________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
થઈ જાય અને શ્રોતા ઊંચા થાય. વળી તેનામાં તીવ્ર ક્રોધ-માન ન હોય, કારણ તીવ્ર ક્રોધી માનીની નિંદા ન થાય અને શ્રોતા તેનાથી ડરતા રહે તો તેનાથી પોતાનું હિત કેમ થાય? વળી પોતે જ જુદા જુદા પ્રશ્ન ઉઠાવી તેનો ઉત્તર કરે અથવા અન્ય જીવ અનેક પ્રકારથી વિચારપૂર્વક પ્રશ્ન કરે તો મિષ્ટ વચન દ્વારા જેમ તેનો સંદેહ દૂર થાય તેમ સમાધાન કરે તથા જે પોતાનામાં ઉત્તર આપવાનું સામર્થ્ય ન હોય તો એમ કહે કે મને તેનું જ્ઞાન નથી પણ કોઈ વિશેષ જ્ઞાનીને પૂછી હું ઉત્તર આપીશ. અથવા કોઈ અવસર પામી તમને કોઈ વિશેષ જ્ઞાની મળે તો તેને પૂછી સંદેહ દૂર કરશો અને મને પણ દર્શાવશો. કારણ કે આમ ન હોય અને અભિમાનપૂર્વક પોતાની પંડિતતા જણાવવા જ પ્રકરણ વિરુદ્ધ અર્થ ઉપદેશે તો વિરુદ્ધ શ્રદ્ધાન થવાથી શ્રોતાઓનું બુરું થાય અને જૈનધર્મની પણ નિંદા થાય. અર્થાત જો એવો ન હોય તો શ્રોતાનો સંદેહ દૂર થાય નહિ, પછી કલ્યાણ તો કયાંથી થાય ? તથા જૈનમતની પ્રભાવના પણ થાય નહિ. વળી જેનામાં અનીતિરૂપ લોકનિંઘ કાર્યોની પ્રવૃત્તિ ન હોય, કારણ લોકનિંદ્ય કાર્યો વડે તે હાસ્યનું સ્થાનક થઈ જાય તો તેના વચનને પ્રમાણ કોણ કરે? ઉલટો જૈનધર્મને લજાવે. વળી તે કુળહીન, અંગહીન અને સ્વર ભંગતાવાળો ન હોય પણ મિષ્ટ્રવચની તથા પ્રભુતાયુક્ત હોય તે જ લોકમાં માન્ય હોય. જો એવો ન હોય તો વક્તાપણાની મહત્તા શોભે નહિ. એ પ્રમાણે ઉપરના ગુણો તો વક્તામાં અવશ્ય જોઈએ. શ્રીઆત્માનુશાસનમાં પણ કહ્યું છે કે
प्राज्ञः प्राप्तसमस्तशास्त्रहृदयः प्रव्यक्तलोकस्थितिः, प्रास्ताशः प्रतिभापर: प्रशमवान प्रागेव दृष्टोत्तरः। प्रायः प्रश्नसह: प्रभुः परमनोहारी परानिन्दया, ब्रूयाद्धर्मकथां गणी गुणनिधिः प्रस्पष्टमिष्टाक्षरः।। ५ ।।
અર્થ:- જે બુદ્ધિમાન હોય, સમસ્ત શાસ્ત્રોના રહસ્યને પામ્યો હોય, લોકમર્યાદા જેને પ્રગટ થઈ હોય, આશા જેની અસ્ત થઈ હોય, કાંતિમાન હોય, ઉપશમવંત હોય, પ્રશ્ન થતાં પહેલાં જ ઉત્તરને જે જાણતો હોય, બાહુલ્યપણે અનેક પ્રશ્નોનો સહન કરવાવાળો હોય, પ્રભુતાયુક્ત હોય, પરના વા પર દ્વારા પોતાના નિંદારહિતપણાવડ પરના મનનો હરવાવાળો હોય, ગુણનિધાન હોય અને સ્પષ્ટમિષ્ટ જેનાં વચન હોય એવો સભાનો નાયક ધર્મકથા કહે.
વળી વક્તાનાં વિશેષ લક્ષણ આ પ્રમાણે છે કે જો વ્યાકરણ-ન્યાયાદિક વા મોટાં મોટાં જૈનશાસ્ત્રોનું તેને વિશેષ જ્ઞાન હોય તો વિશેષપણે વક્તાપણું શોભે. વળી એ ઉપરાંત અધ્યાત્મરસદ્વારા પોતાના સ્વરૂપનું યથાર્થ અનુભવન જેને ન થયું હોય તે પુરુષ જૈનધર્મના મર્મને ન જાણતાં માત્ર પદ્ધતિ દ્વારા જ વક્તા થાય છે, તો તેનાથી અધ્યાત્મરસમય સાચા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com