________________
પત્રાંક-૬૪૮
૮૭ એવું જ્ઞાની પુરુષોનું આશ્ચર્યકારક અનંત ઐશ્વર્ય...” છે. અનંત ઐશ્વર્ય એટલા માટે કહ્યું કે, કોઈપણ અનંત પદાર્થમાંથી કોઈપણ પદાર્થ સામે આવે. ભિન્નતા એક પદાર્થ સાથે નથી કરી, ભિન્નતા અનંતે અનંત પદાર્થ સાથે કરી છે. એટલે એ પુરુષાર્થને પણ અનંતતા લાગુ પડે છે, એમ કહેવું છે. અનંત પરપદાર્થો સાથેનો સંબંધ તોડ્યો. અનંતે અનંત પરપદાર્થ સાથેની ભિન્નતા કરી લીધી. એટલે એ અનંત પુરુષાર્થ છે.
મુમુક્ષુ:- જ્ઞાની આવા મહાન છે!
પૂજ્ય ભાઈશ્રી :- હા. એવા મહાન છે. જ્ઞાની એવા પુરુષાર્થથી, એવા ઐશ્વર્યથી મહાન છે કે, જેમના ઐશ્વર્યને, જેમના પુરુષાર્થને વાણીથી કહી શકાયું પણ યોગ્ય નથી, કહી શકાતું નથી. એવો મહાન પુરુષાર્થ જેમણે પ્રગટ કર્યો. એમની મહાનતાનું અહીંયાં બહુમાન કર્યું છે. એ ૬૪૮મો દોઢ લીટીનો જ ખાલી પત્ર છે.
મુમુક્ષુ:- અમારે શું કરવું?
પૂજ્ય ભાઈશ્રી – બસ! જે જ્ઞાની પુરુષોએ કર્યું તે કરવું. જે જે પદાર્થ દેખાય છે તે જો ભિન્નપણે દેખાય તો તો પોતાને કાંઈ લેવા-દેવા નથી. પણ પોતે સંબંધ જોડે કે આનાથી મને આટલો લાભ, આમ થાય તો મને નુકસાન અને આમ થાય તો મને લાભ. અથવા આ પદાર્થ મને લાભદાયક, આ પદાર્થ મને નુકસાનકારક, એ રીતે જોવે છે તે દર્શનમોહ સહિત વ્યામોહથી જોવે છે. એટલે એને એ પદાર્થ ભિન્ન પદાર્થ સ્વરૂપે નહિ દેખાતા કાંઈને કાંઈ એની સાથે લાભ-નુકસાનનો સંબંધ છે એવી દૃષ્ટિથી જોવે છે. ખરેખર પદાર્થ એવો નથી છતાં. એ જીવની ભૂલ છે. એ પરિભ્રમણનું કારણ છે.
પોતાપણું થાય છે એ મિથ્યાત્વ છે. ભિન્ન પદાર્થ પોતાનો નથી, આત્માનો નથી. સચેત, અચેત, સચેતઅચેત મિશ્ર. કોઈ પદાર્થ આત્માનો નથી. છતાં એમાં પોતાપણું લાગે છે એ જીવનું મિથ્યાત્વ છે, એ અજ્ઞાન છે, એ પરિભ્રમણનું કારણ છે. એ ૬૪૮ (પત્ર પૂરો થયો.
મુમુક્ષુ :- કાલ રાતના બધા બોલ આવી જાય છે.
પૂજ્ય ભાઈશ્રી :- હા. ભેદજ્ઞાન એમાં આવી જાય છે. આ ભેદજ્ઞાનનો પુરુષાર્થ છે.