________________
પત્રક-૬૬૮
૨૦૭
કોઈનો સંગ રાખે એ પરિસ્થિતિ સ્વરૂપમાં નથી. એ આત્માને કોઈ સગો નથી, એ આત્માને કોઈ સંબંધી નથી. મૂળ સ્વરૂપે જો આત્મસ્વરૂપ જોવામાં આવે તો એને કોઈ સગાસંબંધી છે નહિ. એને ન તો કોઈ જડના સંબંધો છે, ન તો કોઈ ચેતનના સંબંધો છે, ન તો સચેત-અચેત મિશ્ર પદાર્થોના પણ કોઈ સંબંધો છે. જેટલા સંબંધો છે એ કલ્પિતમાત્ર છે. કેવા છે ? કલ્પિત છે. વાસ્તવિકપણે જીવને કોઈ સંબંધ નથી. એવું જે અસંગ આત્મસ્વરૂપ છે એ જીવને સંગના યોગે સમજાતું નથી. જે સંગની કલ્પના કરીને બેઠો છે એ કલ્પનાની નિવૃત્તિ ન થાય, એ કલ્પના એની કલ્પના છે એમ જાણીને નાશ ન થાય ત્યાં સુધી જીવને અસંગ એવું આત્મસ્વરૂપ સમજાતું નથી, એનું જ્ઞાન એને થાતું નથી.
એવું આત્મસ્વરૂપ સમજવા માટે સત્સંગનો યોગ સૌથી સુલભ જણાવાનો યોગ છે. એનું સ્થાન બતાવ્યું, કે જુઓ ! આત્મજ્ઞાન અસંગ તત્ત્વનું જ્ઞાન કરવું હોય તો તું સત્સંગમાં જજે. આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. સત્સંગનો ખુલાસો તો છે આગળ એક જગ્યાએ કરી ગયા છે કે, જેને સત્ પ્રગટ થયું છે એવા સત્પુરુષ એનો સ્વચ્છંદરહિતપણે એટલે પોતાના વિચારો છોડીને, પોતાના અભિપ્રાયો છોડીને વૈરાગ્યસમેત, ભક્તિસમેત એની ઉપાસના કરવી. એના સંગની, સમાગમની ઉપાસના કરવી, એને પરમસત્સંગ કહેવામાં આવે છે. એને પરમસત્સંગ એવું નામ આપ્યું છે. એવો સત્સંગનો યોગ ન હોય ત્યારે જેને સંસારથી છૂટવું છે એવા સંસારથી છૂટવાના જે કામી જીવો હોય, જેને ખરેખર આત્મકલ્યાણ કરવું છે, જેને બીજો હેતુ નથી. એકમાત્ર હેતુ જેને છે એવા જીવોનો સંગ કરવો, એવા જીવોના પરિચયમાં રહેવું અને એ જ વિષય અર્થે વિચારણા કરવી, એના જ માટે વિચારણા કરવી, એ જ માર્ગમાં આગળ વધવા માટેની સાથે મળીને ખોજ કરવી એ વગેરે પ્રકારને સત્સંગ કહેવામાં આવે છે. સત્સંગ કેવી રીતે કરવો ? તેનો હવે પછી એક પત્ર આવે છે. ૬૭૦ નંબ૨માં એ વિષય આપણે લેશું. ૬૭૦ નંબર છે એ સત્સંગ મુમુક્ષુએ કેવી રીતે કરવો ? આત્મજ્ઞાન ન હોય તોપણ સત્સંગ કરવો હોય તો કેમ કરવો ? એ વિષય બહુ સારો લીધો છે.
અહીંયાં તો એટલો જ મુદ્દો છે કે, અસંગ એવા આત્મસ્વરૂપને જાણવા માટે સત્સંગ છે, સત્સંગનો યોગ (છે) એ સૌથી સુલભપણે સહેલાઈથી આત્મસ્વરૂપને જાણવાનું એ સ્થાન છે, એ પ્રસંગ છે એમાં બિલકુલ સંશય નથી. એમાં શંકા પણ કરવા જેવી નથી, એમ કહે છે. કેમકે એ પોતાના અનુભવથી વાત કરે છે. એમણે