________________
રાક્ષસવંશ અને વાનરવંશ ભાગ-૧
જૈન રામાયણઃ રજોહરણની ખાણ
૭૮
દૂતના આ કથનથી રાવણ કોપાયમાન થઈ ગયો અને મહાબુદ્ધિશાળી એવો તે ક્રોધથી બોલ્યો કે
‘અરે ! એ વૈશ્રવણ કોણ છે કે જે બીજાને કર આપનારો છે, અને જે બીજાના શાસનથી લંકા ઉપર શાસન કરે છે ? આમ છતાં પણ તે આ પ્રમાણે બોલતાં કેમ લાજતો નથી ? ખેદની વાત છે કે તેની આટલી બધી ધૃષ્ટતા છે ! તું દૂત છે એટલે તને મારતો નથી માટે તું ચાલ્યો જા.'
આ પ્રમાણેના શ્રી રાવણના કથનથી દૂતે જઈને આ સઘળી હકીકત યથાસ્થિતપણે શ્રી વૈશ્રવણને કહી. દૂતની પાછળ જ રાવણ પોતાના બંધુઓને અને સેનાને સાથે લઈને ભયંકર ક્રોધથી લંકાનગરીની પાસે આવી પહોંચ્યો. આ વાતના સમાચાર આગળ મોકલેલા દૂતે વૈશ્રવણને આપ્યા. એ સમાચાર સાંભળ્યા કે તરત જ વૈશ્રવણ પણ સૈન્યની સાથે લંકાનગરીથી નીકળ્યો. થોડા જ વખતમાં, વગર રોકાણે પ્રસારને પામતો પવન જેમ વનની ભૂમિને ભાંગી નાંખે, તેમ રાવણે વૈશ્રવણની સેનાનો ભંગ કરી નાખ્યો. જ્યારે રાવણે પોતાની સેનાનો ભંગ કર્યો, ત્યારે પોતાની મેળે જ પોતાનો ભંગ થયેલો માનતા શ્રી વૈશ્રવણનો ક્રોધરૂપ અગ્નિ શમી ગયો. આવેશના અભાવથી તેના આત્મામાં ઉત્તમ વિચારોનો અવિર્ભાવ થયો એથી શ્રી વૈશ્રવણની ભાવનામાં પરિવર્તન થઈ ગયું એ પરિવર્તનના યોગે શ્રી વૈશ્રવણ પ્રથમ તો એ વિચારે છે કે “પદ્મ વિનાના સરોવરની, ભગ્નદંત હસ્તિની, છેદાઈ ગઈ છે શાખાઓ જેની એવા વૃક્ષની, મણિ વિનાના અલંકારની, જ્યોત્સ્યાહીન ચંદ્રમાની અને પાણી વિનાના મેઘની અવસ્થિતિ જેમ ધિક્કારને પાત્ર છે, તેમ શત્રુઓથી હણાઈ ગયું છે માન જેવું એવા માની પુરુષની અવસ્થિતિ હયાતિ, ખરે જધિક્કારને પાત્ર છે.”