________________
રાજહૃદય ભાગ-૧૩
૨૩૮
મૂંઢતા ગણવી ! પોતાને વિચારવા જેવી છે. પોતે ગયો છે ને ?
અનંત વા૨ સમવસરણમાં પોતે જઈ આવ્યો છે. અને ત્યાં પણ વીતરાગને ન ઓળખ્યા ? રાગી-દ્વેષી હોય એને તો ન ઓળખી શકે કે, ભાઈ ! આને તો રાગ થાય છે, આને તો દ્વેષ થાય છે, આને તો મોહ દેખાય છે. ભલે ચારિત્રમોહ હોય. એ ક્યાં ઓળખે છે કે દર્શનમોહ કેવો અને ચારિત્રમોહ કેવો. એ તો હજી જીવ ભેદ નથી પાડી શકતો. પણ જે સર્વથા નિર્મોહદશાને પામ્યા અને મોહ રાગ-દ્વેષની કોઈ ચેષ્ટા જેને વિષે નથી એવા સર્વજ્ઞ વીતરાગ જિનેન્દ્રને જીવ ન ઓળખી શક્યો એ એક આશ્ચર્ય જેવી વાત ગણવી જોઈએ ! કેમ એમ થયું હશે ? એ આજે વિચારતા તો નવાઈ લાગે એવું છે. પણ થયું છે એ વાત હકીકત છે. એટલે એમ લખે છે.
?
રાગદ્વેષરહિત આ પુરુષ છે, એમ બાહ્ય ચેષ્ટાથી સામાન્ય જીવો જાણી શકે એમ બની શકે નહીં...' સામાન્ય જીવોની સ્થિતિ એવી નથી કે વીતરાગને જોઈને પણ આ રાગ-દ્વેષ રહિત થયા છે એમ ઓળખી શકતા નથી. એથી તે પુરુષ કષાયરહિત, સંપૂર્ણ વીતરાગ ન હોય એવો અભિપ્રાય વિચારવાન સિદ્ધ કરતા નથી;...’ સામાન્ય માણસો ન ઓળખી શકે માટે એમને કષાયનો અભાવ નથી થયો એવો અભિપ્રાય બાંધી લેવો એ વિચારવાન માણસોને માટે તો યોગ્ય લાગતું નથી. વિચા૨વાન માણસો એમ સામાન્ય માણસોના અભિપ્રાયથી દોરવાય કે ઝાઝાંને બધાને લાગે તે બરાબર. બધાને ઘણાને બરાબર ન લાગે તે બરાબર નહિ, એવો અભિપ્રાય વિચા૨વાન પુરુષોનો હોતો નથી.
જુઓ ! આ એક વિશેષ વાત લીધી. ધાર્મિક અથવા તાત્ત્વિક જે વિષય છે એ વિષયની અંદર સામાન્ય માણસોનો એટલે કે ઘણા માણસોનો એટલે કે બહુમતિનો એમાં અભિપ્રાય કામ લાગતો નથી. એમાં તો એ વિષયના જે તજજ્ઞો હોય એનો જ અભિપ્રાય કામ લાગે છે. અને દરેક એવા જે ખાસ વિષયો છે એમાં એ જ ધોરણ અપનાવવું પડે છે.
જેમકે ડૉક્ટર છે. તો ડૉક્ટર કહે એ સાચું ? કે બીજા પચાસ માણસો ડૉક્ટર ન હોય એવા કહે એ સાચું ? કોણ કહે એ સાચું ? તબીબી વિજ્ઞાનમાં તો એનો અભિપ્રાય સાચો. બીજા ગમે તેટલા કહે એનો અભિપ્રાય સાચો નહિ. એમ વકીલ હોય. કાયદાની બાબતમાં રસ્તે ચાલતા બજારના માણસો કહે એ વાત બરાબર ? કે કાયદાના જાણકાર છે એ કહે એ બરાબર ? તો કહે છે, એમાં બહુમતિ, એકમતિ, લઘુમતિનો સવાલ રહેતો નથી.