________________
૯૮
રાજહૃદય ભાગ-૧૩
પત્રાંક-૬૫૦
મુંબઈ, આસો, ૧૯૫૧ અંતર્મુખદષ્ટિ જે પુરુષોની થઈ છે, તે પુરુષોને પણ સતત જાગૃતિરૂપ ભલામણ શ્રી વીતરાગે કહી છે, કેમકે અનંતકાળના અધ્યાસવાળા પદાર્થોનો સંગ છે, તે કંઈ પણ દૃષ્ટિને આકર્ષે એવો ભય રાખવા યોગ્ય છે. આવી ભૂમિકામાં આ પ્રકારે ભલામણ ઘટે છે, એમ છે તો પછી વિચારદશા જેની છે એવા મુમુક્ષુ જીવે સતત જાગૃતિ રાખવી ઘટે એમ કહેવામાં ન આવ્યું હોય, તોપણ સ્પષ્ટ સમજી શકાય એમ છે કે મુમુક્ષુ જીવે છે જે પ્રકારે પરઅધ્યાસ થવા યોગ્ય પદાર્થોદિનો ત્યાગ થાય, તે તે પ્રકારે અવશ્ય કરવો ઘટે. જોકે આરંભપરિગ્રહનો ત્યાગ એ સ્થૂળ દેખાય છે તથાપિ અંતર્મુખવૃત્તિનો હેતુ હોવાથી વારંવાર તેનો ત્યાગ ઉપદેશ્યો છે.
૬૫૦મો ૨૮મા વર્ષનો છેલ્લો પત્ર છે. એ પણ કયા મુમુક્ષુ ઉપર છે એ નથી મળતું. “અંતર્મુખદષ્ટિ જે પુરુષોની થઈ છે, તે પુરુષોને પણ સતત જાગૃતિરૂપ ભલામણ શ્રી વીતરાગે કહી છે? જુઓ ! અંતર્મુખ દૃષ્ટિ થઈ છે એટલે કે જ્ઞાનદશામાં જે પુરુષો, જે આત્માઓ આવ્યા, પુરુષો નામ જે આત્માઓ જ્ઞાનદશામાં આવ્યા તે પુરુષોને પણ સતત (આત્મ)જાગૃતિરૂપ ભલામણ શ્રી વીતરાગે કહી છે” આત્મજાગૃતિમાં જીવે રહેવું. એણે ગતમાં રહેવું નહિ. સમ્યગ્દર્શન થયું માટે હવે મને વાંધો નથી, એવું કોઈ સમ્યગ્દષ્ટિને હોતું નથી. એના બદલે વચનામૃતમાં પૂજ્ય બહેનશ્રીએ તો બીજી વાત લીધી છે કે જેમ ચક્રવર્તીને ચક્ર એના આયુધશાળામાં ઉત્પન્ન થાય છે. એ એક શસ્ત્ર છે. એટલે ચક્રવર્તી પછી નિરાંત કરીને બેસી રહેતો નથી. જેવા એને ખબર મળે છે કે આયુધશાળામાં ચક્રની ઉત્પત્તિ થઈ. જન્મ્યો ત્યારથી એને ખબર તો છે કે હું ચક્રવર્તીની પદવીધારી જીવ છું પણ એ પુણ્યનો ઉદય થાય ત્યારે આયુધશાળામાં એ બધા અશ્વ છે, ચક્ર છે એ બધા ઉત્પન્ન થાય છે. તરત જ એના પુણ્યયોગે એવા જ વિકલ્પ આવે. જ્ઞાની હોય તોપણ. ભરત ચક્રવર્તીને ...ચાલો છ ખંડ સાધવા નીકળો. ચક્ર આવી ગયું એટલે છ ખંડ સાધવા નીકળ્યા.
એમ જેને સમ્યગ્દર્શન પ્રગટ થયું, એ પણ એક સુદર્શન ચક્ર છે.