________________
ભગવાનની આજ્ઞાને વફાદાર નાનું જૂથ હોય અને તેની સામે એકતાના ઓઠા પાછળ રહીને ભગવાનની આજ્ઞા નેવે મૂકનાર મોટું જૂથ હોય, તો પણ જ્ઞાની ભગવંતો મોટાં જૂથને હાડકાંનો સમૂહ કહીને નાના જૂથને સંઘ કહી નવાજે છે. આજે બહુમતીની બાંગ પોકારનારા ઘણા નીકળ્યા છે. પણ તેમને પૂછો કે, આપણા તીર્થંકર દેવો કદી પણ બહુમતીમાં હતા ખરા ? અબજો માણસોમાંથી ભગવાને સંઘમાં કેટલાને લીધાં? ભગવાન શ્રી વીર પરમાત્માના એક લાખ, ઓગણસાઠ હજાર (૧,૫૯,૦૦૦) શ્રાવકો હતા. જ્યારે ગોશાળાના ભક્તો અગિયાર લાખ હતા. તો કોને સારા માનશો ? અરે ! આજે પણ સાધુની બહુમતી નથી, શ્રાવકોની જ બહુમતી છે. તો શું અમારે શ્રાવકોના કહ્યા મુજબ કરવું ? ભગવાને તો કહ્યું છે કે, આપણે બહુમતી નથી જોવાની, લઘુમતી નથી જોવાની, આગળ વધીને સર્વાનુમતી પણ નથી જોવાની, જોવાની છે ફક્ત શાસ્ત્રમતિ !
વિ.સં. ૧૯૮૫-૮૬ના વર્ષોમાં ફેંકાયેલા જમાના-વાદના ઝંઝાવાતની ઝાંખી મળી ગયા બાદ, એની સામે ઝઝૂમનારાની જવાંમર્દીની ઝલક પામીને અને એ રામવાણીમાં પડઘાતો ધનુષ્યના ટંકાર જેવા રણકાર અનુભવીને હવે રામાયણના એ પાત્રોના માધ્યમે ધર્મ અને સંસ્કૃતિનો જે સંદેશ યુગયુગથી પ્રસાર-પ્રચાર પામતો રહ્યો છે, એને સાંભળવા સજ્જ બનીએ.
વર્ધમાન શંખેશ્વર શાંતિધામ તીર્થ ઉદવાડા-સ્ટેશન
આચાર્ય વિજયપૂર્ણચન્દ્રસૂરિ ચૈત્રી પૂર્ણિમા, ૩૦-૩-૨૦૧૦