________________
[ ૫૧ ]
આ ચિત્રોની ડિઝાઇનના બ્લોકો મુંબઇમાં સં. ૨૦૧૫માં કરાવી લીધા હતા. કેમકે એ જ સાલમાં પુસ્તક બહાર પાડી શકશું એવી પૂરી ધારણા હતી પરંતુ ભાવનગરનો મહોદય પ્રેસ એકાએક વેચાઇ જતાં ફર્મ ગોડાઉનમાંથી પાછા મેળવવામાં ખૂબ સમય ગયો. પછી ઘણાં ઘણાં અંતરાયો નડતા રહ્યા.
મુંબઇમાં મારાં નવાં ચિત્રો જોવા માટે તેરાપંથી સમાજના ઘણા સંતો આવી ગયા. પાલીતાણામાં તપાગચ્છના વિવિધ સમુદાયના કેટલાક સાધુઓ પણ જોઇ ગયા. તેરાપંથીના સાધુઓ તો મારા ચિત્રોની ડિઝાઇન જોઇને ભારે મુગ્ધ બની ગયા, તેઓએ કહ્યું કે આવું કામ અમોએ કદી જોયું નથી. હજારો વરસના ઇતિહાસમાં ભૂગોળ ખગોળને લગતાં આવાં ચિત્રો પ્રથમ જ જોઇએ છીએ. અમે તો સાંભળીએ છીએ કે આપ જાહેર જીવનમાં ખૂબ વ્યસ્ત રહો છો. બીજાં ઘણાં કામોમાં રોકાણ હોય છે ત્યારે આપ કયારે આ કામ કરી શક્યા હશો. ત્યારે મેં કહ્યું કે આ કામ તો સં. ૨૦૦૬ની આસપાસમાં પંદર વર્ષ પહેલાં થયેલું, ત્યારે તો તેઓને પાર વિનાની નવાઇ લાગી.
સંગ્રહણીની પ્રથમાવૃત્તિનાં ચિત્રો સંવત ૧૯૯૦માં અમેરીકન ડૉ. નોર્મન બ્રાઉન, તથા સ્ટેલા ક્રીમલીસ તથા બીજા વિદ્વાનોએ માગેલાં, તેમને મેં આપ્યાં હતાં, કેમકે તેઓ સંગ્રહણીમૂલનું સંશોધન અને અભ્યાસ કરતા હતા, અને તેનું પ્રકાશન કરવા માગતા હતા.
ખુલાસો--ભૂગોળ ખગોળના અભ્યાસી અમેરિકા રહેતા જૈન ભાઇશ્રી નિરંજનભાઇએ એક પુસ્તિકા બહાર પાડી છે, જેમાં મારી સંગ્રહણીનાં થોડાં ચિત્રો છાપ્યાં છે. ભાઇશ્રી નિરંજને બ્લેક હોલની જે કલ્પના કરી અને તે સ્થાન અષ્ટકૃષ્ણરાજીનું છે એવું જે ઘટાવે છે પણ તે અનેક કારણોસર બંધબેસતું નથી.
પાલીતાણામાં તલાટી પાસે આવેલા જંબૂદ્વીપમાં અમારા બે ગ્રન્થોનાં ચિત્રોની નકલ કરીને મૂકેલાં ચિત્રો
જંબુદ્વીપ, જેના પ્રેરક વિદ્વાન મુનિપ્રવર શ્રી અભયસાગરજી છે. જેઓ પ્રાયઃ સં. ૨૦૦૩ આસપાસમાં અમદાવાદ મુકામે સુતરીયા કુટુંબના ઉપાશ્રયમાં રહ્યા હતા ત્યારે જૈન ભૂગોળને લગતો ગ્રન્થ ક્ષેત્રસમાસ અને ખગોળ તેમજ ત્રણેય લોકની વિગતોને રજૂ કરતો મારો અનુવાદિત ગ્રન્થ ‘સંગ્રહણીરત્ન’ અર્થાત્ મોટી સંગ્રહણી આ બે ગ્રન્થોની માગણી કરેલી તેથી હું જાતે આપી આવ્યો હતો.
આ ગ્રન્થો વાંચ્યા પછી જ તેમણે ભૂગોળ ખગોળના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો અને આજે પણ જંબુદ્રીપની રચનામાં ભીંતો ઉપર, દેરીઓ ઉપર લગાવેલા પતરાં ઉપર કલર કામથી જે ચિત્રો મૂક્યાં છે તે લગભગ મોટાભાગનાં આ બંને ગ્રન્થોમાં આપેલાં ચિત્રો ઉપરથી પૂરેપૂરી નકલ કરીને જ મૂકયાં છે.
દુઃખદ આશ્ચર્ય એ છે કે આ ચિત્રો ઉપરના બે ગ્રન્થોમાં છાપેલાં ચિત્રો ઉપરથી સંપૂર્ણ નકલ કરીને જ્યારે મૂકવામાં આવ્યાં છે ત્યારે ત્યાં આગળ તેની જાણ કરતું એક બોર્ડ મૂકવામાં આવ્યું હોત તો મૂલપુસ્તકો વાંચવા માટે વાચકો પ્રેરાત અને આજકાલ કેટલાક લેખકો, સાહિત્યકારો અને પ્રકાશકો મૂલવ્યક્તિનું કે મૂલગ્રન્થનું નામ લખવાની કે આભાર માનવાની નૈતિક જવાબદારીની ઉપેક્ષા કરતા હોય છે તે અપરાધમાંથી તેઓ મુક્ત રહી શકત.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org