________________
૧૩૨
રાજહૃદય ભાગ-૧૩ હોય, એ કેવી રીતે જીવના પરિણામને અંતર્મુખ કરવામાં દોરી જાય છે ? આ વાત ઉપર લક્ષ કેન્દ્રિત કરીને એનો પ્રયોગ કરવામાં આવે તો અંતર્મુખ થાય. નહિતર માત્ર એ ધારણાનો વિષય થઈ જાય કે આમ કહેવા માગે છે... આમ કહેવા માગે છે. અહીંયાં આમ કહેવા માગે છે... આ શાસ્ત્રમાં આમ કહેવા માગે છે. આ જગ્યાએ આમ કહેવા માગે છે... આ જગ્યાએ આમ કહેવા માગે છે.
અપેક્ષાઓ અને વિવિક્ષાઓના, આગમ અનુસારના, શાસ્ત્ર અનુસારના જ્ઞાનથી સંતુષ્ટપણું થાય તો અંતર્મુખ થવાનો પ્રયત્ન, એનો ઉપાડ ન આવે. એટલે જેને એવા નિમિત્તોનો યોગ છે, તો એને એ વિશેષપણે લક્ષ કરવા યોગ્ય છે કે માત્ર મારે સમજણ કરવી છે એટલે માહિતી મેળવવી છે એમ નથી. પણ ખરેખર તો સમજણ થયા પછી મારા કાર્યની શરૂઆત મારે કરવાની છે. કાર્ય શરૂ થાય એ પહેલાની ભૂમિકા સમજણની છે. એ ભૂમિકામાં જો હું આવ્યો હોય તો કાર્ય કેવી રીતે મારે શરૂ કરવું ? એ વાતની મારે શરૂઆત કરવી જોઈએ. તો એ સમજણનો ઉપયોગ થાય છે. નહિતર સમજાયાનો સંતોષ થાય છે અને એ સમજાયાનો સંતોષ એ એક પાછી ભયંકર દશા છે. કેમકે પછી ત્યાંથી એને નીકળવામાં, સંતોષ થયા પછી ત્યાંથી નીકળવામાં પુરુષાર્થ કાર્યકારી થતો નથી અથવા જીવને પુરુષાર્થ ઉપડતો નથી.
વેપાર કરે તો પણ કમાણી થઈ કે નહિ એ જોવે છે. વેપાર થયો કે નહિ એમ નથી જોતા. પણ એમાં કમાણી કેટલી થઈ એમ જોવે છે. એમ સત્સંગમાં કે સાસ્ત્રમાં નિવૃત્તિયોગે પરિણામનો વ્યાપાર થયો તો પરિણામમાં લાભ થયો કે નહિ એમ જોવું જોઈએ. ફક્ત મેં શાસ્ત્ર વાંચ્યું કે આટલા કલાકનો સત્સંગ ઉપાયો એ વેપાર સામું ન જોવાય. લાભ થયો કે નહિ એના સામું જોવાનું હોય છે. કેમકે મતલબ તો, પ્રયોજન તો લાભથી છે એમનેમ કાંઈ પ્રયોજનની સિદ્ધિ થતી નથી. એ ૬પ૭ (પત્ર પૂરો) થયો.
પત્રાંક-૬૫૮
મુંબઈ, પોષ સુદ ૬, રવિ, ૧૯૫૨ ત્રણે પત્રો મળ્યાં છે. સ્તંભતીર્થ ક્યારે ગમન થવું સંભવે છે ? તે લખવાનું બની શકે તો લખશો.