________________
પત્રાંક-૬૫૮
૧૩૫
મંદ થવું જોઈએ. અને મિથ્યાત્વ મંદ થાય એવા એ નિમિત્ત છે. પણ જો લૌકિક અભિનિવેશથી એમના કાર્યો કરવામાં આવે તો મિથ્યાત્વ ઉલટાનું તીવ્ર થાય છે. આ એક દર્શનમોહ સંબંધિત બહુ મહત્વપૂર્ણ મુદ્દો છે. ઘણો મહત્ત્વનો. એટલા માટે આપણે ત્યાં દાનની સાથે નામને મહત્ત્વ આપવામાં નથી આવતું એનો એક પારમાર્થિક હેતુ રહેલો છે. દાનમાં નામ નહિ જોડવાનો પા૨માર્થિક હેતુ આ છે કે લૌકિક અભિનિવેશ કરવો નથી, છે એ ઘટાડવો છે, વધારવો તો બિલકુલ નથી. માટે મારે મારા નામ સાથે કાંઈ લેવાદેવા નથી. અને જો કોઈ દાન દેનાર નામનો આગ્રહ રાખે તો એમ સમજવા યોગ્ય છે કે તીવ્ર લૌકિક અભિનિવેશમાં એ આવીને વર્તવા માગે છે. તો એને તો કરવું, કરાવવું કે અનુમોદવું એ જેને દર્શનમોહ પોતાનો ઘટાડવો છે એને કરવું, કરાવવું, અનુમોદવું ત્રણમાંથી એકેય પ્રકાર રાખવો જોઈએ નહિ.
મુમુક્ષુ :– ‘ગુરુદેવશ્રી’ બહુ વજન આપતા...
પૂજ્ય ભાઈશ્રી :– એટલે તો આપણે ત્યાં સોનગઢ’માં નામ રાખવાની પદ્ધતિ પહેલેથી નહોતી. હવે જે થોડી થોડી ક્યાંક ક્યાંક શરૂ થાય છે એ પણ સારું તો નથી જ. કેમકે એમાંથી જેનું નામ હોય છે એને તીવ્ર લૌકિક અભિનિવેશ વર્તવા લાગે છે કે જુઓ ! મારું અહીંયાં નામ છે... મારું અહીંયાં નામ છે... મારું અહીંયાં નામ છે. નામેય તારું નથી અને જે શરીરનું નામ છે એ શરીર પણ તારું નથી. બેમાંથી એક્કે તારું નથી. તારે કાંઈ લેવા કે દેવા. એક નામધારી કેટલા માણસો હોય છે ?
મુમુક્ષુ :- ઘણા શાંતિલાલ છે.
પૂજ્ય ભાઈશ્રી :- કેટલા ‘શાંતિલાલ’ મળે ? પાર વગરના મળે. અશાંતિલાલ પણ ‘શાંતિલાલ’ હોય અને ‘શાંતિલાલ’ પણ ‘શાંતિલાલ’ હોય. નામથી શું મતલબ છે ? દર્શનમોહને વશ જીવને એક વ્યામોહ થાય છે. મારું નામ... મારું નામ... મારું નામ... મારું નામ... એ થયા કરતું હોય છે. એ જીવને એનો રસ લેવો, લૌકિકપણે લોકો જાણે એવી રીતે મારા કાર્યો, મારા સારા કાર્યો લોકો જાણે એવા હોવા જોઈએ, હું સારા કાર્યો કરીશ પણ લોકો જાણે એવા હોવા જોઈએ, એવો જે રસ લેવો એ જીવને પોતાને ઝેર ખાવા બરાબર છે. એ લૌકિક અભિનિવેશને પરિણતિ જોઈને એને લોકસંજ્ઞા પણ એવું નામ પણ પોતે આપે છે. લોકસંજ્ઞા. અને કાળકૂટ ઝેર છે એમ કહ્યું છે.