________________
પત્રાંક-૬૫૮
૧૩૭ હતા એનો જો કોઈ સત્કાર્યમાં ઉપયોગ થતો હોય તો તે અનુમોદવા યોગ્ય છે, કરવા યોગ્ય છે, કરાવવા યોગ્ય છે. બાકી નામનો તો એને વિકલ્પ સુદ્ધા આવતો નથી. કેમકે લૌકિક અભિનિવેશ ટળીને, મિથ્યાત્વ ગાળીને સમ્યકત્વમાં આવ્યા છે. એને પોતાના નામનો કે મહત્તાનો વિકલ્પ હોતો નથી.
મુમુક્ષુ :- ..
પૂજ્ય ભાઈશ્રી :- લૌકિક અભિનિવેશ જ છે. એ એનું નાસ્તિનું બીજું પડખું છે.
મુમુક્ષુ - સમજાણું નહિ.
પૂજ્ય ભાઈશ્રી – જેમકે સારા કાર્યોથી પોતાનું સારાપણું દેખાડવું છે. તો પોતાના જે દોષિત પરિણામ છે એ વ્યક્ત ન થાય અને ઢંકાઈ જાય તો લૌકિકમાં મારું ખરાબ ન દેખાય અને સારું દેખાય એ બેમાં શું ફેર છે ? એ બેમાં કાંઈ ફેર નથી. એટલે મુમુક્ષુએ પોતાના દોષ જોવા, પોતાના દોષ નિષ્પક્ષપાતપણે જોઈને તે પોતાના દોષને પ્રગટ પણ કરવા. એમ લીધું છે. પ્રગટ પણ કરવા. એ પ્રગટ કરવાનું એટલા માટે લીધું છે કે અભિનિવેશ ટાળવો છે. ખરેખર તો એ દોષ પ્રગટ કરનારની મહાનતા છે. એ એનો કાંઈ અવગુણ નથી. એ એનો ગુણ છે. એ ખરેખર તો એનાથી મહાન છે, એ એની મોટાઈ છે. એ એનું નાનાપણું નથી પણ મોટાપણું છે. પણ લૌકિક અભિનિવેશમાં તો અભિપ્રાય વિરુદ્ધ હોય છે. એટલે એ અભિપ્રાયને લઈને પોતે સારો કેમ દેખાય એટલું જ જોઈ શકે છે. અને એ જોવા માટે કૃત્રિમ પ્રયત્નો પણ અને કૃત્રિમ ભાવો પણ એમને આવે છે. એ આત્માના આનંદઅમૃતને પ્રાપ્ત થવા યોગ્ય એવું જે સમ્યગ્દર્શન એની વિરુદ્ધ એવું ઝેર છે. અમૃત તો મળતું નથી પણ ઝેર લેવાય જાય છે એ વાત વિશેષ કરીને લક્ષમાં રાખવા યોગ્ય છે.
મુમુક્ષુ -..
પૂજ્ય ભાઈશ્રી :- લૌકિક ક્ષેત્રમાં તો લૌકિક અભિનિવેશ હોય જ છે. લૌકિક ક્ષેત્રની અંદર તો જે લોકો પ્રવૃત્તિ કરે છે એ તો લોકની અંદર પોતાનું સ્થાન વધારેમાં વધારે સારું રાખવાનું તો સહેજે અભિપ્રાયમાં હોય છે. કેમકે એમાં તો અલૌકિક એવું જે સમ્યકત્વ અથવા મિથ્યાત્વનો ત્યાગ કરવાનો વિષય જ નથી. એટલે જે જીવો લૌકિક ક્ષેત્રમાં પડ્યા છે એ તો લૌકિક અભિનિવેશમાં અવશ્ય હોય જ છે.