________________
૧૯૨
રાજહૃદય ભાગ-૧૩
જ્ઞાનીપુરુષોએ વારંવાર આરંભ પરિગ્રહના ત્યાગનું ઉત્કૃષ્ટપણું કહ્યું છે, અને ફરી ફરી તે ત્યાગનો ઉપદેશ કર્યો છે, અને ઘણું કરી પોતે પણ એમ વર્ચ્યા છે, માટે મુમુક્ષુ પુરુષને અવશ્ય કરી તેની સંક્ષેપવૃત્તિ જોઈએ, એમાં સંદેહ નથી.
આરંભ પરિગ્રહનો ત્યાગ કયા કયા પ્રતિબંધથી જીવ ન કરી શકે, અને તે પ્રતિબંધ કયા પ્રકારે ટાળી શકાય એ પ્રકારે મુમુક્ષુ જીવે પોતાના ચિત્તમાં વિશેષ વિચાર—અંકુર ઉત્પન્ન કરી કંઈ પણ તથારૂપ ફળ આણવું ઘટે. જો તેમ કરવામાં ન આવે તો તે જીવને મુમુક્ષુતા નથી, એમ પ્રાયે કહી શકાય.
આરંભ અને પરિગ્રહનો ત્યાગ કયા પ્રકારે થયો હોય તો યથાર્થ કહેવાય તે પ્રથમ વિચાર કરી પછી ઉપર કહ્યો તે વિચાર–અંકુર મુમુક્ષુ જીવે પોતાના અંતઃકરણમાં અવશ્ય ઉત્પન્ન કરવો યોગ્ય છે. તથારૂપ ઉદયથી વિશેષ લખવાનું હાલમાં બની શકતું નથી.
પત્રાંક-૬૬ ૫. દેહાભિમાનરહિત એવા સત્પુરુષોને અત્યંત ભક્તિથી ત્રિકાળ નમસ્કાર.’ એ પત્રનું મથાળું બાંધ્યું છે. સત્પુરુષોને ભક્તિપૂર્વક નમસ્કાર કર્યા છે. દેહાભિમાનરહિત એવા સત્પુરુષોને...' જેને દેહાભ્યાસ છૂટી ગયો છે, જેને દેહમાં અહંપણું રહ્યું નથી. દેહથી ભિન્ન આત્માનો જે અનુભવ કરે છે એવા દેહાભિમાન રહિત સત્પુરુષોને ચૈતન્યગોળો છૂટો પડી ગયો છે, એને નમસ્કાર કરે છે.
જ્ઞાનીપુરુષોએ વારંવાર આરંભ પરિગ્રહના ત્યાગનું ઉત્કૃષ્ટપણું કહ્યું છે, અને ફરી ફરી તે ત્યાગનો ઉપદેશ કર્યો છે,...' જ્ઞાનીપુરુષોએ વારંવાર મુમુક્ષુઓને પણ આરંભ અને પરિગ્રહના ત્યાગનું ઉત્કૃષ્ટપણું સમજાવ્યું છે અને ફરી ફરીને તે ત્યાગનો ઉપદેશ કર્યો છે. ‘ગુરુદેવ’ પોતાની ભાષામાં એમ કહેતા કે, કોઈ નાની ઉંમરમાં નિવૃત્તિ લે, ‘સોનગઢ’ આવીને રહી જાય. ભલે બહુ સમજણમાં ન હોય તોપણ. તોપણ એને સમર્થન આપે કે જુઓ ! નાની ઉંમરમાં એણે છોડી દીધું. આ મોટી મોટી ઉંમરવાળા હજી દુકાને જઈ જઈને થડે બેસે છે. એમ કરીને ઠપકો આપે છે. ૬૦ થયા, ૬૫ થયા, ૭૦ થયા. હજી દુકાન છોડતા નથી. એનો અર્થ એ કે નાની ઉંમરમાં પણ જો કોઈ છોડે છે તો એ અનુમોદન કરે છે.