________________
રાજહૃદય ભાગ-૧૩
૧૪૦
પ્રાપ્તિ ન થાય. એ બહુ મહત્ત્વનો વિષય છે.
બીજો શાસ્ત્રીય અભિનિવેશ છે તે શાસ્ત્ર સંબંધિત છે. ક્ષયોપશમ વિશેષ હોવાને લીધે, જ્ઞાનનો ઉઘાડ વિશેષ હોવાને લીધે શાસ્ત્રજ્ઞાન પણ વિશેષ ધારણાયોગ્ય થાય છે. અને ત્યારે એમાં જે અહંપણું આવે છે, હું જાણું છું, હું સમજું છું, બીજા કરતા મારામાં જ્ઞાન વિશેષ છે એવો જે શાસ્ત્રજ્ઞાન સંબંધીનો પ્રકા૨ ઉત્પન્ન થાય છે એને શાસ્ત્રીય અભિનિવેશ કહે છે.
અથવા સત્સંગનો યોગ હોવા છતાં તે યોગ છોડીને જે શાસ્ત્રનું અધ્યયન રાખે છે એ સત્સંગ કરતાં શાસ્ત્ર ઉપર વધારે વજન આપે છે. ત્યાં પણ શાસ્ત્રીય અભિનિવેશ હોવાને લીધે એમ થાય છે. અને એમાં પણ સત્પુરુષનો યોગ હોય એ પ્રસંગ છોડીને જો કોઈ શાસ્ત્રના અધ્યયનમાં રોકાય છે એને તો અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ કહ્યો. એ એમણે પાછળના ૬૬૧ નંબરના પત્રમાં એ સંબંધીનો ખુલાસો કર્યો છે. અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ. અવતરણ ચિહ્ન કરીને એવો શબ્દ વાપર્યો છે. અપ્રશસ્ત એટલે અશુભ પ્રકારનો. શાસ્ત્રના જ્ઞાનસંબંધીના પરિણામ તો શુભપરિણામ છે. શાસ્ત્રજ્ઞાનના પરિણામ તો શુભપરિણામ છે. તોપણ અહીંયાં પોતાના મહત્ત્વને ખાતર સત્પુરુષના સમાગમને ગૌણ કરીને જે જીવો શાસ્ત્રની પ્રધાનતા આપીને શાસ્ત્ર વાંચનમાં રહે છે અને એમ વિચારે છે કે અમે તો ગણધરદેવ જેવા અથવા તો આચાર્ય જેવા ઊંચા ગુણસ્થાનમાં બિરાજમાન પુરુષોના વચનોનું અધ્યયન કરીએ છીએ. આ સત્પુરુષ તો અવિરત સમ્યગ્દષ્ટિ છે. તો એને પોતાના મહત્ત્વનો એટલો બધો ત્યાં પોતાની મહત્તાનો અભિનિવેશ છે કે એને અશુભ પ્રકારનો શાસ્ત્રીય અભિનિવેશ, અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ કહ્યો છે. અને એ વાત એમણે બહુ ઊંડાણમાં જઈને પ્રસિદ્ધ કરેલી છે. એ વિષય એમણે ઘણો ઊંડાણથી કહેલો છે. વિશેષ લઈશું...