૂજ્ય ભાઈશ્રી :- મૌન પણ રહે. હા. મૌનેય રહી જાય. આમ કહેવાથી તો ઉલટું સામાને નુકસાન થાશે. એને કાંઈ સવળું તો નહિ પડે પણ ઉલટાનું અવળું પડશે. કાંઈ નહિ. અત્યારે આપણે મૌન રહી જાવ. એને યોગ્ય લાગે, ઠીક લાગે એમ ભલે કરે. એમ કરીને પોતે મૌન પણ થઈ જાય. જવાબ ન પણ દે.
સર્વસંગપરિત્યાગ કરીને ચાલી નીકળ્યાથી પણ જીવ ઉપાધિરહિત થતો નથી.” પત્ર “કુંવરજીભાઈ “ભાવનગરના મુમુક્ષુ છે એના ઉપરનો છે. ખાસ કરીને દેરાવાસી જે શ્વેતાંબર મૂર્તિપૂજક છે એમાં દીક્ષા લેવાનો Craze ઘણો છે. કેટલાક તો આખા કુટુંબોએ દીક્ષા લીધેલી છે. કુટુંબના પાંચ-સાત-આઠ માણસો હોય એ બધાએ વારાફરતી દીક્ષા લઈ લીધી હોય એવા પણ એ લોકોમાં કુટુંબો છે. એ