________________
રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
જૈન રામાયણઃ રજોહરણની ખાણ
૧૨૪
રૂપસંપદાથી ‘શ્રીમતી' નામની રાણી હતી. તેનાથી ‘તારા' નામે વિશાળ લોચનવાળી દીકરી થઈ. તેણીને ‘ચક્રાંક’ નામના વિદ્યાધર રાજાના પુત્ર ‘સાહસગતિ’એ જોઈ અને તે એકદમ કામથી પીડિત થયો, તેથી તેણે માણસો દ્વારા ‘જ્વલનશીખ' રાજા પાસે તારાની માંગણી કરી આ બાજુ વાનરેંદ્ર શ્રી સુગ્રીવ રાજાએ પણ માણસો દ્વારા તેની માંગણી કરી. કારણકે રત્નના અર્થીઓ ઘણા હોય છે. માંગણી કરનારા બંનેય રાજાઓ કુલીન હતા, રૂપવાન હતા અને પરાક્રમી હતા માટે ‘આ કન્યા કોને આપવી ?' એ જ્વલનશીખ રાજાએ જ્ઞાનીને પૂછ્યું. આના ઉત્તરમાં નિમિત્તના જાણકાર જ્ઞાનીએ “સાહસગતિ” અલ્પ આયુષ્યવાળા છે, અને કપીશ્વર ‘શ્રી સુગ્રીવ’ દીર્ઘ આયુષ્યવાળા છે, આ પ્રમાણે કહેવાથી રાજા જ્વલનશીખે પોતાની તે ‘તારા' નામની કન્યા ‘શ્રી સુગ્રીવ'ને આપી. આથી પોતાની આશા ફળીભૂત ન થવાથી, અંગારાથી ચુંબિત થયેલો આદમી જેમ કોઈપણ સ્થાને સુખ ન પામે, તેમ ‘સાહસગતિ’ પણ દિવસે દિવસે અસ્વસ્થ બનતો જાય છે અને કોઈપણ સ્થાને શાંતિને પામતો નથી. આ બાજુએ તે ‘તારાસુંદરી’ સાથે આનંદ ભોગવતા શ્રી સુગ્રીવને તારાદેવીથી પરાક્રમી દિગ્ગજ જેવા ‘અંગદ’ અને ‘જયાનંદ' નામના બે દીકરાઓ થયા.
તારાદેવી જ્યારે પોતાના પતિ સાથે આનંદ વિલસે છે, ત્યારે આ બાજુ તેમાં અનુરાગી બનેલો અને કામના યોગે જેનો આત્મા વિહ્વળ બની ગયો છે, એવો ‘સાહસગતિ’ ભયંકર વિચારણામાં નિમગ્ન થઈ ગયો હતો. તેના એક-એક અંગને યાદ કરી, અનુચિત ક્રિયાઓની લાલસાથી, બીજી સુખની સામગ્રી હયાત છતાં, નિરર્થક દુ:ખની ચિંતામાં સળગી રહ્યો હતો. કામથી વિવશ બનેલો, તે તેનાં અંગોથી કલ્પિત અને તુચ્છ સુખની આશામાં પડીને, તેનાં નેત્રોને હરણનાં બચ્ચાનાં નેત્રોની ઉપમા આપે છે અને અનેક મલીન વસ્તુથી ભરેલા મુખને કમળની