________________
પત્રાંક-૬૬૪
૧૭૭ અહીંયાં તો ઉપદેશક થવું, પ્રરૂપણા કરવી એ પ્રગટ મિથ્યાત્વ છે. શું છે ? પ્રગટ મિથ્યાત્વ છે. કુગુપણું અને માર્ગનું વિરોધપણું છે. ચોથે પાંચમે ગુણસ્થાને એ ઓળખાણ પ્રતીતિ છે અને આત્મજ્ઞાનાદિ ગુણો અંશે વર્તે છે અને પાંચમામાં સમ્યક્ દેશવિરતિપણાને લઈ ચોથાથી વિશેષતા છે, તથાપિ સર્વવિરતિના જેટલી ત્યાં વિશુદ્ધિ નથી. એટલે એમને પણ એમણે અધિકારી નથી ગણ્યા.
મુમુક્ષુ - આખો કરુણાયોગ કહી દીધો અને...
પૂજ્ય ભાઈશ્રી:- હા. એટલે ઉપદેશકપણું એમને પણ નથી. કેમ ? કે માર્ગનો વિરોધ લાગે કોઈને. સંપૂર્ણ વીતરાગતાનો ઉપદેશ કરવો અને પોતાને વીતરાગતા ન દેખાય એવી પ્રવૃત્તિમાં વર્તવું એ માર્ગનું વિરોધપણું દેખાય છે. વિરોધાભાસી વાત ઊભી થાય છે. બીજાને વિરોધાભાસી લાગે એવી પ્રવૃત્તિ છે. આ તો વાત આમ કરે છે અને વર્તે છે આમ. તો એવી રીતે શા માટે વાત કરવી ? જે વાત કરી એ પ્રમાણે વર્તવાની શક્તિ ન થાય ત્યાં સુધી એનો ઉપદેશ ન કરવો. ભાવના ભાવવી બીજી વાત છે. ઉપદેશ ન કરવો, ઉપદેશક થઈને ન વર્તવું. એ ન્યાય એમણે બહુ સારો કાઢ્યો છે. ઘણો સારો ન્યાય કાઢ્યો છે.
પોતે કોઈ કોઈ બીજા પત્રોમાં એ વાતની વધારે પાછી ચોખવટ કરી છે. કેમકે એમના સંપર્કમાં આવેલા જે મુમુક્ષુઓ હતા એ એમને આગ્રહ કરતા હતા કે તમે શાસન ચલાવો, માર્ગનો ઉપદેશ આપો. અત્યારે સમાજની અંદર અંધારું થઈ ગયું છે. તો કહે છે, કે ભાઈ ! એ વાત સારી છે, આત્માને શક્તિ પણ છે પણ હજી હું એમ વિચારું છું કે જ્યાં સુધી હું સર્વવિરતિમાં ન આવે ત્યાં સુધી મારે ઉપદેશકપણે કોઈ વાત ન કરવી. તમે બધા આવો છો. મને માર્ગની પ્રતીતિ છે. એ વાત હું તમને કહું છું એ જુદી વાત છે. એમાં મારી ભાવનાનું કારણ છે. મારી પણ ભાવના એ વખતે વિશેષ ઘૂંટાય છે પણ હું હજી ઉપદેશક થઈને વર્તવા માગતો નથી. બહુ પોતે ચોખ્ખી સમજણમાં પ્રવૃત્તિ કરે છે.
એ વાત થોડી વિશેષ આ પત્રમાં પણ ઓછાવત્તા અંશે આવવાની કે એ પોતે શા માટે એમ કરે છે. ત્યાગ સંબંધીનું માર્ગદર્શન આ હવેની ચાર લીટીમાં છે. ત્યાગ સંબંધીનું માર્ગદર્શન છે કે ત્યાગમાં પાછું કર્તાપણું જે આવી જાય છે કે આનો ત્યાગ કરું, હું આને છોડું, હું આને છોડું, મારું છે ને છોડું, ધણીપણું રાખીને છોડે, મારું હતું ને છોડી દીધું અથવા મેં છોડ્યું, મેં એનો ત્યાગ કર્યો. એ જે પ્રકાર છે એ પ્રકાર પણ યથાર્થ ત્યાગ સમ્યવિરતિ નહિ આવવા દયે. એટલે એ વિષયની અંદર બહુ સ્પષ્ટીકરણ અને માર્ગદર્શન હવે પછીના Paragraph માં લઈશું...