________________
૧૧૨
રાજહૃદય ભાગ-૧૩ હેતુ યથાર્થ છે. ગુણસ્થાન ન આવ્યું હોય તોપણ આ હેતુથી જો દ્રવ્યસંયમ લેવામાં આવે તો તે દ્રવ્યસંયમ તેને લાભનું કારણ થશે, એમ કહેવું છે. અંતર નિવૃત્તિ ગ્રહણ કરવા અર્થે બાહ્ય નિવૃત્તિ પણ ઉપકારી છે એમ કહેવું છે. દ્રવ્યસંયમ થતાં શું થાય છે? કે જીવને બાહ્ય પ્રવૃત્તિ ઘટી જાય છે.
બાહ્ય પ્રવૃત્તિ છોડવા માટે દ્રવ્યસંયમને અંગીકાર કરે તો તે યથાર્થ જ છે. એ કાંઈ ખોટું નથી. જેમ કોઈ નાની ઉંમરમાં વ્યાપાર-ધંધાને છોડે છે તો “ગુરુદેવ’ એની પ્રશંસા કરે. ભલે એનામાં એટલી યોગ્યતા ન હોય તોપણ એની પ્રશંસા કરતા. શા માટે ? કે ચાલો આ વિષયની અંદર ઊંડા ઉતરવા માટે એનો જે સમય પ્રવૃત્તિમાં, વ્યવસાયની અંદર જતો હતો એ સમય ઘટાડીને, ત્યાંથી બંધ કરીને આ બાજુ સમય તો લીધો. પછી આ વિષયમાં, પરમાર્થના વિષયમાં જેટલો રસ લેશે એટલો એને લાભ થશે. અને જો રસ નહિ લે તો એને લાભ નહિ થાય. બાહ્ય નિવૃત્તિ લે પણ જો પારમાર્થિક વિષયની અંદર રસ ન લે તો એ નિવૃત્તિ એની નકામી જાય છે. પણ અંતર નિવૃત્તિ માટે અથવા આત્મકલ્યાણ માટે વધુમાં વધુ સમય ફાળવવો એવો અભિપ્રાય તો મુમુક્ષને હોવો ઘટે છે, એવો અભિપ્રાય હોવો જોઈએ. અને એ અભિપ્રાયને અનુસરીને એનો પ્રયત્ન અને પ્રયાસ પણ હોવો જોઈએ. એ વાત કરી છે. એટલે એમણે ક્યાંક એ પણ વાત કરી છે ને ? આગળ આવશે. ભલે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જોઈને આવી રીતે પણ કોઈ દીક્ષા લે તો કાંઈ વાંધો નથી. ભલે લે. આત્માના કલ્યાણ માટે વિચાર કરવાને નવરો તો થાય છે. એમ કરીને. એવો હેતુ છે.
એટલે દ્રવ્યસંયમરૂપ સાધુત્વ ઉપદેશ્ય છે એ પણ કોઈ પારમાર્થિક હેતુને વશ ઉપદેશવામાં આવ્યું છે એમ સમજવું. માત્ર દ્રવ્યસંયમ ખાતર દ્રવ્યસંયમ નથી પણ ભાવસંયમ અંગીકાર થવા અર્થે દ્રવ્યસંયમ છે. અને એ રીતે એ દ્રવ્યસંયમમાં જો જીવનું લક્ષ હોય તો ભાવસંયમનું નિમિત્તત્ત્વ રહેલું છે માટે ઉપદેશ્ય છે. એમાં કોઈ ભાવસંયમનું નિમિત્તત્ત્વ જ નથી એમ વિચારવા યોગ્ય નથી. એ રીતે આંતરિક હેતુથી એનું માપ કાઢવાનું યોગ્ય છે.